પંચતિક્ત ઘૃત : પાંચ કડવી વનસ્પતિના રસ અથવા ઉકાળાથી સિદ્ધ કરેલું ઘી. આ પાંચ ઔષધિઓ છે : અરડૂસીનાં પાન, લીમડાની અંતરછાલ, લીમડાની ગળો, ભોરિંગણી તથા કડવા પરવળનાં પાન. આ પાંચેય ઔષધિઓને સરખા પ્રમાણમાં લઈ અધકચરી ખાંડી તેમાં ચારગણું પાણી નાખી ક્વાથ બનાવવામાં આવે છે. ક્વાથ ઊકળતાં ઊકળતાં ચોથા ભાગનો બાકી રહે ત્યારે નીચે ઉતારી ગાળી લેવાય છે. ત્યારપછી ક્વાથના ચોથા ભાગના પ્રમાણમાં ગાયનું ઘી તથા ક્વાથ માટેની પાંચેય ઔષધિઓને સરખા પ્રમાણમાં લઈ તેનું ચૂર્ણ કરી ઘીના ચોથા ભાગ જેટલું ચૂર્ણ લઈ પાણીમાં મેળવી ચટણી બનાવવામાં આવે છે. આ ચટણી, ઘી તથા ક્વાથ ત્રણેયને એક વાસણમાં નાખી પકાવવામાં આવે છે. જ્યારે ક્વાથનું પાણી બળી જાય અને માત્ર ઘી જ બાકી રહે ત્યારે નીચે ઉતારી ગાળીને બાટલીમાં ભરી લેવામાં આવે છે.

આ ઘી રોજ સવાર-સાંજ બે વાર પાંચથી દસ ગ્રામ માત્રામાં ખાવાથી વિષમજ્વર, પાંડુરોગ, ચામડીના વિકારો, વિસર્પ, કૃમિ, અર્શ વગેરે રોગોમાં લાભ થાય છે.

મધુકાન્ત ભગવાનજી પંડ્યા