નોરિ નરસિંહરાવ (જ. 1900, ગન્ટુર, આંધ્રપ્રદેશ; અ. 1982) : તેલુગુ લેખક. કૉલેજ સુધીનું અને તે પછી એલએલ.બી.નું શિક્ષણ હૈદરાબાદમાં. ત્યાં જ વકીલાત શરૂ કરી. આંધ્રપ્રદેશ સાહિત્ય અકાદમીના તેઓ મંત્રી હતા. તેમણે સંસ્કૃત તથા અંગ્રેજી સાહિત્યનું ઊંડું અધ્યયન કર્યું. તેમણે કન્નડ સાહિત્યમાં નવલકથાઓ, વાર્તાઓ, કવિતા, નાટક, વિવેચન એમ અનેક ક્ષેત્રે મહત્વનું પ્રદાન કર્યું છે. તેમના પ્રસિદ્ધ ગ્રંથોમાં ‘નારાયણ ભટ્ટ’, ‘મલ્લારેડ્ડી’, ‘વાધિરા’, ‘કર્પૂરદીપ યાત્રા’ વગેરે નવલકથાઓ; ‘ગુલાબી પુવ્વુ’, ‘માન મંગમુ’, ‘ભવિષ્યતુ’, ‘વધુસર’ વગેરે વાર્તાસંગ્રહો; ‘સોમનાથ વિજયમુ’, ‘સેમાભિખ્ખુનિ’, ‘વરાગમનમુ’, ‘પતંગયાત્રા’, ‘પણ્ણવતિ’ વગેરે નાટકો; ‘ગીત માલિકા’ જેવો કાવ્યગ્રંથ અને કેટલાક વિવેચનગ્રંથો છે. એમણે આંધ્રના ઇતિહાસ પર આધારિત અનેક નવલકથાઓ લખી છે અને તે માટે તેમને આંધ્રપ્રદેશ સરકાર તરફથી પારિતોષિકો પણ મળ્યાં છે. તેમણે આંધ્રપ્રદેશના લોકનાટ્ય યક્ષગાનની શૈલી અપનાવીને તેનું પ્રશિષ્ટ નાટ્યશૈલી સાથે રુચિકર ગુંફન કરીને નાટકો આપ્યાં છે. ‘ભાગવતાવતરણ’ એમની પદ્યનાટિકા છે. ‘તેનતેટ્ટે’ જેવી નાટિકામાં પાશ્ચાત્ય નાટ્યશૈલી અપનાવાઈ છે. સંસ્કૃત ‘દેવી ભાગવત’નો તેમનો તેલુગુ અનુવાદ ખૂબ લોકપ્રિય થયો છે. તેમને આંધ્રપ્રદેશ એકૅડેમી તરફથી ‘કવિસમ્રાટ’ની પદવી તથા ‘નારાયણ ભટ્ટ’ નવલકથા માટે તેલુગુ ભાષાસમિતિનો પુરસ્કાર પ્રાપ્ત થયાં હતાં.
ચન્દ્રકાન્ત મહેતા