પંડ્યા, વિનાયક (જ. 15 માર્ચ 1913, ભાવનગર; અ. 24 સપ્ટેમ્બર 1996, વડોદરા) : ગુજરાતી ચિત્રકાર. તેમનો જન્મ સંસ્કારી, સુશિક્ષિત કુટુંબમાં થયો હતો. ઘરમાં કલાનું વાતાવરણ હતું.
પંડ્યાને પોતાની શાળામાં જ કલાગુરુ સોમાલાલ શાહની તાલીમ મળી. તેમણે એટલો ઝડપી વિકાસ સાધ્યો કે મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટ તેમને સીધા ત્રીજા વર્ષમાં બેસાડવા તૈયાર હતી. આ કલાશાળામાંથી તેમણે ઇલસ્ટ્રેશન ઍન્ડ ગ્રાફિક આર્ટમાં અને લંડન સ્કૂલ ઑવ્ પ્રિન્ટિંગમાંથી ગ્રાફિક રિપ્રોડક્શનમાં ડિપ્લોમા મેળવ્યા. આ ઉપરાંત તેમણે લંડન યુનિવર્સિટીના થિયરી ઑવ્ આર્ટના અભ્યાસક્રમમાં ‘માઇન્ડ્ઝ ઍન્ડ મેથડ્ઝ ઑવ્ ગ્રેટ માસ્ટર્સ’ની વ્યાખ્યાનમાળાનો લાભ મેળવ્યો. અમેરિકન પ્રોફેસર કોહેનના `થિયરી ઑવ્ એસ્થેટિક્સના વર્ગો ભર્યા અને બ્રિટિશ મ્યુઝિયમ અને વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમનાં મહત્વનાં ચિત્રકલાવિષયક વ્યાખ્યાનોનું બહોળું વાચન કર્યું.
વિનાયકભાઈ 1930ના સત્યાગ્રહમાં જોડાયા તથા ગામડાંની ગરીબી જોઈ. એની અસર છેક સુધી તેમની કલામાં જોવા મળે છે. એમનાં ચિત્રોમાં ગરીબી તથા શ્રમનું ગૌરવ જોવા મળે છે. ભારતની પ્રણાલીગત કળા, કુદરત અને મનુષ્યના જીવનના સુખની નયનરમ્ય રજૂઆતો પણ તેમની કૃતિઓમાં હોય છે. તેમણે તે સમયે અરૂઢ લાગતા વિષયોને ચિત્રવિષય બનાવ્યા. વિનાયકભાઈની એક નોંધપાત્ર લાક્ષણિકતા એ છે કે ચિત્રે ચિત્રે તેમની શૈલી બદલાય છે. પોતાની અનોખી શૈલી વિકસાવવી એ તેમનું ધ્યેય કદી રહ્યું નથી.
1932 પછી ચાલુ રહેલાં હિંદુ-મુસ્લિમ હુલ્લડો વખતે તેની વિરુદ્ધ અને શાંતિ માટે વિનાયકભાઈએ પીંછી ઉપાડી અને વિશ્વશાંતિ માટે ચિત્રો કર્યાં. ચિત્રો લોકભોગ્ય બને તે માટે જાહેર દીવાલો પર ચિત્રો કરવાનું નક્કી કર્યું. સામયિકો, પુસ્તકો માટે ચિત્રાંકન તથા બાળકો માટે પણ સચિત્ર પુસ્તકો તૈયાર કર્યાં. પેઇન્ટિંગના વધુ અભ્યાસ માટે પૅરિસ અને વિયેનામાં પ્રવેશ મળેલો હતો; તે જવા દઈને તેમણે લંડનની સેન્ટ્રલ સ્કૂલમાં ‘બુક ઇલસ્ટ્રેશન’નો અભ્યાસ કર્યો. વિનાયકભાઈએ ગ્રાફિક માધ્યમો દ્વારા કલાને બૅંક, પોસ્ટ-ઑફિસ, હૉલ, થિયેટર અને હૉસ્પિટલ જેવાં જાહેર સ્થળો સુધી પહોંચાડી. વિનાયકભાઈએ દુનિયાના વીસેક દેશોનો કલાપ્રવાસ ખેડ્યો હતો.
જીવનનાં છેલ્લાં ચાર વર્ષોમાં તેઓ દક્ષિણ ગુજરાતના ગ્રામવિસ્તારોમાં જઈ વસ્યા અને શિક્ષણસંસ્થાઓમાં કલાવર્ગો ચલાવ્યા ત્યાં પ્રદર્શનો અને વ્યાખ્યાનો કરવાની પ્રવૃત્તિ ઉપરાંત આદિવાસીઓ માટે ચિત્રો કર્યાં. ત્યારબાદ છેલ્લે, ભાવનગર યુનિવર્સિટીએ શરૂ કરેલ ચિત્રકલાના અભ્યાસક્રમમાં મહત્વનું યોગદાન આપ્યું. તેમનાં ચિત્રોનો સંગ્રહ તેમજ તેમની પાસે જે કાંઈ રકમ હતી તે સર્વસ્વ ભાવનગર યુનિવર્સિટીને અર્પણ કરીને ભાવનગરમાં સ્ક્રીન પ્રિન્ટિંગની સંસ્થા ‘ચિત્રા સ્ક્રીન-પ્રિન્ટિંગ’ શરૂ કરી.
અમિતાભ મડિયા