પટેલ, ઈશ્વરભાઈ જેઠાભાઈ

January, 1998

પટેલ, ઈશ્વરભાઈ જેઠાભાઈ (. 2 નવેમ્બર 1924, પીજ, નડિયાદ; . 10 નવેમ્બર 1989, અમદાવાદ) : ગુજરાતી કેળવણીકાર તથા લેખક. પિતા જેઠાભાઈ દલાભાઈ પટેલ. માતા રૂપબા. લેઉવા પાટીદાર જ્ઞાતિમાં જન્મ. એમ.એ. બી.ટી. પદવીઓ પ્રાપ્ત કરી અમેરિકા ગયા. ત્યાં ન્યૂયૉર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં શૈક્ષણિક સંચાલનનું વિશેષ પ્રશિક્ષણ લીધું. 1937માં આણંદની દા. ન. હાઈસ્કૂલમાં માધ્યમિક શિક્ષક તરીકે જોડાયા. 1942માં ‘ભારત છોડો’ આંદોલનથી અસ્પૃષ્ટ ના રહી શક્યા. પરિણામે સાબરમતીમાં બાર મહિનાનો કારાવાસ ભોગવ્યો. મુક્તિ પછી પુન: શૈક્ષણિક કાર્યમાં લાગ્યા. 1963થી 70 સુધી વલ્લભવિદ્યાનગરમાં સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ રહ્યા. આ સમયે યુનિવર્સિટીના ગ્રામીણ ક્ષેત્રના શિક્ષણવિકાસના કાર્યક્રમ પર તેમણે ભાર મૂક્યો અને તે દિશામાં કાર્ય કર્યું. બીજું નોંધપાત્ર કાર્ય 1967માં સરદાર પટેલ યુનિવર્સિટીના આશ્રયે ‘જ્ઞાનગંગોત્રી’ નામની 30 ગ્રંથોની જ્ઞાનકોશ શ્રેણીના આયોજનનું કર્યું. તેમાં તેમણે ભાઈલાલભાઈ પટેલ, ઉમાશંકર જોશી, કાકા કાલેલકર, રવિશંકર રાવળ, હરિહર પ્રાણશંકર ભટ્ટ, પંડિત સુખલાલજી, કનૈયાલાલ મુનશી, ગગનવિહારી મહેતા, હંસાબહેન મહેતા, વિક્રમ સારાભાઈ, ચં. ચી. મહેતા, હરિનારાયણ આચાર્ય, સી. એન. વકીલ જેવી સમર્થ પ્રતિભાઓનો સહયોગ મેળવ્યો. ઑક્ટોબર, 1967માં ‘બ્રહ્માંડદર્શન’ નામથી પહેલો ગ્રંથ બહાર પડ્યો.

1970માં ઈશ્વરભાઈએ યુનિવર્સિટી છોડી, પણ જ્ઞાનગંગોત્રીનું કામ ચાલુ રહ્યું. એપ્રિલ, 1996માં ‘લલિતકલાદર્શન’ નામના 30મા ગ્રંથ સાથે જ્ઞાનકોશ સમાપ્ત થયો. 1973માં ઈશ્વરભાઈને ગુજરાત યુનિવર્સિટીમાં કુલપતિપદે આવવાનું થયું. ગ્રંથનિર્માણ બોર્ડમાં હતા ત્યારે તેમણે કક્કાવારી ક્રમે અધિકરણ ધરાવતા સર્વસામાન્ય ગુજરાતી જ્ઞાનકોશનું આયોજન આરંભેલું. તે યોજના તેઓ યુનિવર્સિટીમાં લેતા આવ્યા. ગૂજરાત વિદ્યાપીઠના નિવૃત્ત ગ્રંથપાલ ચુનીલાલ બારોટને મુખ્ય સંપાદક નીમવામાં આવ્યા. ઈશ્વરભાઈ સંયોજકપદે રહ્યા. દાન, યુનિવર્સિટીના વિદ્વાનો, કાર્યાલય, પુસ્તકાલય, મુદ્રણાલય આદિ સર્વ પ્રકારની સગવડો છતાં આ કાર્ય 1976માં પરિચયગ્રંથના પ્રકાશનથી આગળ વધી શક્યું નહિ. ચુનીલાલ અમેરિકા ગયા. ઈશ્વરભાઈ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ તરીકે ગયા. ત્યાંથી નિવૃત્તિ બાદ મહર્ષિ વેદ વિજ્ઞાન અકાદમીના અધ્યક્ષ થયા. વિશ્વકોશ માટે મળેલી દાનની રકમ સંબદ્ધ દાતાને વ્યાજ સાથે પાછી યુનિવર્સિટી દ્વારા અપાઈ. જોકે બીજા વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીના વિષયવાર દસ ખંડના જ્ઞાનકોશનું કાર્ય, જે આ જ સમયે (જાન્યુઆરી, 1977) આરંભાયેલું તે તેમની ઉપસ્થિતિમાં જ (ઑક્ટોબર, 1984) સંપન્ન થઈ શકેલું. ઈશ્વરભાઈએ આ ઉપરાંત શિશુભારતી, બાલભારતી તથા કિશોરભારતી નામે જ્ઞાનસાહિત્યની શ્રેણીઓનું આયોજન પણ કર્યું હતું. વચ્ચે તેમણે બાલમાસિક ‘બાલમિત્ર’ તથા વિજ્ઞાનમાસિક ‘વિજ્ઞાનદર્શન’નું સંપાદન સંભાળ્યું હતું. આમ તેમણે ચરોતરની તથા રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની શિક્ષણ તથા સમાજસેવાની સંસ્થાઓમાં સેવા આપી હતી.

તેમનાં પુસ્તકો : જીવનચરિત્રો : ‘બહુરત્નાવસુંધરા’ (1956), ‘પ્રેરણામૂર્તિઓ’ (1959), ‘ત્યાગવીર દરબાર સાહેબ’ (1959), ‘સ્નેહ અને શહૂર’ (1964), ‘લાલા લજપતરાય’ (1965), ‘આઝાદીનો નાદ’ (1966), ‘હિંમતે મર્દા મદદે ખુદા’ (1969), ‘ખંડિત કલેવરમાં અખંડિત મન’ (1969), ‘ગુજરાતના સુપુત્રો’ ભાગ-2 (અન્ય સાથે 1969). પ્રસંગકથાઓ : ‘સર્જનહારની લીલા’ (1963), ‘હૈયું અને હામ’ (1964). કિશોરકથાઓ : ‘શીગી-શીગી’ (1957), ‘સાગરવીર’ (1957). નિબંધસંગ્રહો : ‘અખબારી સ્વાતંત્ર્ય કાજે’, ‘ભૂલ્યાંને પંથ બતાવજો’ એમના નિબંધસંગ્રહ છે. ભાષાંતરો : ‘અમેરિકામાં શિક્ષણ’ (1970), ‘આપણા સ્વપ્નનું ભારત’ (1972), ‘કેળવણી અને શિક્ષક તાસીર’, જેવાં કેટલાંક પુસ્તકોને રાજ્ય પારિતોષિકો મળેલાં છે. ભૂતકાળમાં ક્ષય અને સારણગાંઠની પીડાનો ભોગ બન્યા છતાં તથા અવારનવાર લોહીના ઊંચા દબાણથી થતા વિક્ષેપ છતાં તેમણે પ્રવૃત્તિ મંદ પડવા દીધી નહોતી. આંતરડાંના કૅન્સરથી તેમનું અવસાન થયું.

બંસીધર શુક્લ