પટેલ, ઈશ્વરભાઈ જીવરામભાઈ (જ. 30 સપ્ટેમ્બર 1934, ઊંઝા; અ. 26 ડિસેમ્બર 2010, અમદાવાદ) : સમાજસેવાક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ગાંધીવાદી રચનાત્મક કાર્યકર. માતાનું નામ મેનાબહેન. ખેડૂત પરિવારમાં જન્મ. શરૂઆતનું શિક્ષણ ઊંઝા ખાતે. ત્યાંની માધ્યમિક શાળાના વિદ્યાર્થી તરીકે મૅટ્રિકની પરીક્ષામાં પ્રથમ વર્ગ મેળવ્યો. ત્યારબાદ સમાજશાસ્ત્ર મુખ્ય વિષય સાથે એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે ગુજરાત યુનિવર્સિટીની વિનયનની સ્નાતક પદવી પ્રાપ્ત કરી અને કાયદાશાસ્ત્રના અભ્યાસક્રમમાં જોડાયા, પરંતુ પ્રથમ વર્ષ બાદ તેમાં રુચિ ન રહેતાં અભ્યાસ સમેટી લીધો. તે પૂર્વે અગિયાર વર્ષની ઉંમરે 1945માં સેવાદળમાં દાખલ થયા હતા અને આઝાદીની લડતના રંગે રંગાયેલા ત્યારથી સમાજસેવા પ્રત્યે અભિમુખતા વધતી ગઈ. ઊંઝાની સર્વોદય પ્રાથમિક શાળાના બે શિક્ષકો ગોપાળભાઈ પટેલ અને ડૉ. વાસુદેવભાઈ રાવળે તે માટે તેમને પ્રેરણા પૂરી પાડી. સાબરમતી આશ્રમ ખાતે ગુજરાત હરિજન સેવક સંઘને ઉપક્રમે ચાલતા સફાઈ વિદ્યાલયમાં 1963થી તેઓ આચાર્યપદે રહ્યા હતા. 1972-94 દરમિયાન તેમણે ગુજરાત હરિજનસેવક સંઘના મંત્રી તરીકે અને 1994થી તેના પ્રમુખ તરીકે કાર્ય કર્યું હતું. ઉપરાંત અમદાવાદ ખાતેના પણ અમેરિકામાં સ્થપાયેલા માનવ સાધના ટ્રસ્ટના પ્રમુખપદે, 1995થી સર્વિસ ઍસોસિયેશન ફૉર ધ બ્લાઇન્ડના પ્રમુખપદે 1985થી, તથા પર્યાવરણીય સ્વચ્છતા સંસ્થાનના નિયામક તરીકે 1985 સુધી તેમણે કાર્ય કર્યું હતું.
રચનાત્મક કાર્યકર તરીકે તેમણે વિવિધ ક્ષેત્રોમાં સેવાઓ આપી છે અને તેમાં ગુજરાત હરિજનસેવક સંઘના નેજા હેઠળના અસ્પૃશ્યતાનિવારણ કાર્યક્રમો, અસ્પૃશ્યતાનિવારણ અંતર્ગત શૈક્ષણિક ઉન્નતિ કાર્યક્રમો, 1985-95ના દાયકા દરમિયાન સામાજિક સમરસતાના કાર્યક્રમો, હરિજન અને પછાત જાતિઓની આર્થિક ઉન્નતિ માટેના કાર્યક્રમો, સાબરમતી આશ્રમ ખાતેના સફાઈ વિદ્યાલયના નેજા હેઠળના ભંગીકષ્ટમુક્તિ અને ભંગીમુક્તિ કાર્યક્રમો, ભિન્ન ભિન્ન વ્યવસાયલક્ષી પ્રશિક્ષણ કાર્યક્રમો, 1963-98 દરમિયાન ગ્રામીણ-શહેરી સ્વચ્છતા અને સસ્તી પર્યાવરણીય સ્વચ્છતા સુવિધા કાર્યક્રમો અને પરિયોજનાઓ વગેરેનો સમાવેશ થાય છે. તેમણે ભુતાન, પાકિસ્તાન, શ્રીલંકા, ટાન્ઝાનિયા તથા નેપાળ જેવા દેશોમાં પ્રશિક્ષણ યોજનાઓનું સંચાલન કર્યું હતું. તેવી જ રીતે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ચીન, નેપાળ, ઇજિપ્ત, કેન્યા, ઈથિયોપિયા, જાપાન, મ્યાનમાર (બ્રહ્મદેશ), જર્મની વગેરે દેશોમાંથી આવેલા તાલીમાર્થીઓ માટે ભારતમાં સંસ્થાગત પ્રશિક્ષણ-કેન્દ્રોનું આયોજન કર્યું હતું. તેમણે પચીસ ઉપરાંત દેશોની મુલાકાત લીધી હતી; જેમાં ઇંગ્લૅન્ડ, અમેરિકા, ઑસ્ટ્રેલિયા, ચીન, યુરોપના કેટલાક દેશો, જાપાન, દક્ષિણ આફ્રિકા જેવા દેશોનો સમાવેશ થાય છે.
ભૂતકાળમાં તેઓ ઘણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના માનાર્હ સલાહકાર રહ્યા હતા, જેમાં ગ્રામીણ સ્વચ્છતા કાર્યક્રમ, મુંબઈ રાજ્ય (1956-60), ભંગીકષ્ટમુક્તિ અને ગ્રામ સ્વચ્છતા કાર્યક્રમ, ગુજરાત રાજ્ય (1970-82), વિશ્વબક દ્વારા ગુજરાત રાજ્ય સસ્તી પર્યાવરણીય સ્વચ્છતા યોજના (1985-92), ગ્રામીણ વિકાસ મંત્રાલય, ભારત સરકાર (1992-93); વિશ્વસ્વાસ્થ્ય સંસ્થા (WHO) અને ‘યુનિસેફ’ (UNICEF) હેઠળના માનવ વિકાસ સંસાધન કાર્યક્રમોનો સમાવેશ થયો હતો.
સ્વચ્છતાના વિષયને લગતાં પુસ્તકો, નિબંધો, ફિલ્મનિર્માણ ઇત્યાદિમાં પણ તેમનો ફાળો મહત્ત્વનો રહ્યો છે. તેમણે ગુજરાત હરિજન સેવક સંઘના નેજા હેઠળના ‘પ્રાયશ્ચિત્ત’ સામયિકના તંત્રીપદે પણ કાર્ય કર્યું હતું.
તેમને ઘણા ઍવૉર્ડો તથા પુરસ્કાર પ્રાપ્ત થયા છે, જેમાં 1978માં ‘ફિલિપ્સ ઍવૉર્ડ’, 1985માં ‘કે. પી. ગોયેન્કા ઍવૉર્ડ’, 1988માં ‘જમનાલાલ બજાજ ઍવૉર્ડ’ અને ફિલિપીન્સ સરકાર દ્વારા ‘મેગેસેસે ઍવૉર્ડ’, 1990માં ભારત સરકાર તરફથી ‘પદ્મશ્રી’ ઍવૉર્ડ, 1991માં ‘આનર્ત ઍવૉર્ડ’, 1992માં ‘નૅશનલ પ્રેસ ઑવ્ ઇન્ડિયા ઍવૉર્ડ’, 1993માં શ્રેષ્ઠ દલિત ચિત્ર ઍવૉર્ડ, 1995માં ‘એક્સલન્સ ઇન લોકલ ગવર્નમેન્ટ ઍવૉર્ડ’ અને પ્રેસ્ટિજિયસ નૅશનલ ઍવૉર્ડ ફૉર લોકશિક્ષક તથા 1999માં અપાયેલ પૂજ્ય અપ્પાસાહેબ પટવર્ધન સ્મૃતિ પુરસ્કારનો સમાવેશ થાય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે