પટેલ, કેશુભાઈ (જ. 24 જુલાઈ 1930, રાજકોટ; અ. 29 ઑક્ટોબર 2020, અમદાવાદ) : ગુજરાતના અગ્રણી રાજપુરુષ તથા રાજ્યના પૂર્વમુખ્યમંત્રી. કિસાન-પરિવારમાં જન્મ. પિતાનું નામ સવદાસભાઈ. માતાનું નામ પૂતળીબાઈ. રાજકોટ ખાતે અંગ્રેજી ધો. 9 સુધીનો અભ્યાસ. ઔપચારિક ભણતર ઓછું હોવા છતાં સમાજસેવા પ્રત્યેની કટિબદ્ધતાને લીધે નેતૃત્વના ગુણો સંપાદન કરી શક્યા. જાહેર જીવનની શરૂઆત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અદના સ્વયંસેવક તરીકે થઈ. ત્યારપછી જાહેર જીવનને સ્પર્શતી ઘણી સંસ્થાઓમાં તેમણે કામ કર્યું છે; દા. ત., 1969-74 દરમિયાન રાજકોટ નાગરિક સહકારી બકના ડિરેક્ટર, 1967-74 દરમિયાન રાજકોટ મ્યુનિસિપાલિટીના સભ્ય, 1967-72 દરમિયાન રાજકોટ ખેતીવિષયક લિફ્ટ ઇરિગેશન મંડળીના નેતા વગેરે. વળી ઘણી પ્રજાકીય ચળવળોમાં તેમણે સક્રિય ભાગ લીધો હતો. તેમાં ગૌહત્યાવિરોધી આંદોલન (1951), ગોવા-મુક્તિ-આંદોલન (1961), નવનિર્માણની ચળવળ (1973-74), મોંઘવારીવિરોધી આંદોલન વગેરેનો સમાવેશ થાય છે. માલિકો દ્વારા કામદારોના થતા શોષણ સામે પણ તેમણે લડત આપી હતી.
1975માં સૌરાષ્ટ્રના વિસાવદર મતવિસ્તારમાંથી જનસંઘના ઉમેદવાર તરીકે તેઓ ગુજરાતની વિધાનસભામાં સૌપ્રથમ ચૂંટાયા. તે પછી 1995માં રાજ્યની દસમી વિધાનસભા માટે થયેલ ચૂંટણી સુધી તેઓ સતત ચૂંટાતા આવ્યા છે. 1975-76માં તેમનો રાજ્યના મંત્રીમંડળમાં સૌપ્રથમ સમાવેશ થયો, જ્યારે તેમને ખેતી અને સિંચાઈ વિભાગ સોંપવામાં આવ્યો હતો. ત્યારપછી 1977-80 દરમિયાન જાહેર બાંધકામ ખાતાના મંત્રી તરીકે, માર્ચ, 1990થી ઑક્ટોબર, 1990 સુધી નર્મદા, જળસંપત્તિ, વાહનવ્યવહાર અને બંદરો – આ બધા વિભાગોના મંત્રી તરીકે અને 1990-95 દરમિયાન વિધાનસભાના ભારતીય જનતા પક્ષના વિરોધ-પક્ષના નેતા તરીકે તેમણે સેવાઓ આપી છે. 1996માં ભારતીય જનતા પક્ષના ઉપાધ્યક્ષ તરીકે તેમની વરણી થઈ હતી.
1995ની સામાન્ય ચૂંટણીમાં રાજ્યમાં ભારતીય જનતા પક્ષને બહુમતી પ્રાપ્ત થતાં કેશુભાઈ પહેલી વાર રાજ્યના મુખ્યમંત્રી (માર્ચ, 1995થી ઑક્ટોબર, 1995) બન્યા હતા. ઑક્ટોબર, 1995માં પક્ષમાં ભંગાણ પડતાં તેમની પાંખ લઘુમતીમાં આવી હતી, જેને કારણે કેશુભાઈને રાજીનામું આપવું પડ્યું હતું. ફેબ્રુઆરી, 1998ની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષને સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત થતાં, માર્ચ, 1998થી તેઓ બીજી વાર રાજ્યના મુખ્ય મંત્રી બન્યા હતા.
ભારતીય જનતા પાર્ટી સાથે તેમને મતભેદ થતાં તેમણે ગુજરાત પરિવર્તન પાર્ટી નામથી એક અલગ પક્ષની સ્થાપના કરી હતી, જેને 2009ની વિધાનસભાની ચૂંટણીમાં બે બેઠકો પર વિજય મળ્યો હતો. તેમાંથી એક બેઠક પર કેશુભાઈ પોતે ચૂંટાયા હતા.
વર્ષ 2014થી તેઓ રાજકારણમાં નિષ્ક્રિય બન્યા છે. આ પક્ષ ફેબ્રુઆરી, 2014માં ભાજપમાં વિલીન થયો છે. પરંતુ પક્ષના સિનિયર ઉપપ્રમુખ અને સ્થાપક સભ્ય સુરેશ મહેતાના જણાવ્યા અનુસાર આવું વિલીનીકરણ ગેરકાયદેસર છે. આમ અલગ પક્ષ તરીકે આ પક્ષનું અસ્તિત્વ ચાલુ રહે છે. કેશુભાઈએ ઉંમરના કારણે તેમની રાજકીય નિવૃત્તિ જાહેર કરી હતી.
તેમણે દેશવિદેશનો વ્યાપક પ્રવાસ ખેડ્યો છે. અન્ય દેશોની આર્થિક વિકાસની તરેહ તથા સંસ્કૃતિના અભ્યાસ અર્થે તેમણે ઇંગ્લૅન્ડ, અમેરિકા, ઇઝરાયલ તથા પોર્ટુગલની મુલાકાત લીધી હતી.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે