નૌશાદ (જ. 25 ડિસેમ્બર 1919, લખનૌ અ. 5 મે 2006) : હિન્દી ચલચિત્રોના સંગીતનિર્દેશક. લખનૌમાં હાર્મોનિયમ દુરસ્ત કરતાં કરતાં નૌશાદને સંગીતમાં રસ પડ્યો. પિતા વાહીદ અલી સંગીતના ભારે વિરોધી. આ સંજોગોમાં 14 વર્ષની વયે નૌશાદે ઘર છોડ્યું. તેમણે સંગીત મંડળી બનાવી નાટકોમાં સંગીત આપવા માંડ્યું. ફરતાં ફરતાં વીરમગામ પણ આવેલા. પણ, ત્યારે ભારે ભીડમાં મુકાઈ જતાં ભાગ્ય અજમાવવા મુંબઈ પહોંચ્યા. 1937માં ઝંડેખાનને ત્યાં માસિક 40 રૂપિયાના વેતનથી પિયાનોવાદક તરીકે કામ મળ્યું. ત્યાંથી રૂ. 75ના પગારે રણજિતમાં ગયા. ત્યારના લોકપ્રિય સંગીતકાર ખેમચંદ પ્રકાશનો સંપર્ક તેમને લાભદાયી નીવડ્યો. તેમણે નૌશાદને પ્રોત્સાહન આપ્યું. નૌશાદ તેમની પાસેથી ઘણું શીખ્યા.

નૌશાદ

ગીતકાર મધોકની ભલામણથી ભવનાનીના ‘પ્રેમનગર’(1940)નું સંગીત તૈયાર કરવાનું કામ નૌશાદને મળ્યું. આ માટે તેમને 300 રૂપિયા મળ્યા. વિજય ભટ્ટનાં ચલચિત્રો ‘માલા’, ‘દર્શન’ અને ‘સ્ટેશન માસ્તર’ માટે સંગીત આપ્યું. આ છેલ્લા ચિત્રના સુંદર સંગીતથી પ્રભાવિત થઈ, જેમણે પ્રથમ કાઢી મૂકેલા તે અ. ર. કારદારે નૌશાદને પાછા બોલાવ્યા અને કારદાર પ્રોડક્શન્સના સ્થાયી સંગીતકાર નીમ્યા. અહીં તેમણે પશ્ચિમી સંગીતની ધૂનોનો ઉપયોગ કરીને લોકપ્રિય રચનાઓ આપી. પણ, ભારતીય સંગીત આગળ પશ્ચિમી સંગીત તેમને ફિક્કું અને ક્ષણજીવી લાગ્યું. ત્યારથી તેમણે ભારતીય સંગીત પર વધારે લક્ષ આપવા માંડ્યું. ‘રતન’(1944)માં તેમનું સાચું હીર ઝળકી ઊઠ્યું. તેમણે બેસાડેલાં ‘અંખિયા મિલાકે’, ‘સાવન કે બાદલો’, ‘દિવાલી ફિર આ ગઈ સજની’….. વગેરે ગાયનો દેશમાં ખૂણે ખૂણે ગુંજતાં થયાં. મહાન સંગીતકાર તરીકે નૌશાદનું સ્થાન નિશ્ચિત થયું. ચાળીસમાં ‘શાહજહાં’ (સાયગલ), ‘દર્દ’ (ઉમાદેવી), ‘દિલ્લગી’ (સુરૈયા; શ્યામ), ‘અણમોલ ઘડી’ (નૂરજહાં, સુરેન્દ્ર) અને ‘અંદાજ’ (મુકેશ, મહમ્મદ રફી)  એ ચિત્રોમાં નૌશાદ ખીલી ઊઠ્યા. 1948માં અવિસ્મરણીય મેલા આવ્યું. નૌશાદના શાસ્ત્રીય સંગીત પ્રત્યેના પ્રેમની કેટલાક લોકોએ ટીકા કરી. તેમને બોલતા બંધ કરવા તેમણે વિજય ભટ્ટ પાસે 1952માં બૈજુ બાવરાનું નિર્માણ કરાવ્યું. તેમાં તેમણે પળુસ્કર અને અમીરખાન જેવા બે મહાન શાસ્ત્રીય ગાયકોનું પાર્શ્વગાયન પ્રસ્તુત કર્યું. આ પહેલાં 1950માં ‘બાબુલ’ (તલત મહેમૂદ) ચિત્રે ભારે લોકપ્રિયતા મેળવી. ‘આન’માં તેમણે 100 વાદ્યોનું વાદ્યવૃંદ પ્રસ્તુત કર્યું. સાઠના દાયકાના મધ્યભાગે હિંદી ચલચિત્રોમાં પશ્ચિમી સંગીતે પ્રવેશ કર્યો. પણ, નૌશાદે પોતાની લાગણી અનુસાર ભારતીય સંગીતને વળગી રહેવાનું પસંદ કર્યું. પરિણામે ઓછાં ચિત્રોમાં સંગીત આપ્યું. નવા સંગીતકારોની તેમણે ઝાટકણી કાઢી. પછી બદલાયેલા સંજોગોમાં તેમણે નિવૃત્તિ લીધી હતી. મુંબઈમાં તેઓએ નિવૃત્ત જીવન વિતાવ્યું હતું.

1982માં દાદાસાહેબ ફાળકે ઍવૉર્ડ અને 1992માં ‘પદ્મભૂષણ’ તેમને એનાયત થયેલાં. આ ઉપરાંત લતા મંગેશકર ઍવૉર્ડ (1984), અમીર ખુસરો ઍવૉર્ડ (1987), સંગીત નાટક અકાદમી ઍવૉર્ડ (1992) વગેરે ઍવૉર્ડ પ્રાપ્ત થયા હતા.

તેઓ સિને મ્યૂઝિક ડિરેક્ટર્સ ઍસોસિયેશન (મહારાષ્ટ્ર રાજ્ય), એન્જલિંગ ઍસોસિયેશન, અલ્મ-ઈ-ઉર્દૂ કૉન્ફરન્સ (દિલ્હી) વગેરે સંસ્થાઓના પ્રમુખ હતા.

બંસીધર શુક્લ