નૈરોબી : કેન્યાનું પાટનગર તથા પૂર્વ આફ્રિકાનું ધીકતું વ્યાપારી મથક. ભૌગોલિક સ્થા. 1° 17´ દ. અ. અને 36° 49´ પૂ. રે.. તે વિષુવવૃત્તની દક્ષિણે 145 કિમી. અંતરે આવેલું છે. તે દક્ષિણ મધ્ય કેન્યામાં સમુદ્રસપાટીથી 1,660 મી. ઊંચાઈ પરના મેદાની પ્રદેશમાં વિસ્તરેલું છે. તેનો વિસ્તાર 684 ચોકિમી. અને મેટ્રોની કુલ વસ્તી 10,40,0676 (2019) છે જ્યારે શહેરની વસ્તી 43,97,073 છે. છેલ્લા ત્રણ દાયકામાં નગરની વસ્તીમાં ત્રણગણો વધારો થયેલો છે.
નગરના અર્થતંત્રમાં પર્યટન ઉદ્યોગનો ફાળો વિશેષ નોંધપાત્ર રહ્યો છે. નગરમાં ઉદ્યોગ અને વ્યાપારને પ્રોત્સાહન આપતી સેવાઓનો ઝડપી વિકાસ થયો છે (1963–97). કુલ કામદાર વર્ગના 2 જેટલા કામદારો સરકારી વિભાગો અને પ્રતિષ્ઠાનોમાં રોકાયેલા છે.
નગરનું તાપમાન મધ્યમ એટલે કે 10° સે.થી 27° સે. વચ્ચે રહે છે. નગરનો વાર્ષિક સરેરાશ વરસાદ 960 મિમી. હોય છે, જેમાંથી અડધોઅડધ વરસાદ માર્ચથી મેના ત્રણ માસના ગાળામાં પડે છે.
આ નગર ખેતપેદાશોનું વેચાણકેન્દ્ર હોવા છતાં ઉદ્યોગોનો ત્યાં ઠીકઠીક વિકાસ થયેલો છે. નગરના મુખ્ય ઉદ્યોગોમાં ખાદ્યપ્રક્રમણ, સિમેન્ટ, રસાયણ, જાતજાતનાં પીણાંઓ, યંત્રો, પગરખાં, સાબુ, તૈયાર કપડાં, રંગ, કાચ અને રાચરચીલું વિશેષ નોંધપાત્ર છે.

નૈરોબી
શિક્ષણ અને સંશોધનના ક્ષેત્રમાં પણ નગરે ઝડપી વિકાસ કર્યો છે. 1954માં સ્થપાયેલ યુનિવર્સિટી ઑવ્ નૈરોબી, પૉલિટૅકનિક, કાયદાનું શિક્ષણ આપતી કૉલેજ તથા ઘણી સંશોધનસંસ્થાઓ ત્યાં આવેલી છે. ઉપરાંત, નગરમાં સંસદ-ભવન, કેન્યાટા કૉન્ફરન્સ સેન્ટર, જામા મસ્જિદ, પ્રાગૈતિહાસિક કાળની વસ્તુઓ ધરાવતું રાષ્ટ્રીય સંગ્રહાલય, રાષ્ટ્રીય નાટ્યસંસ્થાની ઇમારત જોવા જેવાં સ્થળોમાં ગણાય છે.
નગરની દક્ષિણે 8 કિમી. અંતરે આવેલ નૈરોબી નૅશનલ પાર્ક (1948) સહેલાણીઓ માટે મુખ્ય આકર્ષણનું સ્થળ બની રહેલ છે. 114 ચોકિમી. વિસ્તારમાં ફેલાયેલા આ પાર્કમાં સિંહ, ઝિબ્રા, મોટી અને ચપળ આંખો ધરાવતાં નાના કદનાં હરણ જેવાં વન્ય પ્રાણીઓ જોવા માટે દેશવિદેશથી મોટી સંખ્યામાં પર્યટકો આવે છે.
ઓગણીસમી સદીના છેલ્લા દાયકામાં રેલ બાંધકામના કેન્દ્ર તરીકે તેની સ્થાપના થઈ હતી. 1905માં બ્રિટિશ ઈસ્ટ આફ્રિકા રક્ષિત દેશનું તે પાટનગર બન્યું. 1963માં કેન્યાને સ્વાધીનતા મળતાં તે નવા સ્વતંત્ર દેશનું પાટનગર બન્યું છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે