નૉર્થ, ડગ્લાસ સેસિલ (જ. 5 નવેમ્બર 1920, કૅમ્બ્રિજ, મૅસેચૂસેટ્સ, અમેરિકા; અ. 23 નવેમ્બર 2015, મિશિગન, અમેરિકા) : 1993ના અર્થશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના રૉબર્ટ વિલિયમ ફૉગેલના સહવિજેતા. અમેરિકાની કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1953–83 દરમિયાન વૉશિંગ્ટન યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર તરીકે કામ કર્યું. સાથોસાથ અર્થતંત્રને લગતી ઘણી સરકારી અને બિનસરકારી સમિતિઓમાં તેમણે કામ કર્યું છે. વીસમી સદીના સાતમા દાયકામાં તેઓ ‘જર્નલ ઑવ્ ઇકૉનૉમિક હિસ્ટરી’ના તંત્રીપદે હતા. તે અરસામાં ‘ક્લિયોમૅટ્રિક્સ’ (cliometrics) વિષય તરફ તેમણે લોકોનું ધ્યાન ખેચ્યું. અર્થશાસ્ત્રના સિદ્ધાંતશાસ્ત્રી તરીકે તેઓ ખ્યાતિ ધરાવે છે.
તેમણે લખેલા ગ્રંથોમાં ‘ધી ઇકૉનૉમિક ગ્રોથ ઑવ્ ધ યુનાઇટેડ સ્ટેટ્સ (1790–1860); ‘ધ રાઇઝ ઑવ્ ધ વેસ્ટર્ન વર્લ્ડ : અ ન્યૂ ઇકૉનૉમિક હિસ્ટરી’ (1973) તથા ‘સ્ટ્રક્ચર ઍન્ડ ચેન્જ ઇન ઇકૉનૉમિક હિસ્ટરી’ (1981) નોંધપાત્ર છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે