નેપિયર ઘાસ : એકદળી વર્ગમાં આવેલ પોએસી કુળનું તૃણ. તેનું વૈજ્ઞાનિક નામ Pennisetum purpureum Schum. (નેપિયર ઘાસ, હાથીઘાસ) છે. તે બહુવર્ષાયુ (perennial) છે. અને તેનાં થુંબડાં ઝુંડ (clumps) મોટાં 1.0 મી. વ્યાસનાં થાય છે. વળી તેનાં મૂળિયાં ઊંડે સુધી પ્રસરે છે. તેનો સાંઠો(culm) 2થી 4 મી. લાંબો અને 1.2થી 2.5 સેમી. વ્યાસની જાડાઈવાળો, પાતળા વાંસ જેવો હોય છે. તેનાં પર્ણો આછી લીલાશવાળાં યા જાંબલી ઝાંયવાળાં હોય છે.
આ ઘાસનું ઉત્પત્તિસ્થાન આફ્રિકા ખંડના ઉષ્ણકટિબંધ પ્રદેશમાં છે, જ્યાંથી ભારતમાં લગભગ 1912થી ’15ના ગાળામાં લાવવામાં આવ્યું જણાય છે. હવે તેનો ખાસ કરીને ચારા માટે દેશભરમાં ઠેર-ઠેર ઉછેર કરવામાં આવે છે. મુખ્યત્વે મોટા પશુવાડાઓ, ગટરના પાણી પર નિર્ભર ઘાસિયાં ખેતરો તેમ જ લશ્કરી ફાર્મોમાં આ ઘાસનું સારું એવું ઉત્પાદન લેવામાં આવે છે. મૈસૂર ખાતે નેપિયરની પાતળી જાત વિકસાવાઈ છે જે જલતાણ સામે સારી ટક્કર ઝીલી શકે છે, અને તેથી અર્ધશુષ્કતાવાળા પ્રદેશો માટે આ જાતની ભલામણ કરવામાં આવતી હોય છે. આ જાત ‘થિન નેપિયર’ તરીકે પ્રચલિત છે.
નેપિયર ઘાસનું તેના પિતરાઈ P. typhoides (Burm. f) Stapf & Hubb. (બાજરી) સાથે સંકરણ કરીને વિકસાવવામાં આવેલ જાત ‘પુસા જાયન્ટ નેપિયર-એનબી-21’ તરીકે ઓળખાય છે. તે ચારા માટે બહોળા પ્રમાણમાં ઉછેરવામાં આવે છે. તેમાંથી મળતો ચારો નેપિયર ઘાસના ચારા કરતાં વધારે પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને કુમળો હોય છે. વળી તેને નત્રલ ખાતર વધારે માફક આવે છે અને તેનો ઉતાર પણ નેપિયર ઘાસ કરતાં લગભગ બમણો મળે છે. આ ઘાસની એફબી-4 ગજરાજ અને એનબી-5 કોઈમ્બતુર જેવી અન્ય જાતો પણ વખણાય છે.
નેપિયરમાં બીજ સરળતાથી આવે છે, પરંતુ તે જલદીથી ખરી જતાં હોઈ તેનો સંચય કઠિન રહે છે. આને લીધે આ ઘાસની કાતળીઓને જ શેરડીની જેમ જ રોપીને તેનો પ્રસાર-ઉછેર કરવામાં આવે છે અથવા તો મૂળ સહિતના છોડના મૂળમાંથી જ ત્રણ-ચાર ભાગ પાડી તેની વાવણી કરવામાં આવે છે. એક હેક્ટરમાં 12,500થી 17,500 જેટલી કાતળીનું વાવેતર કરવામાં આવે છે. આ ઘાસનો ઉતારો સારો હોઈ તેને ખાતર આપવાથી ઝડપી અસર બતાવે છે. એક વાર નેપિયર ઘાસ જામી જાય પછી તે વર્ષો સુધી ચારો આપી શકે છે, પરંતુ તેનો ઉતારો વરસોવરસ ઘટતો જતો હોઈ દર 5થી 6 વર્ષ પછી તેનું ફરીથી વાવેતર કરવાનું હિતાવહ ગણાય છે. પ્રથમ કાપણી વાવેતર બાદ ત્રણેક માસ પછીથી કરવામાં આવે છે અને પછી દર 6થી 8 સપ્તાહને અંતરે કાપણી કરી શકાય છે. વર્ષમાં 4થી 6 કાપણી કરીએ અને ગટરનું પાણી આપીએ તો વર્ષે 50થી 60 મે. ટન જેટલો ઉતારો પ્રતિ હેક્ટરે મળી રહે છે.
નેપિયરના રોગો : નેપિયરમાં ફૂગ, જીવાણુ, વિષાણુ અને કૃમિ દ્વારા રોગો પેદા થાય છે. રોગ થવાને લીધે ઉત્પાદન અને ચારાની પૌષ્ટિક ગુણવત્તા ઘટે છે.
નેપિયરના રોગો : (1) ગેરુ : આ રોગ પક્સીનિયા પ્રજાતિની ફૂગોથી થાય છે. તેની અસર હેઠળ પાન ઉપર ફોલ્લીઓ થાય છે. (2) પાનનાં ટપકાં અને ઝાળ રોગ : હેલમીનથોસ્પોરિયમ પ્રજાતિની ફૂગથી થાય છે. ફૂગનું આક્રમણ થવાથી પાન ઉપર ઘેરાં લાલ કે ભૂરાં ટપકાં કરે છે. (3) સર્કોસ્પોરાનાં ટપકાં : આ રોગ સર્કોસ્પોરા પ્રજાતિની ફૂગથી થાય છે. આ ટપકાંનો દેખાવ આંખના જેવો હોવાથી તેને આંખનાં ટપકાંના નામે પણ ઓળખવામાં આવે છે. (4) ફ્યુઝેરિયમના સુકારાના ચેપને લીધે ગોળ કૂંડાળાના સ્વરૂપે વધતો હોવાથી કૂંડાળાના સુકારા તરીકે પણ ઓળખાય છે. ફૂગનું આક્રમણ થતાં યજમાનનાં જમીનની અંદરનાં અને બહારનાં જડિયાં સડી જાય છે અને છોડ સુકાઈ જાય છે. આ ફૂગ જમીનજન્ય છે.
રાસાયણિક બંધારણ : નેપિયર ઘાસના લીલા ચારાનું, સાઇલેજ અને સૂકા ઘાસનું રાસાયણિક બંધારણ સારણી-1માં આપવામાં આવ્યું છે.
સારણી–1 : નેપિયર ઘાસના લીલા ચારાનું, સાઇલેજ અને સૂકા ઘાસનું રાસાયણિક બંધારણ ટકાવારીમાં
શુષ્ક | પ્રોટીન દ્રવ્ય | લિપિડ | N- મુક્ત | રેસો નિષ્કર્ષ | ખનિજદ્રવ્ય | કૅલ્શિયમ | ફૉસ્ફરસ | |
લીલો ચારો | 22.2 | 1.0 | 0.5 | 10.2 | 7.4 | 3.1 | 0.12 | 0.07 |
સાઇલેજ | – | 5.8 | 4.9 | 45.9 | 27.5 | 15.9 | – | – |
સૂકું ઘાસ | 89.1 | 8.2 | 1.8 | 34.6 | 34.0 | 10.5 | – | – |
લીલા ચારામાં રહેલા વિવિધ ખનિજ ઘટકો આ પ્રમાણે છે : કૅલ્શિયમ 0.12 %; ફૉસ્ફરસ 0.07 %; પોટૅશિયમ 0.80 %; સોડિયમ 0.10 %; મૅગ્નેશિયમ 0.06 %; લોહ 0.021 %; સલ્ફર 0.03 % અને સિલિકોન 0.57 %. તે કૅરોટિન (182–221 માઇક્રોગ્રા./ગ્રા.) અને ટોકોફેરૉલ(195–260 માઇક્રોગ્રા./ગ્રા.)નો સારો સ્રોત છે.
આ ઘાસની ‘પડવાશ જાળવણી’ (silage) પણ સારી રીતે કરી શકાય છે. તેની સુકવણી કરી સૂકા ચારા તરીકે વાપરવાનું હિતાવહ નથી. તેનો કુમળો ચારો લીલી જુવાર, ગિની ઘાસ, લીલી મકાઈ વગેરે જેટલો સ્વાદિષ્ટ હોતો નથી અને પરિપક્વ ઘાસ રેસાયુક્ત થવા ઉપરાંત તેનો સ્વાદ પણ ગુમાવી દે છે. આ ઘાસની પુખ્ત સળીઓ વાડ, ઝૂંપડાની દીવાલો વગેરે માટે ઉપયોગી બને છે. વળી તેમાંથી કાગળ માટેનો માવો પણ બની શકે છે. તેના રેસાની લંબાઈ લગભગ વાંસના માવાના રેસા જેટલી જ થવા જાય છે અને તેમાંથી સારા રંગનો, લખવા તેમ જ છાપવા માટેનો મજબૂત કાગળ પણ બની શકે છે.
મૃગેન્દ્ર વૈષ્ણવ
હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ