પંખાકાર કાંપસમૂહ (Bajada, Bahada) : (1) શુષ્ક કે અર્ધશુષ્ક પ્રદેશોમાં પૂર-પટ(flood-sheet)ને પરિણામે શિલાચૂર્ણની નિક્ષેપક્રિયા દ્વારા વિસ્તૃત પંખાકારમાં રચાતું મેદાની સ્વરૂપ.
(2) પર્વત અને થાળાની વચ્ચેના વિસ્તારમાં પર્વત-તળેટીથી થાળા સુધીના ભાગમાં પંખાકારે કાંપના ભેગા થતા જવાથી રચાતું લગભગ સપાટ મેદાની આવરણ. (3) પર્વતની હારમાળાના તળેટી-વિસ્તારમાં પર્વતની ધારે ધારે કાંપના સંગમથી શ્રેણીબંધ પંખાકારમાં તૈયાર થતો સપાટ સામૂહિક વિસ્તાર.
અલગ અલગ પંખાકારે જમા થતા કાંપના ઉપરના ભાગની ગોળાઈવાળા અને બે પંખાકાર કાંપની વચ્ચેના નીચાણવાળા ભાગથી રચાતા સ્થળ-દૃશ્યને કારણે પહોળા તરંગ-ગર્તનો દેખાવ ઊભો થાય છે. આવાં મેદાની આવરણોના સમગ્ર તળભાગમાં અવ્યવસ્થિત ગોઠવણીવાળા અને સ્તરબદ્ધતા વગરના ગ્રૅવલયુક્ત શિલાચૂર્ણના જથ્થા હોય છે.
ગિરીશભાઈ પંડ્યા