પંડ્યા, મહેન્દ્ર (જ. 4 ઑક્ટોબર 1926, રાજપીપળા, જિલ્લો ભરૂચ; અ. 31 ડિસેમ્બર 2018, વડોદરા) : ગુજરાતના શિલ્પ-કલાકાર. કરજણકાંઠે કુદરતના સાન્નિધ્યમાં ઉછેર. પિતા ધીરજરામ તલાટી. 1936માં 13 વરસની ઉંમરે સ્કૂલ છોડી તે પછી છેક 1950માં એસ.એસ.સી. પાસ થયા અને મ. સ. યુનિવર્સિટીની ફૅકલ્ટી ઑવ્ ફાઇન આર્ટ્સમાં શિલ્પવિભાગમાં જોડાયા. અહીં શંખો ચૌધરી અને પ્રદોષ દાસગુપ્તા જેવા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ 1955માં સ્નાતક અને 1958માં અનુસ્નાતક થયા. અભ્યાસ પછી તુરત જ આ માતૃસંસ્થામાં શિલ્પ-વિભાગના પ્રાધ્યાપક તરીકે તેમની નિમણૂક થઈ. કલાઅધ્યાપન સાથે તેમણે પોતાનું શિલ્પસર્જન પણ ચાલુ રાખ્યું. 1967માં બ્રિટિશ કાઉન્સિલની સ્કૉલરશિપ મેળવી તેઓ નવ સપ્તાહ માટે યુરોપના પ્રવાસે ગયા. વિખ્યાત શિલ્પકાર હેન્રી મૂરના અતિથિ થઈ એમને ત્યાં રહ્યા અને એમની સર્જનપ્રવૃત્તિનું બારીક નિરીક્ષણ કર્યું. 1986માં નિવૃત્ત થયા બાદ તેમના કલાસર્જનમાં નવો વેગ આવ્યો. ભારત સરકારની સિનિયર આર્ટિસ્ટ ફેલોશિપ તેમને મળી. આ પછી ભારત સરકારના માનવસંસાધન મંત્રાલય તરફથી તેમને 1989માં ‘આઉટસ્ટૅન્ડિંગ આર્ટિસ્ટ ફેલોશિપ’ મળી. 1959થી 1986 સુધીમાં તેમણે દેશવિદેશમાં અનેક વ્યક્તિગત પ્રદર્શનો યોજ્યાં.
1964-65માં મહેન્દ્ર પંડ્યાએ દિલ્હી ખાતેની પાર્લામેન્ટ હાઉસની બાહ્ય વર્તુળાકાર દીવાલ પર છેંતાળીસ નંબરનું મ્યુરલ (ભીંતચિત્ર) આલેખ્યું છે. તેમાં ભારતનું લોકજીવન તેમણે નિરૂપ્યું છે. ઉપરાંત ગાંધીનગર ખાતે સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરધામ મંદિરમાં પણ તેમણે 1992માં એક ભીંતચિત્ર આલેખ્યું છે.
વીસમી સદીની શરૂઆતથી જ ભારતમાં પશ્ચિમની પ્રશિષ્ટ શૈલીનાં રૂઢ શિલ્પોને સ્થાને આધુનિક શિલ્પોને સ્થાન મળ્યું. સ્વાતંત્ર્યોત્તર વર્ષોમાં મહેન્દ્ર પંડ્યાનો તેમાં નોંધપાત્ર ફાળો રહેલો છે. મહેન્દ્ર પંડ્યાનાં શિલ્પોમાં સરળતા અને પથ્થરની વચ્ચે અવકાશ વિલસતો જોવા મળે છે. વળી તેમણે કાચ, પતંગ, ખીલા, જૂનો કાટમાળ, ફાઇબર ગ્લાસ, પ્લાસ્ટિક જેવાં અરૂઢ માધ્યમોમાંથી પણ શિલ્પકૃતિઓ રચી છે અને એ દિશામાં વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહિત કર્યા છે. પંડ્યાનાં પથ્થર અને કાષ્ઠનાં શિલ્પોની એક આગવી લાક્ષણિકતા તે તેમાંનું સપાટીનું વૈવિધ્ય. એક જ પદાર્થની એકસરખી સપાટીને પંડ્યા પોતાના ટાંકણાના જુદા જુદા લસરકા વડે ઘણી અવનવી રૂપ-ભાત બક્ષે છે, અને એ રીતે શિલ્પની એકવિધતા ટાળે છે. આ ઉપરાંત પંડ્યાનું ઉપયોગલક્ષી (functional) શિલ્પક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. તેમણે એવી કૃતિઓ સર્જી છે કે જેમાં રોજબરોજની ઉપયોગિતાની વસ્તુમાં કળા પ્રવેશી હોય; દા.ત., ઘરમાં કે મકાનમાં પેસવાના મુખ્ય લાકડાના દરવાજાઓ પરની કોતરણી અને વડોદરા નગરમાં રસ્તાઓ પર આરસ, સિરૅમિક ટાઇલ્સ અને સિમેન્ટ વડે સર્જેલા ફુવારાઓ.
પંડ્યાની કૃતિઓ દિલ્હીની નૅશનલ ગૅલરી ઑવ્ મૉડર્ન આર્ટ, લલિત કલા અકાદમી તથા ગુજરાત રાજ્યની લલિત કલા અકાદમીના સંગ્રહોમાં સ્થાન પામી છે.
અમિતાભ મડિયા