નેબ્રાસ્કા : યુનાઇટેડ સ્ટેટ્સના મધ્ય-ઉત્તર ભાગમાં મિસૂરી નદીની પશ્ચિમે આવેલું કૃષિપ્રધાન રાજ્ય. ભૌગોલિક સ્થાન : 40°થી 43´ ઉ. અ. અને 95° 19´થી 104° 03´ પ. રે. વચ્ચે તે આવેલું છે. સિંચાઈ સુવિધા ધરાવતા આ રાજ્યનો મુખ્ય પાક મકાઈ (corn) હોવાથી તેનું લાડનું નામ ‘કૉર્નહસ્કર સ્ટેટ’ પડેલું છે. ‘નેબ્રાસ્કા’ નામ ઓટો (oto) ઇન્ડિયન શબ્દ ‘નેબ્રાથકા’ પરથી ઊતરી આવ્યો છે. તેની ઉત્તરમાં દક્ષિણ ડાકોટા, પૂર્વમાં આયોવા અને મિસૂરી, દક્ષિણે કૅન્સાસ અને કૉલોરેડો તથા પશ્ચિમે કૉલોરેડો અને વ્યૉમિંગ રાજ્યો આવેલાં છે. આ રાજ્યનો કુલ ભૂમિવિસ્તાર 2,00,520 ચોકિમી. જેટલો છે; જેમાં 1,841 ચોકિમી. જળભાગનો સમાવેશ થઈ જાય છે. વિસ્તારની દૃષ્ટિએ યુ.એસ.નાં રાજ્યો પૈકી તે 15મા ક્રમે આવે છે. તેનું ઉત્તર-દક્ષિણ મહત્તમ અંતર 330 કિમી. અને પૂર્વ-પશ્ચિમ મહત્તમ અંતર 668 કિમી. છે.

નેબ્રાસ્કા

ભૂપૃષ્ઠ : પૂર્વ-પશ્ચિમ વિસ્તરેલા ઓછીવત્તી ઊંચાઈ ધરાવતા ઉચ્ચપ્રદેશોને લીધે આ રાજ્યનું ભૂપૃષ્ઠ અસમતલ બની રહેલું છે. રાજ્યના અગ્નિકોણમાં આવેલો મિસૂરી નદીનો ખીણનો પ્રદેશ 256 મીટરની ઊંચાઈ ધરાવતો નીચામાં નીચો ભાગ છે, જ્યારે પશ્ચિમી સરહદના કિમ્બૉલ પરગણા પ્રદેશની વધુમાં વધુ ઊંચાઈ 1,653 મીટરની છે. સરેરાશ પ્રાદેશિક ઊંચાઈ 790 મીટરની છે. આમ રાજ્યના ભૂપૃષ્ઠનો સામાન્ય ઢોળાવ પૂર્વીય જળપરિવાહવાળો છે. નેબ્રાસ્કાના ભૂમિવિસ્તારને બે મુખ્ય પ્રાદેશિક વિભાગોમાં અલગ પાડી શકાય છે. આશરે 40% જેટલો પૂર્વીય વિભાગ ટિલ રચિત ફળદ્રૂપ મેદાનોથી અને પશ્ચિમતરફી બાકીનો બધો વિભાગ ‘ગ્રેટ પ્લેઇન્સ’ નામથી ઓળખાતાં વિશાળ મેદાનોથી બનેલો છે. તેના મધ્ય ભાગમાં રેતીની ટેકરીઓ આવેલી છે. રાજ્યમાં બીવર, કાર્ટર, બિગ આલ્કલી, ક્રિસ્ટલ, ડિડ્ઝ, મેડિસિન, પેલિકન, સ્વાન, ટ્રાઉટ અને વ્હિટની મુખ્ય સરોવરો; બ્રાન્ચ્ડ ઓક, ઍન્ડર્સ, મેક્કોનોધી, મેરિટ, શેરમાન, સુધરલૅન્ડ, સ્વાન્સન મુખ્ય જળાશયો તેમજ બિગ બ્લૂ, એલ્કહૉર્ન, લૂપ, મિસૂરી, નિયોબ્રારા, પ્લેટ, નૉર્થ પ્લેટ, સાઉથ પ્લેટ અને રિપબ્લિકન એ મુખ્ય નદીઓ છે.

આબોહવા : નેબ્રાસ્કા વર્ષોવર્ષ વિવિધતા ધરાવતી આબોહવાનો પ્રદેશ ગણાય છે, તેમ છતાં અહીં ઉનાળા ગરમ, શિયાળા ઠંડા રહે છે તથા પ્રમાણમાં ઓછો ભેજ અને ઓછો વરસાદ પડે છે. મુખ્ય શહેર ઓમાહાના સંદર્ભમાં જુલાઈ અને જાન્યુઆરીનું સરેરાશ તાપમાન અનુક્રમે 24°થી 25° સે. અને 5° સે. રહે છે. સ્થાનભેદે ઈશાની ભાગોમાં તાપમાન ઓછામાં ઓછું, જ્યારે અગ્નિ અને મધ્ય-દક્ષિણ ભાગોમાં વધુ તાપમાન રહે છે. વધુમાં વધુ અને ઓછામાં ઓછું નોંધાયેલું વિક્રમ તાપમાન અનુક્રમે 48° સે. અને 44° સે. થયેલું છે. ઓમાહાનું સરેરાશ વર્ષાપ્રમાણ 760 મિમી. અને હિમવર્ષા 810 મિમી. રહે છે; તેમ છતાં અગ્નિ ભાગમાં 787 મિમી., મધ્યભાગમાં 584 મિમી. અને પૅનહૅન્ડલમાં 432 મિમી. વરસાદ પડે છે. કુલ વરસાદનો 77% ભાગ એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન, જે પૈકીનો 45% વરસાદ મે થી જૂનમાં પડી જાય છે.

સંપત્તિ : નેબ્રાસ્કાની મુખ્ય સંપત્તિ તેનું વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ થઈ શકતું ભૂગર્ભજળ છે, જે ખેતીના ઉપયોગમાં લેવા માટે મેળવવામાં આવે છે. આ ભૂગર્ભજળ પશ્ચિમ તરફના ઉચ્ચપ્રદેશોમાં શોષાઈને ખડકતસ્તરોમાં જળવાયેલું રહે છે. આ જળને આરક્ષિત રાખવાની યોજના કરવામાં આવી છે. 1981માં નેબ્રાસ્કા અને બાજુનાં બે રાજ્યોએ ભેગાં મળીને જળનીતિનો કાયદો પસાર કર્યો છે.

ખેતી અને પશુપાલન : નેબ્રાસ્કાના મોટાભાગના પ્રદેશોમાં વિશાળ ખેતરો (farms) અને પશુપાલન માટેના વાડાઓ આવેલા છે. યુનાઇટેડ સ્ટેટ્સના અન્ય કોઈ પણ રાજ્ય કરતાં અહીંની ભૂમિનો 95 % ભાગ ખેતરો અને વાડાઓથી આવરી લેવાયેલો છે. મકાઈ અહીંની મુખ્ય પેદાશ છે. આ ઉપરાંત ઘઉં, સોયાબીન અને ઘાસનું પણ ઉત્પાદન લેવાય છે. પશુપાલનમાં ઢોર અને ડુક્કરનો ઉછેર કરવામાં આવે છે. ઢોરનું માંસ પશુપાલનમાંથી મેળવાતી મુખ્ય આડપેદાશ છે.

વનસ્પતિપ્રાણીજીવન : રાજ્યના પૂર્વ ભાગમાં પ્રેરીનું ઊંચું ઘાસ જ્યારે પશ્ચિમ ભાગમાં દુકાળનો પ્રતિકાર કરી શકે એવું ટૂંકું ઘાસ થાય છે. જ્યાં નદીઓ અને પાણીની વિપુલતા છે ત્યાં ખરાઉ પ્રકારનાં પહોળાં પાનવાળાં વૃક્ષો થાય છે. ઉંદરો, હરણ અને સાબર ઉપરાંત ક્વેલ અને ગ્રાઉસ પક્ષીઓ અહીંનાં મુખ્ય પ્રાણીઓ છે, તેમની સંખ્યા ઘટતી ગઈ હોવાથી રાજ્ય તરફથી તેમના આરક્ષણ માટે જરૂરી ઉપાયો યોજવામાં આવેલા છે.

ઉદ્યોગો અને આર્થિક પ્રવૃત્તિ : ખેતી ઉપરાંત સેવા-ઉદ્યોગ પણ અહીં સારા પ્રમાણમાં વિકસ્યો છે. રાજ્યના પોણા ભાગના કામદારોને તે રોટીરોજી પૂરી પાડે છે. મોટાભાગના કામદારો જથ્થાબંધ કે છૂટક વેપારમાં સેવા આપે છે. ખાદ્યપ્રક્રમણ ઉદ્યોગ નોંધપાત્ર રીતે વિકસ્યો છે. માંસને સીલબંધ ડબ્બાઓમાં ભરવાનાં કારખાનાંઓ તેમજ યંત્રસામગ્રી-ઉત્પાદન એ બીજા ક્રમે આવતા ઉદ્યોગો છે. આ ઉપરાંત ઓમાહા વીમા-ઉદ્યોગ જેવી નાણાકીય પ્રવૃત્તિઓ માટેનું રાષ્ટ્રીય કેન્દ્ર બની રહેલું છે.

રાજ્યનો લગભગ 97% ભૂમિવિસ્તાર (1,94,200 ચોકિમી.) ખેતી હેઠળ છે. નેબ્રાસ્કા કૃષિપ્રધાન રાજ્ય છે અને ખેતી રાજ્યની આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રસ્થાને છે. સિંચાઈ હેઠળના ભૂમિવિસ્તારની દૃષ્ટિએ આ રાજ્ય દેશભરમાં ત્રીજા ક્રમે આવે છે. સિંચાઈની સુવિધાને કારણે જ મકાઈનું વધુ ઉત્પાદન લેવાય છે. ઢોરોના વેચાણમાંથી આ રાજ્યને સારી કમાણી થયેલી. ઘઉં, ઘાસ અને જુવાર પણ ઊપજ આપતી અન્ય પેદાશો છે. માંસ, અનાજ અને ડેરીની પેદાશો રાજ્યની કુલ આવકનો ત્રીજો હિસ્સો કમાવી આપે છે. ઉદ્યોગક્ષેત્રે પણ અહીં વિવિધતા જોવા મળે છે, ખાસ કરીને વીજળીનાં ઉપકરણો, પરિવહન-સાધનો, ખેતીનાં ઓજારો અને અન્ય યાંત્રિક સામગ્રી તેમજ રસાયણો તેમાં મહત્વનો ભાગ ભજવે છે.

ખાણઉદ્યોગઊર્જા : 1939માં અહીં ખનિજતેલ શોધી કાઢવામાં આવેલું. રાજ્યના નૈર્ઋત્ય ભાગમાંથી વાર્ષિક આશરે 60 લાખ બૅરલ ખનિજતેલનું અને 7 કરોડ ઘનમીટર કુદરતી વાયુનું ઉત્પાદન થાય છે. આ ઉપરાંત રેતી, ગ્રૅવલ અને જરૂરી પથ્થરોનું ખાણકાર્ય થાય છે. રાજ્યની વિદ્યુત-ઊર્જાની ઉત્પાદનક્ષમતા આશરે 15 અબજ કિલોવૉટ જેટલી છે. વીજળીનું સરેરાશ ઉત્પાદનખર્ચ પણ ઓછું આવે છે.

પરિવહનપ્રવાસન : આ રાજ્ય યુ.એસ.માં મધ્યસ્થાને આવેલું હોવાથી માર્ગ-ગૂંથણીથી સંકળાયેલું છે. ઓમાહા રેલવેનું મુખ્ય મથક છે. 15 જેટલા મુખ્ય રેલમાર્ગો છે. લગભગ 8 હવાઈ માર્ગોથી તે સંકળાયેલું છે. આ બધા માર્ગોથી પ્રવાસન-ઉદ્યોગને ઘણી અનુકૂળતા મળી રહે છે. દેશનાં પૂર્વ–પશ્ચિમ શહેરોમાં જતાઆવતા પ્રવાસીઓ આ રાજ્યનાં શહેરોની અચૂક મુલાકાત લે છે.

માહિતીપ્રસારણમનોરંજન : આ રાજ્યમાંથી  દૈનિક પત્રો અને  સાપ્તાહિકો બહાર પડે છે.  રેડિયો મથકો અને દૂરદર્શન-કેન્દ્રો અહીં આવેલાં છે. રાજ્ય નીઓબ્રારા, પોંકા અને ચેડ્રૉન ખાતે ઉદ્યાનો અને 50 જેટલાં સરોવરો ખાતે મનોરંજન-મથકો નિભાવે છે. લિંકન ખાતેની નેબ્રાસ્કા યુનિવર્સિટી રાજ્યનું ગૌરવ જાળવી રાખવા રમતગમતને પ્રોત્સાહન આપે છે. ઘણાં નગરો અને વિસ્તારોમાં મેળાઓનું આયોજન કરવામાં આવે છે.

વસ્તી : નેબ્રાસ્કાની વસ્તી 19,61,504 (2020). વસ્તીની દૃષ્ટિએ યુ.એસ.માં આ રાજ્યનો 35મો ક્રમ આવે છે. વસ્તીની ગીચતા પ્રતિ ચોકિમી. માત્ર 8 વ્યક્તિની છે. શહેરી વસ્તીનું પ્રમાણ 44.1% અને ગ્રામીણ વસ્તીનું પ્રમાણ 55.9% જેટલું છે. મોટામાં મોટું શહેર ઓમાહા છે, તે રાજ્યની પૂર્વ સરહદે આવેલું છે અને વીમા-ઉદ્યોગનું મહત્વનું કેન્દ્ર છે. ઓમાહાથી નૈર્ઋત્યમાં આવેલું લિંકન રાજ્યનું પાટનગર છે. નેબ્રાસ્કા સિટી અને સૂ (Siox) સિટી (આયોવાની સરહદે) એ બે અન્ય નગરો છે. રાજ્ય કુલ 93 પરગણાંઓમાં વહેંચાયેલું છે. ધારાકીય રીતે તે દેશનું 37મું રાજ્ય છે. રાજ્યમાં મૂળ યુરોપથી આવેલી પ્રજાની વસ્તી વધુ છે.  આ રાજ્યમાં મોટાભાગની વસ્તી રોમન કૅથલિક ધર્મ પાળે છે, બાકીના મેથડિસ્ટ અને લ્યૂથેરિન પંથના છે.

શિક્ષણ : 1891થી અહીં શિક્ષણને ફરજિયાત બનાવાયેલું છે. ઉચ્ચશિક્ષણ રાજ્યહસ્તક છે, તેમ છતાં ઘણી જાહેર અને ખાનગી ક્ષેત્રની કૉલેજો પણ છે. ઉચ્ચશિક્ષણ આપતી 30 જેટલી સંસ્થાઓ છે. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પણ જાહેર અને ખાનગી ક્ષેત્ર હેઠળ છે.

સંસ્કૃતિ : ઓમાહા, લિંકન અને મિન્ડેનમાં સંગ્રહાલયો તેમજ કલાકેન્દ્રો આવેલાં છે. રાજ્ય તરફથી કલા અને સંગીતરસિકોને પ્રોત્સાહન મળે છે. ઓમાહામાં ઘણાં થિયેટરો પણ છે. લિંકનમાં નેબ્રાસ્કા યુનિવર્સિટી ખાતે રાજ્યનું મોટું પુસ્તકાલય છે. ઓમાહામાં પણ જાહેર પુસ્તકાલય છે. જાહેર અને ખાનગી ક્ષેત્રો દ્વારા દૂરદર્શન મારફતે શિક્ષણનો પ્રસાર કરવામાં આવે છે.

ઐતિહાસિક સ્થાનો : નેબ્રાસ્કામાં સર્વપ્રથમ ખેતર માટે દાવો કરવામાં આવેલો તેની યાદ રૂપે લિંકનની દક્ષિણે આશરે 65 કિમી. અંતરે ‘હોમસ્ટેડ નૅશનલ મૉન્યુમેન્ટ’ આવેલું છે. ઓવરલૅન્ડ ટ્રેઈલ પર ‘ચિમની રૉક નૅશનલ હિસ્ટૉરિક સાઇટ’ અને ‘સ્કૉટ્સ બ્લફ નૅશનલ મૉન્યુમેન્ટ’ બીજાં મહત્વનાં સ્મારકો છે. અહીંના મૂળ વતનીઓ સાથેના સંઘર્ષો દરમિયાન જ્યાં સૂ લશ્કરી વડો ક્રેઝી હૉર્સ મરાયેલો તે સ્થળની યાદ રૂપે ‘ફૉર્ટ રૉબિન્સન સ્ટેટ હિસ્ટૉરિકલ પાર્ક’ તૈયાર કરવામાં આવેલો છે.

48 કિમી. દૂરથી દેખાતો પશ્ચિમ નેબ્રાસ્કામાં આવેલો 152 મી. ઊંચો ‘ચિમની રૉક’

ઇતિહાસ : પુરાતત્વીય ખોજ અભિયાનો અને ઉત્ખનનકાર્યો દર્શાવે છે કે ઈ. સ. પૂ. 9000 વર્ષના અરસામાં અહીં પ્રાગ્-ઐતિહાસિક (આદિ) માનવો વસતા હતા. પૉવની (ઇન્ડિયન) જાતિ અહીં આવીને વસનાર પ્રથમ હતી. યુરોપીય ખોજકો દ્વારા મળતી માહિતી મુજબ અહીં ઓમાહા, ઓટો, આરાપાહો, ચેયન્ની અને સૂ જાતિસમૂહો વસતા હતા. ખેતીના કામ માટે અહીં ઢોરોનો ઉપયોગ થતો હતો. યુરોપિયનો અહીં આવીને વસ્યા તે અગાઉ સ્પૅનિશ લોકો ખેતી માટે ઘોડાઓ લઈ આવ્યા, ત્યારપછી ઢોરોનો શિકાર કરીને માંસ મેળવવા તેમનો ઉપયોગ તેમજ વ્યવસાય શરૂ થતો ગયો. ત્યારે અહીંના ઇન્ડિયનોની વસ્તી આશરે 40,000 જેટલી હતી.

યુરોપિયન વસાહતીઓએ સ્થાનિક ઇન્ડિયન પ્રજાને ખસેડી અહીં વસવાટ શરૂ કરેલો. 1682માં ફ્રાન્સે નેબ્રાસ્કાના વિશાળ પ્રદેશ તેમજ ખેતરો પર પોતાનો દાવો નોંધાવ્યો. 1801માં નેપોલિયને ફ્રાન્સ માટે આ બધો ભાગ ખરીદી લીધેલો, પરંતુ 1803માં અમેરિકાએ ફ્રાન્સ પાસેથી આ વિસ્તાર ખરીદી લીધો. 1804ના ઑક્ટોબરની પહેલી તારીખથી 1805ના જુલાઈની 4 તારીખ સુધી નેબ્રાસ્કા ઇન્ડિયાના રાજ્યનો પ્રદેશ ગણાતું હતું. ત્યારપછી 1812ના ડિસેમ્બરની 7મી સુધી તે લ્યુઈઝિયાનાનો પ્રદેશ બનેલું, તે પછી 1821 સુધી તે મિસૂરીનો પ્રદેશ બનેલું. 1843ના જૂનની 30મી તારીખે યુ.એસ. કૉંગ્રેસે ઇન્ડિયન પ્રદેશની સરહદો નક્કી કરી. કૅન્સાસ-નેબ્રાસ્કાની સરહદોનો પ્રથમ ખરડો 1854માં પસાર કરવામાં આવ્યો અને 1855માં આ પ્રદેશને ધારાકીય સ્વરૂપ મળ્યું. 1867માં નેબ્રાસ્કાને અલગ રાજ્યનો દરજ્જો મળ્યો અને તે યુ.એસ.નું 37મું રાજ્ય બન્યું. આ કારણે 1870માં તેની વસ્તી વધીને 1,22,993 ની થઈ ગઈ. 1930 સુધીમાં અહીં ખેતી સમૃદ્ધ થઈ. તે પછી બીજા વિશ્વયુદ્ધની અસર થયેલી, પરંતુ પછીથી આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળ્યો. સિંચાઈની સુવિધા મળતાં ખેતીને પ્રોત્સાહન મળ્યું. 1980ની રાષ્ટ્રીય કટોકટી દરમિયાન નેબ્રાસ્કાનાં ઘણાં વિશાળ ખેતરો ધરાવનાર ખેતીના વ્યવસાયમાંથી બહાર ફેંકાઈ ગયેલા. તેમ છતાં 1990 સુધીમાં નેબ્રાસ્કા ફરીથી સમૃદ્ધ થયું. છેલ્લે છેલ્લે રાજ્યનો અનેકવિધ થયેલો વિકાસ પૂરનિયંત્રણ, જળમાર્ગવ્યવહાર, સિંચાઈ, જળવિદ્યુતઊર્જા અને જમીન-આરક્ષણ માટેના વ્યવસ્થિત આયોજનને ફાળે જાય છે.

નવનીત દવે

ગિરીશભાઈ પંડ્યા