નેવાડા : યુનાઇટેડ સ્ટેટ્સના લગભગ છેક પશ્ચિમ ભાગમાં આવેલું આંતરપર્વતીય રાજ્ય. ભૌગોલિક સ્થાન : 35° થી 42° ઉ. અ. અને 114° થી 120° પ. રે. વચ્ચે આવેલું છે. ‘નેવાડા’ એ મૂળ સ્પૅનિશ શબ્દ છે, તેનો અર્થ ‘બરફઆચ્છાદિત’ એવો થાય છે; વળી અહીંથી ચાંદીનાં ખનિજો મળી આવતાં હોવાથી તેનું લાડનું નામ ‘સિલ્વર સ્ટેટ’ છે. તે તેની તદ્દન શુષ્ક (રણની) આબોહવા અને કાયદેસરનાં જુગારખાનાં માટે ખૂબ જ જાણીતું બનેલું છે. પશ્ચિમ અમેરિકાના આ રાજ્યમાં તમામ પ્રકારનો જુગાર રમવાનું કાયદેસર છે. લાસ વેગાસ તથા લેડ તાહોઈ અને રેનોમાં જગતભરના પ્રવાસીઓ માટે આકર્ષણરૂપ એવાં વૈભવી જુગારખાનાં આવેલાં છે. નેવાડા એ યુનાઇટેડ સ્ટેટ્સમાં વિશાળ વિસ્તાર ધરાવનાર રાજ્યો પૈકીનું એક રાજ્ય ગણાય છે. વિસ્તારની દૃષ્ટિએ દેશમાં તે સાતમા ક્રમે આવે છે. તેની ઉત્તરે ઑરેગૉન અને ઇડાહો, પૂર્વમાં ઍરિઝોના અને ઉટાહ તથા દક્ષિણ તેમજ પશ્ચિમે કૅલિફૉર્નિયા રાજ્યો આવેલાં છે. તેનો કુલ ભૂમિ વિસ્તાર 2,86,367 ચોકિમી. જેટલો છે. કાર્સન સિટી તેનું પાટનગર છે.

નેવાડા

ભૂપૃષ્ઠ : રાજ્યની પશ્ચિમ સરહદ નજીકના સિએરા નેવાડા અને ઉત્તરમાં આવેલા કોલંબિયાના ઉચ્ચપ્રદેશને બાદ કરતાં લગભગ આખુંય નેવાડા ‘ગ્રેટ બેસિન’(વિશાળ થાળા)નો ભૂમિભાગ બની રહેલું છે. ઉત્તરદક્ષિણ વિસ્તરેલી આશરે 30 જેટલી પર્વતોની હાર આ રાજ્યને આરપાર વીંધીને પસાર થાય છે. ભૂપૃષ્ઠની સરેરાશ ઊંચાઈ 1500 મીટર છે, પરંતુ સ્થાનભેદે ઊંચાઈનું પ્રમાણ બદલાતું રહે છે. ‘બાઉન્ડ્રી પીક’ પર કૉલોરાડો નદીતળની ઊંચાઈ 4,006 મીટરની છે, પર્વતો વચ્ચેની ખીણો 1,200થી 1,800 મીટર ઊંચાઈ ધરાવે છે, જ્યારે રાજ્યના દક્ષિણ છેડા પરની ઊંચાઈ પ્રમાણમાં ઓછી (143 મી.) છે.

નેવાડાનો પર્વતીય ભૂપ્રદેશ

નેવાડાની ભૂમિનું સ્થળદૃશ્ય (topography) અસ્થિર રહેલી અહીંની ભૂસ્તરરચના અને ભૂસ્તરીય ઇતિહાસની યાદ અપાવે છે. દેશનાં જુદાં જુદાં રાજ્યોમાં નોંધાયેલા ભૂકંપો પૈકીના પાંચમા ભાગના ભૂકંપ અહીં થયેલા છે. ઉત્તર તરફના ભાગમાં જોવા મળતા બીઓવેવ ગરમ પાણીના ફુવારા અને રેનો નજીકના સ્ટીમબોટ ગરમ પાણીના ફુવારા (geysers) અહીંની અધોભૂમિમાં પ્રવર્તતી ઉષ્ણતાજન્ય અસરનું પરિણામ છે. નજીકના ભૂસ્તરીય ભૂતકાળમાં (10,000 વર્ષથી 20 લાખ વર્ષ વર્તમાન પૂર્વેના ગાળા દરમિયાન) પ્રવર્તેલા હિમીભવનથી અહીંની 14 પર્વતમાળાઓ હિમાચ્છાદિત બની રહેલી; ‘વ્હીલર પીક’ પર હજી પણ નાનું હિમક્ષેત્ર (icefield) જોવા મળે છે.

નેવાડામાં નાનાંમોટાં 200થી વધુ સરોવરો છે, જે પૈકીનાં ઘણાંખરાં તો નાનાં જળાશય (તળાવો) સ્વરૂપનાં છે. મીડ અને તાહોઈ સરોવરો જ વિશાળ કદનાં છે. આજથી 10,000 વર્ષ અગાઉના પ્લાયસ્ટોસીન કાલખંડ દરમિયાન અહીં આશરે 90 વર્ષાજળસંચિત સરોવરો હતાં, ત્યારે અસ્તિત્વ ધરાવતું મોટામાં મોટું લાહોન્ટન સરોવર લગભગ 22,450 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવતું હતું. તેના અવશેષરૂપ પિરામિડ અને વૉકર સરોવરોની જળસપાટી આ સદી દરમિયાન 25 મીટર જેટલી નીચી ગયેલી છે.

કૉલોરાડો અને ઉટાહ રાજ્યોમાં થઈને નૈર્ઋત્ય તરફ વહેતી કૉલોરાડો નદી અને ઉત્તરના જળવિભાજક(watershed)માંથી વહેતી કોલંબિયા નદીને બાદ કરતાં નેવાડાનો બાકીનો અંતરિયાળ ભૂમિભાગ ‘ગ્રેટ બેસિન’માં આવી જાય છે. 467 કિમી. લાંબી હમ્બોલ્ટ નદી આ રાજ્યની લાંબામાં લાંબી નદી છે. કાર્સન, ટ્રકી અને વૉકર નદીઓ સિએરા નેવાડાના પૂર્વ ઢોળાવો પર વહે છે. નાની નાની કાયમી જળધારક નદીઓ છે ખરી, પરંતુ રાજ્યની બાકીની મોટાભાગની નદીઓ વરસાદની મોસમ સિવાયના ગાળામાં સૂકી રહે છે.

જમીનો : શુષ્ક આબોહવા, ભૂસ્તરરચના અને સીધા ઢોળાવોને કારણે આ આંતરપર્વતીય રાજ્યની જમીનો પહાડી પ્રકારની બની રહેલી છે. તે પાતળા દળવાળી અને ઓછી ફળદ્રૂપ છે. પર્વતોમાંથી સ્થાનાંતર થઈને આવતા ઘસારાજન્ય દ્રવ્યથી તેમના ઢોળાવોની તળેટી પર ઢાળનિક્ષેપ (talus) જોવા મળે છે. નદીપટની આસપાસના કાંપજમાવટથી રચાયેલા ભાગોને બાદ કરતાં ખીણપ્રદેશોની જમીનો પણ શુષ્કતાને કારણે ઓછી ફળદ્રૂપ છે. મોટાભાગની જમીનો ક્ષારતાવાળી છે. ઘણા ખીણપ્રદેશો તો શુષ્ક બની ગયેલા જૂના સરોવરપટ છે, તે પણ ક્ષારવાળા હોવાથી વનસ્પતિ કે ખેતીવિકાસ માટે યોગ્ય નથી.

આબોહવા : નેવાડાનું ભૌગોલિક સ્થાન સિએરા નેવાડાના વર્ષાછાયાના પ્રદેશમાં આવેલું હોવાથી તે દેશભરમાં સૂકું રાજ્ય બની રહેલું છે. પશ્ચિમે આવેલા પર્વતોને લીધે દરિયાઈ પવનો અવરોધાય છે, પરિણામે રાજ્યનું તાપમાન ખંડીય સ્થિતિવાળું બની રહે છે. સ્થળ-દૃશ્ય, શુષ્ક હવા અને નિરભ્ર આકાશને કારણે દૈનિક તાપમાનનો ગાળો, ખાસ કરીને ખીણભાગોમાં, 20° સે. જેટલો થઈ જાય છે. દક્ષિણ નેવાડા ઉપોષ્ણીય રણભાગનો વિસ્તાર હોવાથી ત્યાં જુલાઈનું સરેરાશ તાપમાન 30° સે. અને જાન્યુઆરીનું સરેરાશ તાપમાન 6° સે. રહે છે; 200થી 250 દિવસો માટે, ઝાકળ-મુક્ત મોસમ રહે છે. વાયવ્ય નેવાડા આખું વરસ ઠંડું રહે છે, ત્યાં જુલાઈનું સરેરાશ તાપમાન 22° સે. અને જાન્યુઆરીનું સરેરાશ તાપમાન –1° સે. રહે છે. ઉનાળાની મોસમમાં અહીં વરસાદ લગભગ પડતો જ નથી. મે અને ઑક્ટોબર વચ્ચેના ગાળામાં ક્યારેક ક્યારેક હિમવર્ષા થઈ જાય છે. દક્ષિણ ભાગોમાં સ્થાનભેદે 76 મિમી.થી 737 મિમી. જેટલો વરસાદ પડે છે. સરેરાશ વાર્ષિક વરસાદનું પ્રમાણ માત્ર 229 મિમી. ગણાય છે. મોટાભાગનું જળ પર્વતોમાંથી થતા હિમગલનને કારણે મળતું રહે છે. વર્ષ દરમિયાન 100થી 140 દિવસોનો ગાળો વાવણીને અનુકૂળ બની રહે છે. રાજ્યનો ઈશાની ભાગ વધુ ઠંડો અને વનસ્પતિ ઊગી નીકળવા માટે જરૂરી ભેજવાળો રહે છે. તેની અર્ધશુષ્ક સ્ટેપ પ્રદેશ જેવી આબોહવા ઘાસચારા માટેના જરૂર પૂરતા વનસ્પતિજીવનને નિભાવે છે, ક્યારેક ઝાકળના દિવસો પણ આવી જાય છે.

વનસ્પતિજીવનપ્રાણીજીવન : નેવાડાના રણભાગમાં નાના નાના છોડવા, ઝાંખરાં, ઘાસ અને ક્ષારસહિષ્ણુ વનસ્પતિ ઊગી નીકળે છે. પર્વતોના ઊંચાઈવાળા ભાગોમાં મેહૉગની અને વિવિધ પ્રકારનાં પાઇન વૃક્ષો જોવાં મળે છે. 4,900 વર્ષ જૂનું બ્રિસ્ટલ કોન પાઇન પણ અહીંથી મળી આવેલું છે. અહીંનાં મુલકી પ્રાણીઓમાં હરણ (mule deer), સસલાં (જૅકરૅબિટ), ઉંદરવર્ગનાં પ્રાણીઓ અને જંગલી ઘોડાઓનો સમાવેશ થાય છે. સ્થળાંતર કરતાં પક્ષીઓ પણ અહીં જોવા મળે છે. રણમાં સરીસૃપ વર્ગની 50થી વધુ જાતિઓ વસે છે. જૂજ જોવા મળતી રણ પ્રકારની માછલી (pupfish) કેટલાક ઝરાઓમાં મળે છે.

સંપત્તિ અને આર્થિક પ્રવૃત્તિ : ખુલ્લી જગા એ આ રાજ્યની સંપત્તિ ગણાય છે. મોટાભાગની જાહેર ભૂમિ અવિકસિત પડી રહે છે, 13% ભૂમિભાગ ખાનગી ક્ષેત્રને હસ્તક છે. અવ્યવસ્થિત રીતે વિતરણ પામેલો રાજ્યનો મર્યાદિત જળપુરવઠો (B નદીપ્રવાહોમાંથી અને 2 ભૂગર્ભજળમાંથી) ખેતીને સિંચાઈ રૂપે અપાય છે. સોનું, તાંબું, ચાંદી, લિથિયમ, પારો, ટંગ્સ્ટન, બૅરાઇટ, મૅગ્નેસાઇટ અને ચિરોડી જેવાં ખનિજો આ રાજ્યની મુખ્ય સંપત્તિ છે. ખેતી અને ઉત્પાદનનાં ક્ષેત્રો ગૌણ મહત્ત્વ ધરાવે છે. પશુપાલન એ મુખ્ય પ્રવૃત્તિ છે. ઇલેક્ટ્રૉનિક્સ ઉપકરણો બનાવતો ઉદ્યોગ વિકસ્યો છે.

બીજા વિશ્વયુદ્ધ અગાઉ રાજ્યની આર્થિક સ્થિતિનો આધાર ખાણ-ઉદ્યોગ, રેલસેવા અને પશુપાલન-વાડાઓ પર રહેતો હતો, તેમાં હવે ઘણો ફેરફાર થવા પામ્યો છે. પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને હવે કાયદેસર ચાલતાં જુગારખાનાં – કસીનો, વૈભવી હોટલો-રેસ્ટોરાં અને પ્રવાસનપ્રવૃત્તિને વેગ મળ્યો છે. બરફ પર સરકવાનાં રમતકેન્દ્રો ઊભાં થયાં છે. ઘણા પ્રવાસીઓ અહીંના ભૂતિયા શહેર વર્જિનિયા સિટીની મુલાકાત પણ લે છે. રાજ્યનો મોટાભાગનો સેવાઉદ્યોગ લાસ વેગાસ અને રેનોના મહાનગર-વિસ્તારોમાં કેન્દ્રિત થયો છે. નેવાડામાં અણુશસ્ત્ર-પરીક્ષણ-મથક અને નેલીસ હવાઈ મથક પર ઘણા લોકો સેવામાં રોકાયેલા છે. પશુપાલન, ચરિયાણ, ખાણકાર્ય અને મનોરંજનનાં સ્થળોનો રાજ્યનો 66% વહીવટ યુ.એસ.ના બ્યૂરો ઑવ્ લૅન્ડ મૅનેજમેન્ટ હસ્તક છે. 7% ભૂમિભાગ રાષ્ટ્રીય જંગલવિકાસ માટે રખાયેલો છે. 1% ભૂમિ રાજ્યને હસ્તક છે. બાકીનો ભૂમિભાગ લશ્કરી અનામત જગાઓ માટે, વન્યજીવન માટે, જમીનસુધારણા માટે, ઇન્ડિયનોની ભૂમિ તરીકે તેમજ રાષ્ટ્રીય ઉદ્યાનોના વિકાસ માટે રખાયેલો છે.

ખેતીપશુપાલન : 36,241 ચોકિમી.નો વિસ્તાર આવરી લેતાં આશરે 2,000 જેટલાં ખેતરોમાં મુખ્યત્વે ચરિયાણ માટેના ઘાસ, ઘઉં, બટાકા અને આલ્ફાઆલ્ફા બીજની ખેતી થાય છે. હારમાળાઓના ખુલ્લા ભાગોમાં પશુઓને ચરાવવામાં આવે છે. માંસ અને ડેરીની પેદાશો માટે પશુપાલન કરવામાં આવે છે. તેમાંથી રાજ્યને 15 કરોડ ડૉલરની આવક થાય છે. પ્રત્યેક ચરાવનારને અમુક સંખ્યાનાં ઢોર ચરાવવા માટે કાયદેસર રીતે જગા ફાળવવામાં આવે છે.

ઉદ્યોગો : અહીં ખાણઉદ્યોગ મહત્ત્વનો ઉદ્યોગ છે. નેવાડા દેશભરમાં બૅરાઇટ, મૅગ્નેસાઇટ અને પારાની પેદાશમાં પ્રથમ ક્રમે, ડાયાટોમાઇટ અને લિથિયમમાં બીજા ક્રમે, તાંબામાં છઠ્ઠા ક્રમે અને ચાંદીમાં નવમા ક્રમે આવે છે. અહીં સોનાની ખાણો પણ આવેલી છે. રેતી, ગ્રૅવલ અને ચિરોડી એ અન્ય અગત્યની આર્થિક પેદાશો છે. ઉત્પાદનક્ષેત્રમાં મુખ્યત્વે રસાયણો, પ્રક્રમણ-ખાદ્ય પેદાશો, વિદ્યુતસામગ્રી, યંત્રસમાગ્રી, ધાતુઓની ચીજવસ્તુઓ, પથ્થર, માટી અને કાચની વસ્તુઓનો સમાવેશ થાય છે. મોટાભાગનાં ઉત્પાદક મથકો મુખ્ય શહેરોમાં કેન્દ્રિત થયેલાં છે. હૅન્ડરસન ભારે ઉદ્યોગનું કેન્દ્ર બની રહેલું છે. જુગારની પ્રયુક્તિઓમાં નેવાડા દેશમાં અગ્રસ્થાન ભોગવે છે. પ્રવાસન ઉદ્યોગક્ષેત્રે જુગારખાનાંઓમાંથી રાજ્યને વાર્ષિક લગભગ 2 અબજ ડૉલરની કમાણી થાય છે. મુખ્ય જુગારખાનાં લાસ વેગાસમાં, રેનોમાં અને તાહોઈ નજીક આવેલાં છે. 14 જેટલાં પરગણાંઓમાં કસીનો છે. લગ્ન અને છૂટાછેડા માટેના નેવાડાના ઉદાર ધારાને કારણે બિનનિવાસીઓને અહીં આવવા માટે પ્રોત્સાહન મળી રહે છે. દેશની સરખામણીએ અહીં લગ્ન અને છૂટાછેડાનો દર ઊંચામાં ઊંચો છે. વૈભવી હોટેલો અને કસીનો સહિતની રાત્રિક્લબો અહીંનું મુખ્ય આકર્ષણકેન્દ્ર બની રહેલી છે. આ ઉપરાંત શિકાર, મચ્છીમારી, ઉજાણીસ્થળો, નૌકાવિહાર અને શિયાળાની રમતગમતો માટે પણ નેવાડા જાણીતું બનેલું છે. અહીં વાર્ષિક લગભગ 3 કરોડ પ્રવાસીઓની અવરજવર રહે છે.

દેશમાં વપરાતી વ્યક્તિદીઠ ઊર્જાવપરાશમાં નેવાડાનું સ્થાન આગળ પડતું છે, તેથી ક્લાર્ક કાઉન્ટીના કોલસા-આધારિત વિદ્યુતમથકમાંથી તેમજ હુવર ડૅમના જળવિદ્યુત-મથકમાંથી વીજળી મેળવવામાં આવે છે. અહીંના અધોભૂમિ ઉષ્ણતાસ્રોતમાંથી ઊર્જા ઉત્પન્ન કરવાની યોજના કરવામાં આવી છે.

પરિવહન : દેશના બે મુખ્ય ધોરી-માર્ગો નેવાડાના ઉત્તર અને દક્ષિણ ભાગોમાંથી પસાર થાય છે. નેવાડામાં ઉત્તર રેલમાર્ગ, દક્ષિણ રેલમાર્ગ, યુનિયન રેલમાર્ગ અને પશ્ચિમ પૅસિફિક રેલમાર્ગ આવેલા છે. લાસ વેગાસ અને રેનો હવાઈ સેવાઓનાં મુખ્ય મથકો છે.

વસ્તી : રાજ્યની વસ્તી 31,04,614(2020) જેટલી હતી. વસ્તીની દૃષ્ટિએ આ રાજ્ય દેશમાં 43મા ક્રમે આવે છે, તેમ છતાં તેનો વસ્તીવૃદ્ધિ દર કદાચ વધુ છે, પરંતુ વસ્તીની ગીચતાનું પ્રમાણ નીચું છે : પ્રત્યેક ચોકિમી.દીઠ વસ્તીપ્રમાણ 3 વ્યક્તિનું છે. 82% લોકો દક્ષિણ ભાગમાં આવેલા લાસ વેગાસમાં અને પશ્ચિમમાં આવેલા રેનોમાં રહે છે, અહીંની વસ્તી પચરંગી છે.  રાજ્યના વતનીઓના 55 %થી વધુ લોકો ક્લાર્ક કાઉન્ટીમાં રહે છે. દક્ષિણની પાયુટે (paiute), પશ્ચિમની શોશોને અને વાસોઈ જેવી મૂળ જાતિઓ રાજ્યભરમાં વહેંચાયેલી છે. જાતિવિતરણમાં 88% ગોરા, 6% કાળા અને 2% અમેરિકી ઇન્ડિયનો છે. મોટાભાગના લોકો રોમન કૅથલિક ધર્મ પાળે છે, અન્ય મૉર્મોન્સ છે.

શિક્ષણ : પ્રત્યેક નેવાડન તેની 25 વર્ષની વય પૈકીનાં 12.6 વર્ષ શાળામાં વિતાવે છે. ઉચ્ચ શિક્ષણ માટે લાસ વેગાસ અને રેનોમાં યુનિવર્સિટીની સુવિધા છે, અહીં કૉમ્યુનિટી કૉલેજો અને ખાનગી કૉલેજો છે. આ ઉપરાંત ડેઝર્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, બાસ્ક સ્ટડીઝ પ્રોગ્રામ (ભાષાવિષયક અભ્યાસપ્રવૃત્તિ) અને નેવાડા ઍટમિક ટેસ્ટ સાઇટ અહીં આવેલાં છે.

સંસ્કૃતિ : રાજ્યમાંનાં મુખ્ય સાંસ્કૃતિક સ્થાનોમાં કાર્સન સિટીમાંનું સ્ટેટ-મ્યુઝિયમ, રેનોમાંનું પ્લૅનેટોરિયમ અને ઑટોમોબાઇલ સંગ્રહ, તેમજ કલાકૃતિઓની ગૅલરીઓ છે. ઐતિહાસિક પ્રદર્શનો વર્ષભર ગોઠવાતાં રહે છે. લાસ વેગાસ અને રેનો ઑરકેસ્ટ્રા નિભાવે છે. રેનો તો નેવાડા ઑપેરા ગિલ્ડનું વતન ગણાય છે. એક વખતનાં 100 જેટલાં ખાણો નિભાવતાં ગામો હવે ભૂતિયાં સ્થળો જેવાં થઈ ગયાં છે. તેમની નેવાડાનાં ઐતિહાસિક સ્થાનોમાં ગણતરી થાય છે; વર્જિનિયા સિટી એ પૈકીનું એક છે, રાજ્યના શરૂઆતના વિકાસનું તે કેન્દ્ર હતું. ‘ડેથ વૅલી’ અને ‘લેહમાન કેવ્ઝ’ રાજ્યનાં સ્મારકરૂપ ઉદ્યાનો છે. આ ઉપરાંત ‘લેક મીડ નૅશનલ રિક્રિયેશન એરિયા’ અને અન્ય રાજ્ય-ઉદ્યાનો પણ છે. જારબ્રિજ વિલ્ડરનેસ, રૂબી માઉન્ટન્સ અને વ્હીલર પીક જાણીતાં રમણીય દૃશ્યો પૈકીનાં છે. વન્યજીવનના પ્રદેશમાં પિરામિડ સરોવરમાં પૅલિકન પક્ષીઓ માટે એનાહો આઇલૅન્ડ આશ્રયસ્થાન છે, રૂબી લેક માઇગ્રેટરી ગેઇમ રેફ્યુજ અને ક્લાર્ક કાઉન્ટીમાં ડેઝર્ટ વાઇલ્ડ લાઇફ રેફ્યુજ છે. લાસ વેગાસ, એલી અને એલ્કો નજીક બરફ પર સરકવાના ઢોળાવો છે.

માહિતીપ્રસારણ : લાસ વેગાસ, રેનો, કાર્સન સિટી, એલી, એલ્કો, ફૅલૉનમાંથી રાજ્યનાં દૈનિકપત્રો બહાર પડે છે.

ઇતિહાસ : ઇન્ડિયનો આ વિસ્તારમાં હજારો વર્ષથી રહેતા આવ્યા છે. 19મી સદીની શરૂઆતમાં આ અજાણ્યા વિસ્તારને ખૂંદી વળતા શોધકોને મોહાવે, પાયુટે, શોશોને અને વાસોઈ ઇન્ડિયનોનો સામનો કરવો પડ્યો હતો. મેક્સિકન યુદ્ધ (1846–48) સમાપ્ત થયા પછી યુનાઇટેડ સ્ટેટ્સે 1848માં મેક્સિકો પાસેથી આ પ્રદેશ પ્રાપ્ત કર્યો. 1859માં વર્જિનિયા શહેર પાસે ચાંદીના ભંડારો મળી આવતાં ઘણા વસાહતીઓ અહીં આવીને વસ્યા. તે ‘સેજબ્રશ (sagebrush) સ્ટેટ’ તરીકે પણ જાણીતું છે. 1861માં તે અલગ પ્રદેશ અને 1864માં તે રાજ્ય બન્યું. 1870 અને 1880ના દાયકાઓ દરમિયાન ચાંદીના ભાવ તૂટવા લાગ્યા ત્યારે ઘણા વસાહતીઓ આ પ્રદેશ છોડી ગયેલા. 1950થી યુ.એસ. સરકારે આ પ્રદેશનો ઉપયોગ અણુ-અખતરા કરવા માટે શરૂ કરેલો છે. આ કારણે હવા અને પાણીના પ્રદૂષણનો પ્રશ્ન અહીં ગંભીર બન્યો છે. 1980માં લેક તાહોઈને બચાવવા માટે સંરક્ષક કાયદો પસાર કરવામાં આવ્યો છે.

નવનીત દવે

ગિરીશભાઈ પંડ્યા