પંકપાષાણ : પંકમાંથી બનેલો પાષાણ. શેલ જેવા કણજન્ય ખડકપ્રકાર માટે પણ આ શબ્દ વપરાય છે. કણકદ 1/256 મિમી.થી ઓછું હોય, શેલ જેવો બિન-પ્લાસ્ટિક, કણપકડ-ક્ષમતા તેમજ ઓછી જળસંગ્રહક્ષમતાના ગુણધર્મો ધરાવતો હોય પરંતુ સ્તરસપાટીજન્ય વિભાજકતાનો જેમાં અભાવ હોય એવો ખડકપ્રકાર તે છે. આ પર્યાય સર રૉડરિક મરકિસને વેલ્સ(પશ્ચિમ ઇંગ્લૅન્ડ)માં સાઇલ્યુરિયન રચનાના ઘેરા રાખોડી, અતિસૂક્ષ્મ દાણાદાર શેલની સમકક્ષ ખડક કે જે હવામાં ખુલ્લો રહેતાં ઝડપથી વિઘટન પામીને તેના મૂળ પંકદ્રવ્યસ્વરૂપમાં રૂપાંતર પામી જતો હતો, તેને માટે પ્રયોજેલો; પરંતુ પછીથી આ શબ્દ એને મળતા આવતા શેલના સ્વરૂપભેદો માટે પણ ઉપયોગમાં લેવાતો રહ્યો છે. આથી હવે ‘પંકપાષાણ’ શબ્દ હેઠળ મૃદ કાંપકાદવ-પાષાણ, મૃદ-પાષાણ, શેલ અને પ્રારંભિક વિકૃતિજન્ય આર્જિલાઇટ(જુઓ, કોષ્ટક)નો સમાવેશ કરવામાં આવે છે. આ શબ્દ ત્યારે જ ઉપયોગમાં લેવો જોઈએ જ્યારે નિક્ષેપ મૃદથી, કાંપ-કાદવથી કે સૂક્ષ્મ રેતીકણોથી બનેલો હોય. વળી આવા નિક્ષેપોનું પ્રમાણ સ્થાનભેદે બદલાતું પણ હોય છે.
જળકૃત ખડક-સ્વરૂપોના સામાન્ય વર્ગીકરણના સંદર્ભમાં અતિસૂક્ષ્મ મૃદયુક્ત રેતીખડક કે મૃદયુક્ત ચૂનાખડકનો પણ પંકપાષાણમાં સમાવેશ થાય છે. આ શબ્દ વિભાજન ન થઈ શકે એવા સખત કે દૃઢ બનેલા મૃદખડક માટે પણ વપરાય છે. અતિસૂક્ષ્મ ક્વાટર્ઝ અને મૃદ-કણિકાઓના બંધારણવાળા નિક્ષેપોથી બનેલા પંકજન્ય ખડકો (કે જેમાં ક્યારેક ક્વાર્ટ્ઝ તો ક્યારેક મૃદ વધારે હોય એવા ખડકપ્રકારો) માટે પણ આ નામ ઉપયોગમાં લેવાય છે. પંકપાષાણ તેમના ઉત્પત્તિભેદે, સ્થાનભેદે દળદાર હોય કે સૂક્ષ્મ-અનિયમિત સ્તરબદ્ધતાવાળી કે પડરચનાવાળી સંરચના ધરાવતા હોઈ શકે.
પંકપાષાણ અને સમકક્ષ ખડકપ્રકારોનું વર્ગીકરણ
ગિરીશભાઈ પંડ્યા