ન્યૂયૉર્ક (રાજ્ય) : આટલાન્ટિક મહાસાગરના પશ્ચિમ કિનારા પર આવેલું યુ.એસ.નું સંલગ્ન રાજ્ય. તે દેશના પૂર્વ કિનારા પર 40° 40´ થી 45° 0´ ઉ. અ. અને 73° 30´થી 79° 0´ પ. રે. વચ્ચે આવેલું છે. તેનું કુલ ક્ષેત્રફળ આશરે 1,41,300 ચોકિમી. જેટલું છે, તે પૈકી ભૂમિવિસ્તાર 1,22,310 ચોકિમી. છે. વિસ્તારની દૃષ્ટિએ યુ.એસ.નાં સંલગ્ન રાજ્યોમાં તેનો ક્રમ બીજો આવે છે. તેની ઉત્તરે સેંટ લૉરેન્સ નદી સહિત કૅનેડાનો ક્વિબેક પ્રાંત, પૂર્વમાં વરમૉન્ટ, મૅસેચૂસેટ્સ અને કનેક્ટિકટ રાજ્યો, અગ્નિ છેડા પર આટલાન્ટિક મહાસાગર, દક્ષિણે ન્યૂ જર્સી અને પેન્સિલવેનિયા રાજ્યો, નૈર્ઋત્ય તથા પશ્ચિમે ઈરી સરોવર અને કૅનેડાનો ઑન્ટેરિયો પ્રાંત તથા ઈશાનમાં ઑન્ટેરિયો સરોવર આવેલાં છે. આ રાજ્યની વસ્તી 1,90,34,000 (2021) છે. તેમાં શહેરી વસ્તીનું પ્રમાણ 84.3% જેટલું છે. વસ્તીની દૃષ્ટિએ યુ.એસ.માં તે સૌથી વધારે વસ્તી ધરાવતું રાજ્ય ગણાય છે. આલ્બેની તેનું પાટનગર છે (વસ્તી : 98,469; 2015). અગત્યનાં અન્ય શહેરોમાં ન્યૂયૉર્ક (1,00,000; (2021), મેટ્રો ન્યૂયૉર્ક (2,02,15,751; (2021), બફેલો (8,86,165; 2023), રૉચેસ્ટર (7,49,000; 2023), આલ્બેની (8,86,165; 2023), યૉન્કર્સ (2,11,569; 2020) છે. સાઇરેક્યુઝ (5.18 લાખ; 2017) છે. પાટનગર આલ્બેની આટલાન્ટિક મહાસાગરના કિનારાથી ઉત્તરમાં 240 કિમી. અંતરે આવેલું છે. હડસન નદીના કિનારે હોવાથી નદી-બંદર તરીકે પણ તે મહત્ત્વ ધરાવે છે.

ન્યૂયૉર્ક (રાજ્ય)

ભૂપૃષ્ઠ : આજથી 10,000 વર્ષ અગાઉ પ્રવર્તેલા હિમયુગ દરમિયાન આ વિસ્તાર પર બધે જ જાડો હિમપટ પથરાયેલો હતો, તેની વિવિધ અસરોને પરિણામે અહીંનું ભૂપૃષ્ઠ કુદરતી દૃશ્યોમાં કંડારાયું છે. આ રાજ્યમાં વિશિષ્ટ ખાસિયતો ધરાવતા આઠ વિભાગો છે : (1) આટલાન્ટિક મહાસાગરના કિનારાનાં મેદાનોની સમભૂમિ, જેમાં લાગ આઇલૅન્ડ અને સ્ટૅટન આઇલૅન્ડનો સમાવેશ થાય છે. (2) ન્યૂ-ઇંગ્લૅન્ડનો ઊંચાણવાળો પ્રદેશ, જેમાં ટેકરીઓ તથા ઓછી ઊંચાઈ ધરાવતા પર્વતો આવેલા છે. ન્યૂયૉર્ક શહેરનું હાર્દ ગણાતો મૅનહટન આઇલૅન્ડ આ વિભાગમાં આવે છે. (3) હડસન તથા મોહૉક નદીઓની ખીણોનો નીચાણવાળો વિભાગ. (4) ઉત્તર અમેરિકા ખંડમાં જૂનામાં જૂનો ગણાતો, રાજ્યના ઈશાન ભાગમાં આવેલો, ઍડિરૉન્ડેકનો ઊંચાણવાળો પ્રદેશ. (5) ખડકાળ અને વિષમ આબોહવા ધરાવતો ટગ હિલનો ઉચ્ચપ્રદેશ. (6) સેંટ લૉરેન્સ નદીની દક્ષિણે આવેલો નીચાણવાળો સમતલ પ્રદેશ. (7) ઇરી-ઑન્ટેરિયો જળાશયોથી અગ્નિકોણમાં આવેલો નીચાણવાળો પ્રદેશ. અહીં ઘણી અંડાકાર ટેકરીઓ તથા પંકવાળો પ્રદેશ (marshland) આવેલાં છે. વિખ્યાત નાયગરા ધોધ આ વિભાગમાં છે. અહીં વ્યાપક પ્રમાણમાં ફળફળાદિની પેદાશ થાય છે. (8) ઍપેલેશિયન (ઍલિગેની) ઉચ્ચપ્રદેશ. તે રાજ્યના દક્ષિણ તરફનો અડધો ભાગ આવરી લે છે. અહીંનું ઊંચામાં ઊંચું સ્થળ માઉંટ માર્સી 1,629 મીટરની ઊંચાઈ ધરાવે છે. દુનિયાભરનાં મહત્ત્વનાં કુદરતી બારાંમાં ન્યૂયૉર્કની ગણના થાય છે. હડસન અને મોહૉક જેવી નદીઓ વ્યાપારી માર્ગની સગવડ આપે છે. ઈશાન ભાગમાં ઍડિરૉન્ડેકમાં સંખ્યાબંધ સરોવરો આવેલાં છે. નજીકનાં ઇરી, ઑન્ટેરિયો સરોવરો તથા નાયગરા ધોધ જાણીતાં છે.

ન્યૂયૉર્ક રાજ્યનો ચિત્તાકર્ષક આટલાન્ટિક સમુદ્રતટ

આબોહવા : ન્યૂયૉર્ક રાજ્ય ઉત્તર આટલાન્ટિક કિનારાની આબોહવાના પ્રદેશમાં આવે છે. રાજ્યમાં જુલાઈનું સરેરાશ તાપમાન 23° સે. અને જાન્યુઆરીનું સરેરાશ તાપમાન -4.4° સે. જેટલું રહે છે; વરસાદનું પ્રમાણ સ્થાનભેદે વાર્ષિક 810થી 1,140 મિમી. વચ્ચેનું રહે છે.

આર્થિક પ્રવૃત્તિઓ : આર્થિક વિકાસ માટે મોકાનું ગણાય એવું રાજ્યનું ભૌગોલિક સ્થાન, વિશેષ જનસંખ્યા તથા ઉપલબ્ધ વાહનવ્યવહારની ઉત્તમ સુવિધાઓને લીધે ઉદ્યોગ અને વ્યાપારક્ષેત્રે આ રાજ્ય મોખરે છે. અર્થતંત્રનાં ઘણાં ક્ષેત્રોની પ્રગતિની બાબતમાં આ રાજ્યે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. છાપકામ અને પ્રકાશનની બાબતમાં તેમજ તૈયાર પોશાકો અને તેને આનુષંગિક ચીજવસ્તુઓના ઉત્પાદનની બાબતમાં આ રાજ્ય દેશમાં પ્રથમ ક્રમે આવે છે. વિવિધ ઉત્પાદનોમાં કૅલિફૉર્નિયા પછી આ રાજ્ય બીજા ક્રમે આવે છે. વૈજ્ઞાનિક સાધનો, ફોટોગ્રાફીને લગતી સામગ્રી, વીજળીનાં સાધનોના ઉત્પાદનમાં રૉચેસ્ટર, બફેલો, બિંગમટન, ન્યૂયૉર્ક, ઉટિકા વગેરે શહેરો મોખરે છે. કપડાં, અનાજ, મોદીખાનું, ઝવેરાત અને પેટ્રોલિયમ-પેદાશોનો જથ્થાબંધ વેપાર આ રાજ્યમાં થતો રહે છે. રાજ્યની કુલ કૃષિ-આવકમાં 70% જેટલો હિસ્સો પશુધન તથા તેની પેદાશોમાંથી પ્રાપ્ત થાય છે. ડેરીની પેદાશો (મુખ્યત્વે દૂધ), ઉપરાંત ઘાસચારો તથા મકાઈ તેની મુખ્ય ખેતપેદાશો ગણાય છે. આ ઉપરાંત ઘઉં, સફરજન, મેપલ સિરપ, દ્રાક્ષ, ચેરી, પીચ, જામફળ, પ્લમ, સ્ટ્રૉબેરી, રાસ્પબેરી, કોબી, બટાટા, ડુંગળી, મેપલ-ખાંડ વગેરેના ઉત્પાદનની બાબતમાં પણ આ રાજ્ય મહત્ત્વનું સ્થાન ધરાવે છે. મોટરગાડીઓનો અને ખાદ્યચીજોનો વેપાર તેમજ ખાણી-પીણી માટેનાં રેસ્ટોરાં અહીં મોટા પાયા પર વિકસ્યાં છે. બૅંકિંગ-નાણાકીય હેરફેર, સંદેશાવ્યવહારમાં પણ આ રાજ્ય મોખરાનું સ્થાન ધરાવે છે. દેશનું પ્રધાન શૅરબજાર પણ ન્યૂયૉર્ક શહેરમાં આવેલું છે. ખનિજો અને ખડકોના ઉત્પાદનમાં રેતી, ગ્રૅવલ, મીઠું, ખનિજ તેલ, કુદરતી વાયુ, ટાઇટેનિયમ ચૂર્ણ, શંખજીરું, ઘર્ષકો, ગાર્નેટ, વૉલેસ્ટોનાઇટ અને એમરી તેમજ ટ્રૅપખડક, સ્લેટ, આરસપહાણ, ચૂનાખડક અને રેતીખડકનો સમાવેશ થાય છે.

પરિવહન : રાજ્યમાં આશરે 1,80,000 કિમી. અંતરના માર્ગો, ન્યૂયૉર્કથી રૉચેસ્ટર સુધીનો રેલમાર્ગ, 3613 કિમી. અને 542 જેટલાં હવાઈ મથકો તથા 840 કિમી. જેટલી લંબાઈની નહેરો છે. ન્યૂયૉર્ક પરદેશીઓ માટે યુ.એસ.નું પ્રવેશદ્વાર છે, યુ.એસ.ના ગીચ વસ્તીવાળા ભાગની કિનારી પર આવેલું તે મહત્ત્વનું બારું છે. આંતરિક જળમાર્ગો મારફતે તે અન્ય પડોશી રાજ્યો તથા કૅનેડા સાથે સંકળાયેલું છે. તમામ પ્રકારની વાહનવ્યવહારની સેવાઓ અહીં ઉપલબ્ધ છે.

આ રાજ્યના મોટાભાગના લોકો ખ્રિસ્તી છે. તેઓ રોમન કૅથલિક અને પ્રૉટેસ્ટંટ પંથના અનુયાયીઓ છે. અહીં કેટલાક યહૂદીઓ પણ છે. 7થી 16 વર્ષની વયનાં બાળકો માટે શિક્ષણ ફરજિયાત છે. પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચશિક્ષણની વ્યવસ્થા છે. ખાનગી અને જાહેર ક્ષેત્રની શાળાઓ, કૉલેજો અને યુનિવર્સિટી પણ છે. પુસ્તકાલયો અને સંગ્રહસ્થાનો, આરોગ્યકેન્દ્રો અને કલાકેન્દ્રો અહીં આવેલાં છે. સામાજિક સલામતીની વ્યવસ્થા પણ રાજ્યસરકારે કરેલી છે.

ઇતિહાસ : શ્વેત પ્રજા આ વિસ્તારમાં દાખલ થઈ તે અગાઉ અહીં આલ્ગોંકિયન તથા ઇરોક્વૉઇઝ – આ બે સમર્થ જનજાતિઓ નિવાસ કરતી હતી. 1609માં અંગ્રેજ દરિયાખેડુ હેન્રી હડસન ડચ રાજ્ય વતી આ પ્રદેશમાં દાખલ થયો હતો, જેના પરથી નદીનું નામ હડસન અપાયું છે. તેને કારણે નેધરલૅન્ડ્ઝનો તેના પર અધિકાર પ્રસ્થાપિત થયો. અહીં વસવા આવેલી આ શ્વેત પ્રજાએ પ્રદેશને ન્યૂ-નેધરલૅન્ડ નામ આપ્યું હતું. ત્યારપછી ટૂંક સમયમાં જ ડચ લોકોએ નદીની ખીણના પ્રદેશમાં પોતાનાં વ્યાપારી મથકો અને વસવાટો ઊભાં કર્યાં. 1624માં ફૉર્ટ ઑરેન્જની સ્થાપના કરવામાં આવી, જે હવે આજના પાટનગર ઑલ્બેની નામથી ઓળખાય છે. આ જ સ્થળે શ્વેત પ્રજાએ પોતાની કાયમી વસાહત સ્થાપી દીધી. 1625માં ડચ લોકોએ સ્થાનિક જનજાતિના લોકો પાસેથી મૅનહટનનો પ્રદેશ ખરીદી લીધો, ત્યાં તેમણે ન્યૂ-ઍમ્સ્ટર્ડૅમ(આજના ન્યૂયૉર્ક શહેર)ની સ્થાપના કરી. 1664માં ઇંગ્લૅન્ડે ન્યૂ-ઍમ્સ્ટર્ડૅમ પર કબજો કર્યો અને તેને ડ્યૂક ઑવ્ યૉર્કના નામ પરથી ન્યૂયૉર્ક નામ આપ્યું. 1689-1763 દરમિયાન આ વિસ્તારમાં થયેલાં ચાર યુદ્ધોને કારણે અંતે ફ્રેન્ચોએ ન્યૂ-ઍમ્સ્ટર્ડૅમ ખાતેની પોતાની વસાહતો ગુમાવી. 1775-83 દરમિયાન થયેલા અમેરિકન આંતરવિગ્રહની ઘણી મહત્ત્વની લડાઈઓ આ વિસ્તારમાં લડવામાં આવી હતી. 1788માં તે છેવટે યુ.એસ.નું તેરમું સંલગ્ન રાજ્ય બન્યું. 1812માં અમેરિકા અને ઇંગ્લૅન્ડ વચ્ચે યુ.એસ.-કૅનેડા સરહદે યુદ્ધ થયું. લડાઈના અંતે યુદ્ધપ્રણેતાઓએ આ રાજ્યના ઉત્તર અને પશ્ચિમ ભાગોમાં વસવાટ શરૂ કરી દીધો 1825માં ઈરી નહેર પૂરી થતાં હડસન નદી તથા ગ્રેટ લેક્સ વચ્ચે વાહનવ્યવહાર શરૂ થયો, જેને લીધે વ્યાપારને ખૂબ પ્રોત્સાહન મળ્યું. ત્યારબાદ રેલમાર્ગનો વિકાસ થતાં આ રાજ્યના ઔદ્યોગિક વિસ્તારને વેગ મળ્યો. આમ 1850 સુધીમાં તો અહીં યુ.એસ.ના અન્ય વિસ્તારો કરતાં વસ્તી વધતી ગઈ. 1861-65 દરમિયાન થયેલા અમેરિકી આંતરવિગ્રહ બાદ આ રાજ્યમાં વ્યાપાર અને ઉદ્યોગો વધ્યા. ન્યૂયૉર્ક શહેર દેશનું મહત્ત્વનું નાણાકીય, ઔદ્યોગિક અને સાંસ્કૃતિક કેન્દ્ર બની રહ્યું. આજે તો આ રાજ્ય સંરક્ષણને લગતા ઉદ્યોગોનું પણ મહત્ત્વનું કેન્દ્ર ગણાય છે.

એ વખતે યુ.એસ.નું પાટનગર ન્યૂયૉર્ક હતું. આ સ્થળેથી જ જ્યૉર્જ વૉશિંગ્ટને પ્રથમ રાષ્ટ્રપ્રમુખ તરીકેના સોગંદ લીધેલા. 1901માં બફેલો ખાતે કોઈએ અહીંના પ્રમુખ વિલિયમ મેકકિનલેની હત્યા કરી અને ન્યૂયૉર્કના પહેલાંના ગવર્નર અને તે વખતના ઉપપ્રમુખ થિયૉડૉર રૂઝવેલ્ટ રાષ્ટ્રપ્રમુખ બન્યા. સેંટ લૉરેન્સ મારફતે 1959માં દરિયાઈ માર્ગ ખૂલ્યો અને ગ્રેટ લેક્સ પરનાં આંતરિક બંદરો પરથી મહાસાગર તરફ વહાણોની અવરજવર શરૂ થઈ. 1970-80ના દાયકાની શરૂઆતમાં ન્યૂયૉર્કના ઘણા ઉત્પાદક એકમો થોડાક વખત માટે બંધ પડેલા, પરંતુ તરત જ પછીથી આર્થિક પ્રવૃત્તિઓ, સેવા-ઉદ્યોગો અને વીજાણુ-એકમોએ વેગ પકડ્યો. 1986થી આ રાજ્યે દરેક બાબતમાં હરણફાળ ભરી છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે