પંચાલ, જયકિશન (. 1929, સૂરત પાસેનું કોસંબા, વાગરા; . 12 સપ્ટેમ્બર 1971, મુંબઈ) : હિંદી ચલચિત્રજગતમાં પ્રથમ પંક્તિના સંગીતકારોમાં સ્થાન ધરાવતી સંગીતકાર બેલડી શંકર-જયકિશનમાંના એક. પિતા : ડાહ્યાભાઈ, માતા : અંબાબહેન.

શંકર-જયકિશન

તેમનો જન્મ મૂળ ગૂર્જરસુથાર જ્ઞાતિના પરિવારમાં થયો હતો. તે 11 મહિનાના હતા ત્યારે પરિવાર કોસંબા-વાગરાથી વલસાડ જિલ્લાના વાંસદામાં સ્થાયી થયો. છ બહેનો અને ત્રણ ભાઈઓના મોટા પરિવારમાં સૌથી મોટા શિવલાલનું અવસાન થઈ ગયું હતું. પિતાનું અવસાન થયું ત્યારે પણ જયકિશનની ઉંમર ઘણી નાની હતી. મોટા ભાઈ બળવંતને સંગીતનું જ્ઞાન હતું. તેમણે એક મંડળી બનાવી હતી, તેમાં જયકિશન પણ ગાવા જતા. પિતાના અવસાન બાદ પરિવારની આર્થિક સ્થિતિ કફોડી બનતાં બંને ભાઈઓનાં ગાયન-વાદન પર જ ગુજરાન ચાલતું હતું. સંગીતની પદ્ધતિસર તાલીમ મળે એ માટે જયકિશન વાંસદાની શ્રી પ્રતાપ સિલ્વર જ્યુબિલી ગાયનશાળામાં જતા થયા. ત્યાં પહેલાં વાડીલાલ સંગીતવિશારદે અને પછી પ્રેમશંકર નાયકે સંગીતની તાલીમ આપી. આજે આ શાળા જયકિશન સંગીતનિકેતન તરીકે ઓળખાય છે.

વધુ કમાણી કરવાના ઇરાદાથી 1945માં જયકિશન મુંબઈ જઈને બનેવી છગનલાલને ત્યાં રહ્યા. બનેવીએ તેમને બૉબિન-બૉક્સ બનાવવાના એક કારખાનામાં રખાવી દીધા, પણ જયકિશનના સંગીતકાર આત્માને ચેન ન પડતાં કામ મેળવવા માટે ચલચિત્ર સ્ટુડિયોનાં ચક્કર મારવા માંડ્યા. ગુજરાતી નાટ્યદિગ્દર્શક ચંદ્રવદન ભટ્ટને ત્યાં એક વાર તેઓ ગયા હતા ત્યારે ભવિષ્યના તેમના સાથીદાર શંકરની મુલાકાત થઈ હતી. શંકરના કહેવાથી જ જયકિશને પૃથ્વી થિયેટર્સમાં હાર્મોનિયમ વગાડવાનું શરૂ કર્યું. એને કારણે રાજ કપૂરના ચિત્ર ‘આગ’ના સંગીતકાર રામ ગાંગુલીના વાદ્યવૃંદમાં શંકર અને જયકિશન બંનેનો સમાવેશ થયો. રાજ કપૂર જ્યારે ‘બરસાત’નું નિર્માણ કરી રહ્યા હતા ત્યારે તક મળતાં બંનેએ પોતાની ધૂનો રાજ કપૂરને સંભળાવી. એ સાંભળીને ઝૂમી ઊઠેલા રાજ કપૂરે ‘બરસાત’નું સંગીત આ નવી સંગીતકાર બેલડીને સોંપ્યું. ‘બરસાત’નાં ગીતોની અભૂતપૂર્વ સફળતાથી ખ્યાતનામ સંગીતકારોની પંગતમાં બેસનાર આ બેલડીએ પછી તો વર્ષો સુધી આ પદ જાળવ્યું અને લગભગ 175 ચિત્રોમાં અસંખ્ય લોકપ્રિય ગીતોને સંગીતબદ્ધ કર્યાં. 1965માં જયકિશનને પદ્મશ્રીનું સન્માન અર્પણ કરાયું હતું.

જયકિશનને નાની ઉંમરથી નશો કરવાની કુટેવ પડી હતી. તેમના  વહેલા મૃત્યુ માટે દારૂ આદિની આ કુટેવ કારણભૂત હતી.

શંકર અને જયકિશન વચ્ચે પ્રથમથી જ એવા અલિખિત કરાર હતા  કે કોણે કયા ગીતની તર્જ બનાવી છે એ જાહેર ન કરવું. વર્ષો સુધી આ કરાર પળાયો હતો, પણ અંતિમ વર્ષોમાં જયકિશને બાંધેલી કેટલીક લોકપ્રિય તર્જો વિશે અખબારો-સામયિકોમાં લખાવા માંડ્યું હતું. જયકિશનના અવસાન પછી શંકર આ સંગીતકાર્ય સતત સંભાળી શક્યા નહોતા, તે આ સંદર્ભમાં સૂચક છે.

હરસુખ થાનકી