પંડ્યા, હાર્દિક (જ. 11 ઑક્ટોબર 1993, સૂરત): જમણા હાથથી બૅટિંગ અને બૉલિંગ કરતા ઓલરાઉન્ડર.
પિતાનું નામ હિમાંશુ પંડ્યા. માતાનું નામ નલિની પંડ્યા.
સૂરતમાં જન્મેલા અને વડોદરા તરફથી રમતા હાર્દિક પંડ્યાના પિતા સૂરતમાં કાર ફાઇનાન્સનો ધંધો કરતા પરંતુ પોતાના બાળકોને ક્રિકેટની સારી તાલીમ મળે તે માટે તેમણે સૂરતનો પોતાનો વ્યવસાય બંધ કરી વડોદરા ભાડાના મકાનમાં રહેવા લાગ્યા. આ સમયે હાર્દિકની ઉંમર પાંચ વર્ષ હતી. વડોદરાની એમ. કે. હાઈસ્કૂલમાંથી ધોરણ 9 સુધી ભણેલ હાર્દિક પંડ્યાએ ક્રિકેટમાં વધુ ધ્યાન આપી શકાય તે માટે ભણવાનું છોડી દીધું અને વડોદરામાં ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર કિરણ મોરેની ક્રિકેટ એકૅડેમીમાં પ્રવેશ મેળવ્યો. શરૂઆતમાં લૅગસ્પીન ગોલંદાજી કરતા હાર્દિકે તેના કોચ સનતકુમારના કહેવાથી ઝડપી બૉલિંગ કરવાનું શરૂ કર્યું.
હાર્દિક પંડ્યા 2013થી વડોદરાની ટીમ તરફથી રમે છે. જાન્યુઆરી 2016માં સૈયદ મુસ્તાકઅલી ટ્રૉફીમાં વિદર્ભની ટીમ સામે હાર્દિકે પોતાની 86 રનની ઇનિંગમાં 8 છગ્ગા મારી વડોદરાની ટીમને છ વિકેટે વિજય અપાવ્યો હતો.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટની શરૂઆત હાર્દિક પંડ્યાએ ટી-20થી કરી હતી. 27 જાન્યુઆરી, 2016ના રોજ ઑસ્ટ્રેલિયા સામેની પોતાની પ્રથમ મૅચ રમતા પંડ્યાએ બે વિકેટ લીધી હતી. ત્યારબાદ રાંચીમાં શ્રીલંકા સામેની મૅચમાં તેણે માત્ર 14 દડામાં 27 રન કરેલ ત્યાર પછી 2016ના જ ટી-20 એશિયા કપમાં પણ તેણે બાંગ્લાદેશ સામે 18 દડામાં 31 રન કરી ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. જુલાઈ, 2018માં હાર્દિકે ઇંગ્લૅન્ડ સામે ત્રીજી ટી-20 ફાઇનલમાં બૉલિંગમાં પોતાની કારકિર્દીનો શ્રેષ્ઠ દેખાવ 38 રનમાં 4 વિકેટ લઈ કર્યો એટલું જ નહીં આ જ મૅચમાં તેણે માત્ર 14 દડામાં અણનમ 33 રન કર્યા. ભારત તરફથી ટી-20ની આંતરરાષ્ટ્રીય મૅચમાં એક જ દાવમાં 30થી વધુ રન અને 4 વિકેટ લેનાર તે ભારતનો પ્રથમ ખેલાડી બન્યો.
વન ડે ક્રિકેટમાં પણ 2016માં ન્યુઝીલૅન્ડની ટીમ સામે પોતાની પ્રથમ વનડે રમતા ભારત તરફથી 31 રનમાં 3 વિકેટ લીધી અને ન્યુઝીલૅન્ડને 190 રનમાં ઑલ આઉટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. ભારત 6 વિકેટે વિજેતા બન્યું. હાર્દિકના પ્રથમ મૅચના તેના આ દેખાવે તેને મૅન ઑફ ધ મૅચનો ખિતાબ અપાવ્યો. પોતાની પ્રથમ વન ડેમાં મૅન ઑફ ધ મૅચ બનનાર હાર્દિક ભારતનો માત્ર ચોથો ખેલાડી બન્યો. અગાઉ આવી સિદ્ધિ સંદીપ પાટિલ, લોકેશ રાહુલ અને મોહિત શર્માએ જ મેળવી હતી. પ્રથમ મૅચમાં દાવ ન આવ્યો હોવાથી પોતાની બીજી અને બૅટિંગ કરતાં પ્રથમ મૅચમાં પંડ્યાએ 32 દડામાં 36 રન કરી પોતાની ઑલરાઉન્ડર ક્ષમતાનો પરિચય આપ્યો. ત્યારબાદ 2017માં ઇંગ્લૅન્ડમાં રમાયેલ ચૅમ્પિયન્સ ટ્રૉફીની ફાઇનલમાં ભારતની પાંચ વિકેટ માત્ર 54 રનમાં પડ્યા પછી દાવમાં આવેલ હાર્દિકે માત્ર 43 દડામાં 76 રન કર્યા. જોકે પાકિસ્તાનના 338 રનના સ્કોર સાથે ભારત માત્ર 158 રન કરી શક્યું અને આ ચૅમ્પિયન્સ ટ્રૉફીની ફાઇનલ પાકિસ્તાન 180 રનથી જીતી ગયું.
હાર્દિક પંડ્યાનો વનડેમાં બૅટિંગમા શ્રેષ્ઠ દેખાવ 2જી ડિસેમ્બર, 2020ના રોજ ઑસ્ટ્રેલિયા સામે કેનબરામાં માત્ર 76 દડામાં અણનમ 92 રન કરી મેળવ્યો છે. જેમાં તેણે સાત ચોગ્ગા અને એક છગ્ગો લગાવેલ.
2019માં ઇંગ્લૅન્ડમાં રમાયેલ વિશ્વકપ સ્પર્ધામાં સુકાની વિરાટ કોહલીએ ઑસ્ટ્રેલિયા સામેની 9મી જૂનના રોજ રમાયેલ મૅચમાં હાર્દિકને ચોથા ક્રમે બૅટિંગ કરવાની તક આપી. સામાન્ય રીતે છઠ્ઠા કે સાતમા ક્રમે રમતા હાર્દિકે અહીં માત્ર 27 દડામાં 48 રન કરી ભારતના સ્કોરને 352 રન સુધી પહોંચાડવામાં મદદ કરી. જવાબમાં ઑસ્ટ્રેલિયા 316 રનમાં આઉટ થતાં ભારત 36 રનથી વિજય બન્યું. ત્યારબાદ 27 જૂનના રોજ વેસ્ટ ઇન્ડીઝ સામે પોતાની 50મી વનડેમાં રમતાં 38 દડામાં 46 રન કર્યા.
વન ડે અને ટી-20 પછી ટેસ્ટ ટીમમાં પણ 2016માં જ ઇંગ્લૅન્ડ સામેની શ્રેણી માટે હાર્દિક પંડ્યાને પસંદ કરવામાં આવ્યો પરંતુ કમનસીબે ટેસ્ટની શરૂઆત પહેલા જ ઈજાગ્રસ્ત થતા એક પણ ટેસ્ટ તે રમી શક્યો નહીં. ઈજામાંથી મુક્ત થયા પછી જુલાઈ 2017માં શ્રીલંકાના પ્રવાસે જનાર ભારતીય ટીમમાં હાર્દિકને લઈ જવામાં આવ્યો. 26 જુલાઈ, 2017ના રોજ ગાલેના મેદાન ઉપર રમાયેલ શ્રેણી પ્રથમ મૅચમાં જ આઠમા ક્રમે રમવા આવી ત્રણ છગ્ગાની મદદથી 50 રન પૂરા કર્યા. પોતાના પ્રથમ ટેસ્ટદાવમાં ત્રણ છગ્ગા લગાવનાર તે પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યો. સાથે સાથે શ્રીલંકાના ખેલાડી નુવાન પ્રદીપને બૉલ્ડ કરી પોતાની પ્રથમ ટેસ્ટમાં હાર્દિકે વિકેટ પણ લીધી. અવિશ્વસનીય બૅટિંગ કરી મૅચના બીજા દિવસે તેણે લંચ પહેલા જ પોતાની ત્રીજી ટેસ્ટમાં પ્રથમ સદી કરી. તેની આ તોફાની બૅટિંગ દરમિયાન 12 ઑગસ્ટ, 2017માં પલકેલે મેદાન ઉપર રમાયેલ શ્રેણીની અંતિમ ટેસ્ટમાં તેણે 8 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી માત્ર 96 દડામાં 108 રન કર્યા. તેના આ દાવ દરમિયાન 50થી 100 રન તેણે માત્ર 25 દડામાં જ પૂરા કર્યા. તેના સાતમાંથી છ છગ્ગા આ સમય દરમિયાન જ આવ્યા હતા. હાર્દિકની આ સદી તેની કારકિર્દીની પ્રથમ સદી હતી. પોતાની કારકિર્દીની પ્રથમ સદી ટેસ્ટ મૅચમાં કરનાર તે ભારતનો પાંચમો ખેલાડી બન્યો . આઠમા કે તેથી નીચેના ક્રમે બૅટિંગ કરનાર ખેલાડીમાં તેના સાત છગ્ગા ભારતીય ખેલાડી દ્વારા લગાવાયેલ સૌથી વધુ છગ્ગાનો સંયુક્ત વિક્રમ છે. એટલું જ નહીં એક દાવમાં સાત છગ્ગા ભારત તરફથી નવજોત સિદ્ધુના આઠ છગ્ગા પછી બીજા ક્રમે છે. જોકે વિરેન્દ્ર સેહવાગ અને હરભજન સિંહ પણ દાવમાં સાત છગ્ગા લગાવી ચૂક્યા હતા.
શ્રીલંકાના સફળ પ્રવાસ પછી જાન્યુઆરી, 2018માં દક્ષિણ આફ્રિકા જનાર ભારતીય ટીમમાં તેનું સ્થાન નિશ્ચિત હતું. અહીં પણ તેને શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં જ 95 દડામાં 93 રન બનાવ્યા. ભારત માત્ર 209 રનમાં જ આઉટ થઈ ગયેલ. આ દાવમાં હાર્દિકના 93 રન પછી બીજા નંબરનો સ્કોર ચેતેશ્વર પૂજારાનો 26 રન હતો. હાર્દિકે પોતાના પ્રથમ પાંચ દાવમાં જ એક સદી અને બે અડધી સદી નોંધાવી હતી.
અત્યાર સુધી માત્ર બૅટથી જ આકર્ષક રમત બતાવતા હાર્દિકે ઑગસ્ટ, 2018ની ટેન્ટબ્રિજમાં રમાયેલી શ્રેણીની ત્રીજી ટેસ્ટમાં બૅટ અને બૉલ બંનેમાં પોતાની પ્રતિભા બતાવી. છઠ્ઠા ક્રમે બૅટિંગ કરતા હાર્દિક પંડ્યાએ પ્રથમ દાવમાં 18 અને બીજા દાવમાં અણનમ 52 રન કર્યા તો બૉલિંગમાં માત્ર 29 દડામાં ઇંગ્લૅન્ડના પાંચ ખેલાડીને પેવેલિયનમાં મોકલ્યા પરિણામે ઇંગ્લૅન્ડ પ્રથમ દાવમાં માત્ર 161 રનમાં જ આઉટ થઈ ગયું. અંતે આ ટેસ્ટ ભારતે 203 રનથી જીતી લીધી. એક જ મૅચમાં અડધી સદી સાથે પાંચ વિકેટ લેનાર પંડ્યા ભારતનો છઠ્ઠો ખેલાડી બન્યો.
2015થી મુંબઈ ઇન્ડિયન તરફથી આઈ.પી.એલ. રમતા હાર્દિકને 2022ની આઈ.પી.એલ.માં નવી દાખલ થયેલ ગુજરાત ટાઇટન્સ ટીમમાં સુકાની બનાવાયો છે. માત્ર 29 વર્ષના હાર્દિક માટે હજુ ઘણી સિદ્ધિઓ મેળવવાની બાકી છે.
જગદીશ શાહ