નૅશનલ હેરલ્ડ : ભારતનાં પ્રમુખ અંગ્રેજી દૈનિક પત્રોમાંનું એક. 1938માં પંડિત જવાહરલાલ નહેરુએ લખનૌમાં તેની શરૂઆત કરી. લખનૌ પછી દિલ્હીમાંથી પણ તે પ્રગટ કરાયું. દેશના સ્વાતંત્ર્યસંગ્રામ સાથે સંકળાયેલાં વર્તમાનપત્રોમાં ‘નૅશનલ હેરલ્ડ’નું સ્થાન પણ મહત્ત્વનું હતું. 1939માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું તે પછી તે વખતના સંયુક્ત પ્રાંતની સરકારે અખબારો સામે સખ્તાઈભર્યું વલણ અપનાવ્યું. 1940ના ઑગસ્ટમાં સરકારે આદેશ બહાર પાડી યુદ્ધના સમાચારો અંગેનાં તમામ પોસ્ટરો અને મથાળાં (head lines) પ્રગટ કરતાં પહેલાં માહિતી-સચિવને સુપરત કરવાનું ફરજિયાત બનાવ્યું. ‘નૅશનલ હેરલ્ડે’ આ આદેશનું પાલન થઈ શકે તેમ નથી એમ જણાવ્યું, પણ સરકારે આગ્રહ રાખ્યો. આથી ‘નૅશનલ હેરલ્ડે’ યુદ્ધના સમાચારો શીર્ષક વિના પ્રગટ કરવાનું શરૂ કર્યું. સરકારે તંત્રીલેખો પર પ્રી-સેન્સરશિપ લાદી ત્યારે આ અખબાર તંત્રીલેખ વિના પ્રગટ થતું હતું. આમ છતાં, સંયુક્ત પ્રાંતની સરકારે અખબારની હજારો રૂપિયાની જામીનગીરી જપ્ત કરી. નહેરુની અપીલના જવાબમાં લોકોએ અખબાર પર નાણાંનો ધોધ વરસાવ્યો. 1941ના વ્યક્તિગત સવિનય કાનૂનભંગ આંદોલન વખતે લખનૌ જેલમાં લાઠીચાર્જ થયેલો તેના સમાચાર પ્રગટ કરવા બદલ તંત્રીને 6 માસની જેલની સજા કરાઈ. ’42ની ‘હિંદ છોડો’ ચળવળ દરમિયાન ‘નૅશનલ હેરલ્ડ’નું પ્રેસ જપ્ત કરાયું. તેથી તેનું પ્રકાશન બંધ થઈ ગયું. 1946માં તે ફરી શરૂ કરાયું.
જવાહરલાલ તેમાં ક્યારેક નામ સાથે તો ક્યારેક ઉપનામ સાથે લખતા હતા. કે. રામારાવ અને ચેલાપતિ રાવ જેવા બે મહાન તંત્રીઓ આ પત્ર સાથે વરસો સુધી સંકળાયેલા રહ્યા હતા.
સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછીનાં વર્ષોમાં ‘નૅશનલ હેરલ્ડ’નાં લોકપ્રિયતા તથા વેચાણમાં ઓટ આવી. ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીએ અખબારને પગભર બનાવવા શક્ય તમામ સહાય કરેલી. ખુશવંતસિંહ તંત્રી તરીકે થોડોક વખત રહ્યા, પણ ‘નૅશનલ હેરલ્ડ’ આર્થિક સંકટમાંથી બહાર આવી શક્યું નહિ. અત્યારે ‘નૅશનલ હેરલ્ડ’ ઍસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડ દ્વારા પ્રગટ થાય છે.
મહેશ ઠાકર