પંકતડ (mud-crack, sun-crack) : પંક સુકાઈ જવાથી તૈયાર થતી તડ. છીછરા ખાડાઓ, ગર્ત કે થાળાંઓનાં તળ પર ભીનો કે ભેજવાળો કાદવ કે કાંપકાદવનો જે જથ્થો હોય છે તે વાતાવરણમાં ખુલ્લો રહેવાથી, તેને સૂર્યની ગરમી મળવાથી તેમાંનો પાણીનો ભાગ ઊડી જાય છે અને સૂક્ષ્મદાણાદાર કાદવનો ભાગ તનાવના બળ હેઠળ સંકોચાતો જાય છે, ફાટે છે અને તડો પડતી જાય છે.

પંકતડ
થાળાના તળભાગ પર સંકોચન-કેન્દ્રો જેટલાં વધારે બને એટલી તડસંખ્યા વધે અને નિયમિત કે અનિયમિત બહુકોણીય આકારો રચાય.
આ પ્રકારનું બહુકોણીય સંકોચન થોડાક મિમી.થી 1 મીટર સુધીનું હોઈ શકે છે. આવી બહુકોણીય તડો ઉપર તરફ અંતર્ગોળ અને નીચે તરફ નાની બનતી જઈને છેવટે અદૃશ્ય બની જાય છે. આમ પંકપોપડી અનેકાનેક નાના ટુકડાઓમાં વહેંચાઈ જાય અને એક વિશિષ્ટ પ્રકારનું જાળાકાર માળખું તૈયાર થાય. આ પ્રકારની રચના પંકમાં બનતી હોવાથી તેને પંકતડ અને સૂર્યતાપથી તૈયાર થતી હોવાથી આતપતડ કહેવાય છે. અમુક વખત પછી તડોની ખાલી જગાઓ રેતીથી કે અન્ય પ્રકારના કાદવથી અમુક સેમી.થી અર્ધોમીટરની ઊંડાઈ સુધી ભરાઈ જાય છે. આ પ્રકારની પંકતડ મોટી નદીઓનાં પૂરનાં મેદાનોના તળભાગમાં, ત્રિકોણ પ્રદેશોમાં, સમુદ્ર-ભરતીના પ્રદેશના તળભાગમાં અને છીછરાં સરોવરોના ઢળતા કિનારાઓ પર તેમજ સુકાઈ ગયેલાં તળાવોના ખાડાઓમાં સામાન્ય રીતે જોવા મળે છે. ભરતીનાં મેદાનોમાં પંકતડોની જાળવણી યોગ્ય રીતે થતી નથી. પંકતડો ખંડીય નિક્ષેપક્રિયાના વિભાજનની સૂચક બની રહે છે. આવા નિક્ષેપોનો સ્તરાનુક્રમ નક્કી કરવામાં પંકતડો ઘણી ઉપયોગી બની રહે છે.

પંકતડ (કીટકમાર્ગો સહિત)
ગિરીશભાઈ પંડ્યા