પંડ્યા, ભાનુપ્રસાદ મૂળશંકર (જ. 24 એપ્રિલ 1932, તોરી, જિ. અમરેલી) : ગુજરાતી સાહિત્યકાર. મુખ્યત્વે કવિ અને વિવેચક. જ્ઞાતિએ ઔદીચ્ય સહસ્ર ઝાલાવાડી બ્રાહ્મણ. વતન અમરેલી જિલ્લાનું તરવડા ગામ. પિતા મૂળશંકર પંડ્યા અને માતા શિવકુંવરબહેન પંડ્યા. પિતા શાળાના શિક્ષક અને આચાર્ય હોવાથી બાળપણથી જ સાહિત્યના સંસ્કાર મળ્યા હતા. શાળાનું શિક્ષણ અમરેલી જિલ્લાના કાજ ગામમાં લીધું. માધ્યમિક શિક્ષણ અમરેલીમાં. 1954માં મૅટ્રિક. 1958માં ગુજરાતી-મનોવિજ્ઞાન વિષયો સાથે બી.એ.. 1960માં ગુજરાતી-સંસ્કૃત વિષયોમાં એમ.એ., સ્વ. અનંતરાય રાવળની પાસે ‘ઈ. સ. 1950થી 1970 સુધીની ગુજરાતી નવલકથા : સ્વરૂપ અને વિકાસની દૃષ્ટિએ’ એ વિષય પર પીએચ.ડી. કર્યું. 1961થી 1967 સુધી અમરેલીની પ્રતાપરાય આર્ટ્સ કૉલેજમાં, 1967થી 1969 સુધી ધંધુકાની આર્ટ્સ અને કૉમર્સ કૉલેજમાં, 1969થી 1978 સુધી રાજકોટની કુંડલિયા આર્ટ્સ અને કૉમર્સ કૉલેજમાં ગુજરાતી વિષયના રીડર અને 1982થી 1992માં સેવાનિવૃત્ત થયા ત્યાં સુધી ગુજરાતીના પ્રોફેસર તથા પીએચ.ડી. માર્ગદર્શક તરીકે સેવાઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આપેલી છે.
એમના પ્રથમ કાવ્યગ્રંથ ‘અડોઅડ’(1972)માં સૉનેટ અને ગીત-કવિતામાં તળપદ ગ્રામપરિવેશની પરંપરિત શૈલીની અભિવ્યક્તિ છે. ‘ઓતપ્રોત’(1987)માં ગીત, ગઝલ, મુક્તપદ્ય અને મુક્તલયનાં કાવ્યો ગ્રંથસ્થ થયાં છે. ‘શબ્દે કોર્યાં શિલ્પ’(1999)માં 101 સૉનેટકાવ્યો છે. ‘ક્ષણ સમીપે ક્ષણ દૂર દૂર’ (2003) ગીત-ગઝલ, સૉનેટ, છાંદસ-અછાંદસ કાવ્યોનો સંચય છે.
‘પ્રત્યુદગાર’ (1978), ‘ઇતરોદગાર’ (1981), ‘સૉનેટ : શિલ્પ અને સર્જન’ (1982), ‘અનુસ્પન્દ’ (1983), ‘અનુસંવિદ’ (1987), ‘અનુચર્વણા’ (1989), ‘સમાલોક’ (1991) તથા ‘અનુસંકેત’ (2003) – આ વિવેચનગ્રંથોમાં સ્વરૂપલક્ષી અને કૃતિલક્ષી વિવેચના દ્વારા રસસ્થાનો-મર્મસ્થાનોને ખોલી આપતી એમની વિશદ દૃષ્ટિનો પરિચય મળે છે. એમના વિવેચનલેખોમાં ભારતીય કાવ્યશાસ્ત્રના સિદ્ધાંતો અને સંજ્ઞાઓની ભૂમિકાએ સમીક્ષા તથા સાહિત્યની કૃતિઓનો આસ્વાદલક્ષી અભ્યાસ થયેલો જોવા મળે છે.
‘સુરખીભર્યો રવિમૃદુ’ (1986), ‘ગ્રામકાવ્યો’, ‘લીલીછમ ઝંખનાનાં રૂપ’ (1990) તથા ‘ગુજરાતી કવિતાચયન 2001’ (2003) એમનાં કાવ્યસંપાદનો છે. ‘ગાંધીસ્મૃતિગ્રંથ’(1969)ના સંપાદક તરીકે તેમણે કાર્ય કરેલ છે. ‘પારિજાત ભાગ 1-2’ (1970) લોકકથાઓનું સંપાદન છે. ‘કુદરતનો જયજયકાર’ સંગીતરૂપકનું પુસ્તક છે. સ્વામી વિવેકાનંદનાં અંગ્રેજી કાવ્યોનો પદ્યાનુવાદ ‘સ્વામી વિવેકાનંદનાં કાવ્યો’ (1978) રૂપે મળે છે. ‘મનોવૈજ્ઞાનિક નવલકથા (સ્વરૂપ, પ્રયોગો અને સિદ્ધિ)’ (2001) તેમનો લઘુસ્વાધ્યાયગ્રંથ છે.
તેમની કેટલીક કૃતિઓને પારિતોષિકો પણ મળ્યાં છે. તેમને કવિતા માટે 1969નો કુમાર ચંદ્રક પણ મળ્યો હતો. 2020નો ધનજી કાનજી ચંદ્રક એમને પ્રદાન થયો હતો.
અમૃત ચૌધરી