ન્યુરમબર્ગ ખટલો : દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન જર્મન નેતાઓએ આચરેલ યુદ્ધનાં ગુનાઇત કૃત્યોને કારણે તેમના પર કામ ચલાવવા માટે મિત્ર-રાષ્ટ્રોએ હાથ ધરેલ ખટલો. 1945–49 દરમિયાન ત્યાં આવા 13 ખટલાઓ ચલાવવામાં આવ્યા હતા. એડૉલ્ફ હિટલરના નેતૃત્વવાળા જર્મનીના નાઝી પક્ષે પોતાના પ્રચાર માટે ન્યુરમબર્ગને કેન્દ્ર બનાવી અનેક વાર વિશાળ રૅલીઓ યોજી હતી. આ ખટલો ચલાવવા માટે આંતરરાષ્ટ્રીય લશ્કરી ટ્રિબ્યૂનલની રચના કરવામાં આવી હતી. નાઝીઓ સામેના આરોપો ચાર પ્રકારના હતા : (1) શાંતિ વિરુદ્ધના ગુના એટલે આંતરરાષ્ટ્રીય સંધિઓ અને સમજૂતીઓની વિરુદ્ધ જઈને આક્રમક યુદ્ધ માટે આયોજન અને પહેલ કરવાના તથા યુદ્ધ આદરવાના ગુના; (2) માનવનિકંદન, દેશનિકાલ, જાતિસંહાર જેવા માનવતા વિરુદ્ધના ગુના; (3) યુદ્ધ સંબંધી ગુનાઓ એટલે કે યુદ્ધના સર્વમાન્ય પ્રચલિત નિયમોનું ઉલ્લંઘન અને (4) અગાઉ ઉલ્લેખ કરેલા ત્રણ પ્રકારોમાં નોંધાયેલાં ગુનાઇત કૃત્યો માટે ભેગા મળીને ષડ્યંત્ર કે કાવતરું કરવારૂપ ગુના.
આ ખટલામાં નાઝી નેતાઓ પર અમાનુષી કૃત્યો અને યુદ્ધગુનાઓ આચરવાના જે આરોપો મુકાયા તેમાં 60 લાખ યહૂદીઓની તથા 30થી 50 લાખ અન્ય યુરોપિયન લોકોની કત્લેઆમના આરોપનો પણ સમાવેશ થયો હતો. આધુનિક યુગનો યુદ્ધ-ગુનાઓ અંગેનો આ પ્રથમ ખટલો હતો.
આ પ્રકારના ખટલાઓ ચલાવવા માટેની સત્તા આંતરરાષ્ટ્રીય લશ્કરી ટ્રિબ્યૂનલને અમેરિકા, ઇંગ્લૅન્ડ, સોવિયેત સંઘ તથા ફ્રાન્સ – એ ચાર પ્રમુખ મિત્ર-રાષ્ટ્રોના પ્રતિનિધિઓ વચ્ચે 8 ઑગસ્ટ, 1945ના રોજ સધાયેલ લંડન-સમજૂતી અન્વયે પ્રાપ્ત થઈ હતી. પાછળથી 19 અન્ય દેશોએ પણ આ સમજૂતીની જોગવાઈઓનો સ્વીકાર કર્યો. આંતરરાષ્ટ્રીય લશ્કરી ટ્રિબ્યૂનલને ઉપરના ત્રણ પ્રકારના ગુનાઓ સબબ કોઈ પણ વ્યક્તિને યુદ્ધ તથા કોઈ જૂથ અથવા સંગઠનને યુદ્ધગુનેગાર તરીકે જાહેર કરવાની સત્તા આપવામાં આવી હતી. જો કોઈ સંગઠન ગુનેગાર તરીકે પ્રતીત થાય તો તેની સભ્ય વ્યક્તિ પર પણ તહોમત મૂકીને ખટલો ચલાવી શકે તેવી જોગવાઈ પણ તેમાં હતી.
આરોપી આરોપનામાની પ્રત મેળવવા, તેની સામે મૂકવામાં આવેલ આરોપો અંગે યોગ્ય સમજૂતી મેળવવા, પોતાના વકીલ દ્વારા રજૂઆત કરવા તથા જુબાની દરમિયાન સાથીઓની તપાસ તથા ઊલટ-તપાસ કરવા માટે હક્કદાર હતા.
ટ્રિબ્યૂનલમાં લંડન-સમજૂતી પર સહીઓ કરનાર દેશોના એક એક પ્રતિનિધિ-સભ્ય તથા અન્યોમાંથી એક એક વૈકલ્પિક (alternative) સભ્યનો સમાવેશ થયો હતો. આમ અદાલતમાં આઠ ન્યાયાધીશો હતા. ટ્રિબ્યૂનલની પ્રથમ બેઠક 18 ઑક્ટોબર, 1945ના રોજ રશિયન સભ્ય, જનરલ આઈ. ટી. નિકીટ્ચેન્કોની અધ્યક્ષતા હેઠળ બર્લિન ખાતે યોજવામાં આવી હતી. 24 નાઝી નેતાઓ પર યુદ્ધ-ગુનાઓ આચરવાના આરોપ મૂકવામાં આવ્યા હતા તથા ગેસ્ટાપો અને નાઝી સિક્રેટ પોલીસ જેવાં સંગઠનો પર ગુનાઇત સંગઠનો તરીકેનો આરોપ મૂકવામાં આવ્યો હતો. ટ્રિબ્યૂનલની સુનાવણીની શરૂઆત 20 નવેમ્બર, 1945ના રોજ થઈ હતી. તેની બધી બેઠકો બ્રિટિશ સભ્ય લૉર્ડ જસ્ટિસ જિઑફ્રે લૉરેન્સની અધ્યક્ષતા નીચે યોજવામાં આવી હતી. ટ્રિબ્યૂનલે 9 ઑક્ટોબર, 1946ના રોજ મૂળ 24 પ્રતિવાદીઓમાંથી 22 પ્રતિવાદીઓ અંગે ચુકાદો સુપરત કર્યો હતો. રૉબર્ટ લીએ આત્મહત્યા કરી તથા ગુસ્તાવ ક્રુપ વૉન બ્હોલેન અન્ડ હાલબુચની માનસિક તથા શારીરિક સ્થિતિને લીધે તેના પર કામ ચલાવવાનું શક્ય ન હતું. માર્ટિન બોરમન પર તેની ગેરહાજરીમાં કામ ચલાવવામાં આવ્યું હતું. ત્રણ પ્રતિવાદીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા તથા બોરમન સહિત 12ને ફાંસીની સજા ફટકારવામાં આવી. આ ઉપરાંત રૂડૉલ્ફ હેસ સહિતના ત્રણ પ્રતિવાદીઓને આજીવન કારાવાસની તથા આલ્બર્ટ સ્પિયર સહિતના ચાર પ્રતિવાદીઓને 10થી 20 વર્ષની કારવાસની સજા જાહેર કરવામાં આવી.
આ ચુકાદાઓ જાહેર કરતી વખતે ટ્રિબ્યૂનલે પ્રતિવાદીઓની મુખ્ય બચાવ દલીલોને ફગાવી દીધી હતી. યુદ્ધ-ગુનાઓ સબબ વ્યક્તિઓને નહિ, પરંતુ માત્ર રાજ્યને જ ગુનેગાર ઠેરવી શકાય, એવી દલીલનો ટ્રિબ્યૂનલે અસ્વીકાર કર્યો હતો. ટ્રિબ્યૂનલે ઠરાવ્યું કે આંતરરાષ્ટ્રીય કાયદાના ઉલ્લંઘનને લગતા ગુનાઓ વ્યક્તિઓ દ્વારા આચરવામાં આવે છે અને વ્યક્તિઓને કસૂરવાર ઠેરવીને જ આંતરરાષ્ટ્રીય કાયદાની જોગવાઈઓનો અમલ કરાવી શકાય છે. બીજું, ટ્રિબ્યૂનલે એવી દલીલ ફગાવી દીધી કે ખટલો અને ચુકાદાઓ કાર્યોત્તર (ex post-facto) ઘટનાઓ હતી. હકીકતે તો આવાં કૃત્યોને દ્વિતીય વિશ્વયુદ્ધ પહેલાં પણ ગુનાઇત કૃત્યો તરીકે ગણવામાં આવતાં હતાં.
નલિનકાન્ત નૃસિંહપ્રસાદ બૂચ
નવનીત દવે