નૉર્થકોટ-ટ્રેવેલિયન સમિતિ : વહીવટી સેવાની સમીક્ષા કરી તેમાં સુધારાવધારા સૂચવવા માટે ઇંગ્લૅન્ડમાં નીમવામાં આવેલ સમિતિ (1853). એક સમયે ઇંગ્લૅન્ડ અને તેના સામ્રાજ્યના વિસ્તારોના વહીવટમાં લાગવગશાહીનું દૂષણ ઠીક પ્રમાણમાં વિકસ્યું હતું અને વિકલ્પના અભાવે તેને લાંબા સમય સુધી સહન કરવામાં આવ્યું હતું. આ દૂષણની તપાસ કરી તે અંગે સુચિંતિત અહેવાલ રજૂ કરવા માટે નૉર્થકોટ-ટ્રેવેલિયન સમિતિ રચાઈ. આ સમિતિનો અહેવાલ બ્રિટિશ સનદી સેવાના વિકાસમાં સીમાવર્તી સ્થાન ધરાવે છે. વહીવટી સેવા માટેનો ‘સિવિલ સર્વિસ’ (સનદી સેવા) એવો શબ્દપ્રયોગ આ સમિતિના અહેવાલમાં સૌપ્રથમ વાર કરવામાં આવ્યો હતો. તેના અહેવાલને પગલે ઇંગ્લૅન્ડમાં સિવિલ સર્વિસનો જે ખ્યાલ વિકસ્યો તેનાં પ્રધાન લક્ષણોમાં : લાગવગને બદલે ગુણવત્તા પર ભાર, સ્વાયત્ત સેવા પંચની સ્થાપના, વ્યવસાયલક્ષી અભિગમ, સાતત્ય અને સ્થિરતાને મહત્વ, રાજકીય અલિપ્તીકરણ, રાજકીય તટસ્થતા વગેરેનો સમાવેશ થયો હતો.
સમિતિની ભલામણોમાં લાગવગશાહીની નાબૂદી, સ્પર્ધાત્મક પરીક્ષાની સ્થાપના, સ્વાયત્ત સનદી સેવા પંચ, વિશિષ્ટ જ્ઞાન કરતાં સામાન્ય તેજસ્વિતા પર ભાર, જ્વલંત શૈક્ષણિક કારકિર્દી ધરાવનાર યુવાનોની નાની વયે પસંદગી તથા તેમને આ પ્રકારની સનદી સેવાની કારકિર્દી માટે યોગ્ય તાલીમ જેવી મહત્વની બાબતોનો સમાવેશ થયો છે. આ ભલામણો દ્વારા સમિતિ જાહેર વહીવટના સંચાલનના વિકાસનું સીમાચિહન બની રહી.
નવનીત દવે