પંપ : વાયુ અથવા પ્રવાહી જેવા તરલોની હેરફેર અથવા તેમને સંકોચવા માટેની પ્રયુક્તિ (device). પિયત અને પાકસંરક્ષણ એ ખેતઉત્પાદનનાં અનિવાર્ય અંગો હોઈ પિયત માટે પાણી ખેંચવા કે પાકસંરક્ષણ અર્થેનાં રસાયણોનો છંટકાવ કરવા માટે પંપ એ પાયાની જરૂરિયાત છે.

પાકસંરક્ષણ અર્થે મુખ્યત્વે માનવશક્તિ અને યંત્રશક્તિ પર આધારિત બે પ્રકારના પંપોનો ઉપયોગ થાય છે. યંત્રશક્તિ-આધારિત પંપોમાં વહન થઈ શકે તેવા ફુવારક (sprayer), પ્રધૂલક (duster) અને મિસ્ટ / માઇક્રોન છે તો મોટરથી ચાલતા નૅપસૅક ફુવારક-સહિત-પ્રધૂલક (knapsack sprayer-cum-duster) તથા ધૂમ્ર-ધુમ્મસ-ઉત્પાદક (smoke-fog-generator) છે. જ્યારે માનવશક્તિ આધારિત  પંપોમાં હાથથી ચાલતા ફુવારક અને પ્રધૂલક તથા પગથી ચાલતા ફુવારક, ધૂમન પંપ (fumigation-pump), ઇંજેક્ટિંગ ગન, ચાડિયો(bird-scarer) વગેરેનો સમાવેશ થાય છે. આમ ખેતીમાં પાકસંરક્ષણ તેમજ નીંદણ-નિયંત્રણ અર્થે વપરાતાં રસાયણોનો સપ્રમાણ અને એકસરખો અસરકારક છંટકાવ કરવા માટે વિવિધ પ્રકારના પંપોનો ઉપયોગ થાય છે.

પિયત પાક-ઉત્પાદનની મૂળભૂત જરૂરિયાત હોવાથી, ઓછા સમયમાં પાકની જરૂરિયાત મુજબ અસરકારક પિયત કરવા માટે બે પ્રકારના પંપોનો ઉપયોગ થાય છે; જેમાં એક પ્રકાર છે ધનાત્મક વિસ્થાપન પંપ(positive displacement pump)નો, જે કોઈ પણ ચઢાણે એકસરખો પ્રવાહ આપે છે અને બીજો પ્રકાર છે પરિવર્તી  વિસ્થાપન પંપ(variable displacement pump)નો જેમાં ચઢાણ મુજબ પ્રવાહમાં વધઘટ થાય છે.

કૂવામાંથી પાણી ખેંચવા માટે વપરાતા ઉત્થાપક (lift) પંપનું કાર્ય આકૃતિમાં દર્શાવ્યું છે.

પિયત માટે પંપની પસંદગીનો આધાર પાણીનો જથ્થો, ઊંડાઈ, પિયત-વિસ્તાર, પાણીની જરૂરિયાતનું પ્રમાણ અને ચઢાણ (ઊંચાઈ) પર અવલંબે છે. પિયત માટે મુખ્યત્વે વલયિત પ્રકારના અપકેન્દ્રી પંપ વપરાય છે; પરંતુ આ પંપોની પાણી ખેંચવાની મર્યાદા 6.5 મી.ની છે.

તેથી 6.5 મી.થી વધુ ઊંડાઈએથી પાણી ખેંચવા માટે ટર્બાઇન પંપનો ઉપયોગ થાય છે. ટર્બાઇન પંપમાં પંખા (impeller) પાણીમાં ડૂબેલા રહેતા હોઈ, સક્શન મર્યાદા અસર કરતી નથી. જ્યાં ટર્બાઇન પંપ ગોઠવવાની મુશ્કેલી હોય ત્યાં સબમર્સિબલ પંપની પસંદગી કરવામાં આવે છે. આ વર્ટિકલ ટર્બાઇન પંપ સાથે તેનાથી ઓછા વ્યાસની સબમર્સિબલ ઇલેક્ટ્રિક મોટર સીધી જ જોડેલી હોય છે અને આખું યુનિટ પાણીમાં રહી ચાલે છે. ઓછા ચઢાણે પાણીનો પ્રવાહ મેળવવા માટે પ્રેરક (propeller) પંપ વધુ અનુકૂળ છે. કૂવામાંથી પાણી ખેંચવા માટે વપરાતા ઉત્થાપક (lift) પંપનું કાર્ય આકૃતિમાં દર્શાવ્યું છે.

પિયત અર્થે વપરાતા વિવિધ પ્રકાર અને ક્ષમતાવાળા પંપો તેલયંત્રો કે વિદ્યુત-મોટરથી ચલાવવામાં આવે છે. પંપની લાક્ષણિકતા દર્શાવતા આલેખ(curve)ના આધારે જરૂરી પ્રવાહદર અને ચઢાણ માટે 60%થી વધારે કાર્યક્ષમતા ધરાવતા પંપો પસંદ કરવા જોઈએ. પંપનું માપ તેના પ્રવાહ તથા કુલ ચઢાણના સંદર્ભમાં મપાય છે; દા. ત., 10 લિટર પ્રતિ સેકન્ડે પ્રવાહ અને 25 મી. કુલ ચઢાણ.

સામાન્યત: જરૂરિયાત કરતાં સહેજ વધારે અશ્વબળનું એન્જિન કે વિદ્યુત-મોટર ખરીદવી જોઈએ. વધુ અશ્વબળવાળાં ચાલકયંત્રો ખરીદવાથી મૂડીરોકાણ અને ચલાવવાનો ખર્ચ વધે છે; પરંતુ તેની સામે ઓછા અશ્વબળવાળાં ચાલકયંત્રોમાં વારંવાર ઊભી થતી મુશ્કેલીઓમાંથી છુટકારો મળે છે. આમ લાંબા ગાળે ફાયદો થાય છે. આ સિવાય ખરીદી બાદ પંપની યોગ્ય ગોઠવણ પણ યંત્રોની પસંદગી જેટલું જ મહત્વ ધરાવે છે. યોગ્ય ગોઠવણ પંપની કાર્યક્ષમતા અને પંપના તંદુરસ્ત આયુષ્ય માટે મહત્વનો ભાગ ભજવે છે. ગોઠવણમાં સુયોગ્ય સ્થળ, બેઠક, સમતલતા, જોડાણ એ અગત્યના મુદ્દા છે. તેવી રીતે પંપની કાર્યક્ષમતા ટકાવી રાખવા અને ઇંધણનો કાર્યક્ષમ ઉપયોગ મેળવવા માટે પંપની દેખભાળ કરવામાં આવે છે. વપરાશના કારણે ઘસાઈ ગયેલ વાયુરોધી વલય (gasket), સાંધાઓ, દોરી, બુશિંગ, બેરિંગ વગેરે બદલી નાખવાં જોઈએ. તેમજ પંપ અને ચાલક યંત્રના નટબોલ્ટની નિયમિત રીતે ચકાસણી કરવી જોઈએ અને જરૂર જણાય તો તે બદલી નાખવા જોઈએ. તેવી જ રીતે દર છ માસે પંપની ગોઠવણીની ચકાસણી કરીને ઊંજણતેલ તથા ગ્રીઝ પણ બદલવાં જોઈએ – નવાં પૂરવાં જોઈએ.

આમ, ખેત-ઉત્પાદનમાં વપરાતા પંપોની યોગ્ય સંભાળ અને નિભાવ કરવાથી ઉત્પાદનખર્ચમાં ઘટાડો થાય છે અને રાષ્ટ્રીય સંપત્તિનો મહત્તમ અને સક્ષમ ઉપયોગ થાય છે.

પંપના પ્રકાર

મધુસૂદન મા. પરીખ