પટેલ, જેરામ (જ. 20 જૂન 1930, સોજિત્રા; અ. 18 જાન્યુઆરી 2016, વડોદરા) : વીસમી સદીના ઉત્તરાર્ધના ગુજરાતના મહત્ત્વના કલાકાર. તેમણે રાષ્ટ્રીય ઉપરાંત આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ નોંધપાત્ર કામગીરી બજાવી છે. મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટમાં પાંચ વરસ કૉમર્શિયલ આર્ટ તથા તે પછી 1957માં લંડનની સેન્ટ્રલ સ્કૂલ ઑવ્ આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ્સમાં ટાઇપોગ્રાફી ઍન્ડ પબ્લિસિટી ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યો. માત્ર લલિત કલાકાર-ચિત્રકાર તરીકે જ નહિ, પણ ગ્રાફિક ડિઝાઇનર તરીકે પણ તેમણે મોટું ગજું દાખવ્યું છે. તેમણે વડોદરાની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સ, અમદાવાદની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ડિઝાઇન તેમજ અમદાવાદની સ્કૂલ ઑવ્ આર્કિટેક્ચરમાં વર્ષો સુધી શિક્ષણકાર્ય કરેલું. ભારતની કેન્દ્રીય લલિતકલા એકૅડેમીમાં વરસો સુધી તેઓ સભ્ય રહ્યા હતા. તેઓ ગુજરાત લલિતકલા અકાદમીના અધ્યક્ષ પણ હતા. આ ઉપરાંત વિવિધ જાહેર અને ખાનગી લિમિટેડ કંપનીઓમાં પણ ડિઝાઇન-સલાહકાર તરીકે સેવાઓ આપી હતી.
તેમણે ભારતીય લઘુચિત્રશૈલીથી શરૂઆત કરી; પરંતુ તુરત તેઓ અર્ધઅમૂર્ત (semi-abstract) સ્વરૂપો પ્રત્યે આકર્ષાયા. 1961માં જાપાનની મુલાકાતેથી પાછા આવ્યા પછી તેઓ ચિત્ર છોડી લાકડાની સપાટીને બ્લો-ટૉર્ચથી બાળીને કલાકૃતિઓનું સર્જન કરવા તરફ વળ્યા; પરંતુ ખુદના કહેવા મુજબ સંપૂર્ણ અમૂર્તની વાત ક્યારેય ન કરી. કાગળ પરના ડ્રૉઇંગના મુકાબલે લાકડાનું માધ્યમ તેમને વધુ કઠિન અને વધુ પડકારરૂપ જણાયું. તેઓ માને છે કે પોતાની કલાને આસપાસના સામાજિક, રાજકીય જીવન કે અન્ય કોઈ પણ સંદર્ભ સાથે કોઈ નિસબત નથી.
1963માં વડોદરાના કળાકારોએ રચેલા જૂથનું નામ હતું ‘ગ્રૂપ 1890’. આ માટે કળાકારો ભાવનગરમાં જ્યોતિ પંડ્યાના ઘરમાં ભેગા થયા હતા. આ ઘરનો નંબર 1890 હતો અને તેના પરથી આ ગ્રૂપનું નામકરણ થયું. તેમાં જેરામભાઈ પણ મહત્ત્વના કલાકાર હતા. આ સમયે હિંમત શાહની સાથે જેરામભાઈએ માધ્યમ સાથે તોડફોડ કરીને નવી ચિત્રભાષા સર્જવાની મથામણ કરી. પિકાસો અને પૉલ ક્લેના સંસ્કાર ઝીલી, તરડાયેલા ચહેરાનું નિરૂપણ કરી તેમણે આદિમતાનાં પાતાળો ડહોળ્યાં અને બિહામણી આકૃતિઓ, તૂટેલાં-ફૂટેલાં અંગોપાંગો અને કપોલકલ્પિત પ્રાણીઓના આકારો કાળી શાહીમાં નિરૂપી નવી દિશામાં ગતિ કરી. બીજી તરફ બ્લો-ટૉર્ચ વડે લાકડું બાળી, ખીલા ઠોકી, ઇનૅમલ અને તૈલરંગના વિનિયોગ દ્વારા સર્જાતી કૃતિઓમાં વિવિધ સ્તરે વિદ્રોહની લાગણીને વાચા આપી. તેમના આ પ્રકારના સર્જનનો પ્રભાવ એક તબક્કે દેશમાં ખાસ્સો ઝિલાયો. માધ્યમ સાથે તોડફોડ કર્યા પછીના ગાળામાં એક જ રંગને પાથરી જરૂર જેટલો આકાર આપી સંવેદન પ્રકટાવવા તેઓ મથ્યા, તેમ છતાં તેઓ રંગધર્મી ચિત્રકાર નહોતા. તેમની માન્યતા મુજબ ધરતીમાં કાળો અને રાખોડી એ બે જ રંગો મળે છે. તેથી બને એટલા ઓછા રંગોમાં તેઓ કામ કરતા હતા.
જેરામભાઈ અંતકાળે પોતાની પાસે બચેલી પોતાની તમામ કલાકૃતિઓ 2014માં કિરણ નાદાર મ્યુઝિયમને વેચી દીધી. તેમાંથી મળેલાં નાણાં તેમજ વડોદરા ખાતે પોતાનો ફ્લૅટ અને બંગલો પોતાના મિત્ર અને સેવક ડાહ્યાભાઈ મારવાડીને વીલ મારફતે આપી દીધા.
અમિતાભ મડિયા