પટેલ, જયંતી કાલિદાસ (જ. 24 મે 1924; અ. 26 મે 2019) : ‘રંગલો’ તરીકે વિશેષ જાણીતા ગુજરાતના હાસ્યઅભિનેતા. અમદાવાદની એલ.ડી. આર્ટ્સ કૉલેજમાંથી બી.એ.(ઑનર્સ)ની પદવી મેળવી ‘રંગમંડળ’ સંસ્થામાં જોડાયા. ‘પાણિગ્રહણ’, ‘બિન્દુનો કીકો’, ‘અચલાયતન’, ‘મોંઘેરા મહેમાન’ વગેરે નાટકોમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી. ‘હુલ્લડ’, ‘રૅશનિંગ’, ‘ગાંસડી કુસુમવાળી’ જેવાં ટૂંકાં હાસ્યનાટકો લખ્યાં. રૂપકસંઘ નિર્મિત કવિ ન્હાનાલાલ-રચિત ‘જયા-જયંત’ નાટકમાં તીર્થગોરનું પાત્ર ભજવ્યું. 195152માં મુંબઈમાં નાટકની શરૂઆત, પરાંપ્રવાસી, ભારતીય વિદ્યાભવન અને રંગભૂમિ – એ ત્રણ સંસ્થાઓથી કરી. ‘પારકી જણી’, ‘ગોવિંદા આલા’, ‘ભાડૂતી પતિ’, ‘કંચન ભયો કથીર’ વગેરે નાટકોનું દિગ્દર્શન કર્યું તેમજ તેમાં મુખ્ય ભૂમિકા પણ ભજવી. ઇન્ડિયન નૅશનલ થિયેટર દ્વારા ફીરોઝ આંટિયાના નિર્દેશનમાં ભજવાયેલા ‘રંગીલો રાજા’ નાટકમાં રસિકની ભૂમિકા ભજવી ઝળહળતી ફતેહ મેળવી. ‘રંગીલો રાજા’ નાટકથી નવી રંગભૂમિના પ્રેક્ષકો પહેલી વાર ટિકિટ ખરીદી નાટક જોતા થયા. દિલ્હી ગુજરાતી સમાજે આ નાટકમાં શ્રેષ્ઠ ભૂમિકા કરવા બદલ તેમને સુવર્ણચંદ્રક આપ્યો હતો.
આઇએનટીમાં જોડાયા પછી ‘માઝમરાત’, ‘મંગલ મંદિર’, ‘સંભાવિત સુંદરલાલ’, ‘જમા ઉધાર’, ‘મસ્તરામ’ વગેરે નાટકો ભજવ્યાં. ‘મસ્તરામ’ નાટકમાં પરમસુખ પારેખની ભૂમિકા માટે 1961માં મહારાષ્ટ્ર સરકારનું ‘શ્રેષ્ઠ નટ’નું પારિતોષિક મળ્યું. આ અરસામાં તેમણે ભવાઈના સ્વરૂપનો આધાર લઈ લખેલાં ને ભજવેલાં ‘નેતા-અભિનેતા’, ‘સરવાળે બાદબાકી’ અને ‘મારા અસત્યના પ્રયોગો’ નાટકોએ તેમને જબરી લોકચાહના અપાવી ને તેમનું ‘રંગલો’ નામ ગાજતું થયું. ‘સરવાળે બાદબાકી’ પશ્ચિમમાં અતિ પ્રચલિત ‘રેવુ’ પ્રકારનું નાટક હતું તો ‘મારા અસત્યના પ્રયોગો’ સાદ્યંત એકપાત્રી પ્રયોગ હતો, સાચા અર્થમાં ‘વન-મૅન શો’. લગભગ દોઢ દાયકા સુધી તેમણે મુંબઈ રેડિયો ઉપર રોજિંદા જીવનના પ્રશ્નોને ભવાઈ-શૈલીમાં રોચક રીતે રજૂ કરી, તેમાં રંગલાનો પાઠ ભજવી, અપાર લોકપ્રિયતા મેળવી. મુંબઈ(પાર્લા)માં ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે ‘ભદ્રંભદ્ર’ નાટક ભજવ્યું ને મુખ્ય ભૂમિકા પોતે જ અદા કરી. અન્ય નોંધપાત્ર નાટકો તે ‘લવ-લવ’, ‘ચાલો ઘર ઘર રમીએ’, ‘સપનાનાં સાથી’, ‘કોના બાપની દિવાળી’ અને ‘મુંબઈનો માળો’. ‘સપનાનાં સાથી’ નાટકમાં તેમણે ભજવેલી ‘સાહ્યબા’ની ભૂમિકા રંગભૂમિનું યાદગાર પાત્ર છે.
1967-68માં અમેરિકન સરકારની સ્કૉલરશિપ મળતાં તેમણે અમેરિકા ઉપરાંત ફ્રાન્સ, બ્રિટન અને જર્મની જઈ ત્યાંની રંગભૂમિનો ઊંડો અભ્યાસ કર્યો. 1982માં ‘નાટ્યયોગ’ વિષયમાં સંશોધન કરી, મુંબઈ યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટ મેળવી. 25 વર્ષ અમેરિકા ખાતે સ્થાયી થઈ, ન્યૂયૉર્કથી 80 માઈલ દૂર આવેલા ‘સ્વામી બ્રહ્માનંદ સરસ્વતી’ના આનંદ આશ્રમમાં ‘પ્રોગ્રૅમ ડિરેક્ટર’ તરીકે કાર્યરત રહેવા ઉપરાંત તેઓ અવારનવાર આયૉનેસ્કોના ‘એગ્ઝિટ ધ કિંગ’ (Exit the King) જેવાં નાટકો પણ ભજવતા રહ્યા અને ‘આનંદ આશ્રમ’ની સૅનફ્રૅન્સિસકો ખાતે આવેલી શાખા પણ સંભાળતા રહ્યા.
નાટક ઉપરાંત કટાક્ષચિત્ર અને વ્યંગ-પત્રકારત્વ-ક્ષેત્રે પણ તેમનું નોંધપાત્ર પ્રદાન છે. ‘અખંડ આનંદ’ માસિકમાં તેમણે ઘણાં વર્ષો સુધી રંગલાના પાત્રની કાર્ટૂન-કથાઓ પ્રગટ કરી હતી. ગુજરાતી વર્તમાનપત્રોમાં ‘હસે તેનું ઘર વસે’ શીર્ષકથી કાર્ટૂન તેમજ રમૂજી ચિત્રો સહિતનો હાસ્યવિનોદનો સ્વતંત્ર વિભાગ શરૂ કરી, તેમાં સમાજનાં બધાં જ અંગોને આવરી લેવાનું પ્રથમ માન જયંતી પટેલને જાય છે.
‘સો પ્રેક્ષકોનું થિયેટર’, ‘રંગલાની રામલીલા’, આ ઉપરાંત ‘ભવાઈ’, ‘કાર્ટૂનકથા’, ‘સરવાળે બાદબાકી’, ‘મારા અસત્યના પ્રયોગો’, ‘ચેપ્લિન, ગાંધી ઍન્ડ મી ટૂ’, ‘સુ બે ગાફિલ બંદા’ વગેરે તેમનાં નોંધપાત્ર પ્રકાશનો છે.
મહેશ ચંપકલાલ શાહ