નૅશનલ મ્યુઝિયમ, નવી દિલ્હી : ભારતની રાજધાની નવી દિલ્હી ખાતેનું રાષ્ટ્રીય કલા-સંગ્રહાલય. 1912માં હિન્દુસ્તાનનું પાટનગર કૉલકાતા દિલ્હી ખસેડાયું ત્યારે જ દિલ્હીમાં સમસ્ત રાષ્ટ્રના પ્રતિનિધિત્વ ધરાવતા મ્યુઝિયમની જરૂર વરતાતી હતી; પણ આ અંગે સરકાર 1945થી સક્રિય બની અને નૅશનલ મ્યુઝિયમ અસ્તિત્વમાં આવ્યું 1949માં. આ મ્યુઝિયમ ભારત સરકારના શિક્ષણ અને સાંસ્કૃતિક મંત્રાલયના ઉપક્રમે ચાલે છે. એમાં મુખ્ય વિભાગો કલા, પુરાતત્વ અને માનવવિદ્યાના છે.
પુરાતત્વવિભાગમાં ઐતિહાસિક અને પ્રાગૈતિહાસિક પુરાવસ્તુ તથા સિક્કા અને અભિલેખોના પેટાવિભાગ છે. નૅશનલ મ્યુઝિયમનો પ્રારંભ રાષ્ટ્રપતિભવનના દરબાર હૉલ અને ખંડોમાં થયો હતો, પછી એનું પોતાનું મકાન બંધાયું.
આ મ્યુઝિયમ માટે શરૂઆતમાં દેશભરના જુદા જુદા ભાગોમાંથી ભેટ, લોન અને ખરીદી દ્વારા પ્રાચીન વસ્તુઓ અને કલાકૃતિઓ એકત્ર કરવામાં આવેલી. પ્રવેશદ્વાર આગળના આંગણમાં અશોકના જૂનાગઢ ખાતેના શૈલલેખોની પ્રતિકૃતિ ગોઠવી છે. શિલ્પકૃતિઓને શુંગ, મૌર્ય, ગાંધાર, ગુપ્ત, પાલ, ચાલુક્ય, હોયસાલ, ચૌલ વગેરે વિભાગોમાં વર્ગીકૃત કરેલી છે. માટીની પક્વ શિલ્પકૃતિઓ તથા ધાતુપ્રતિમાઓનો સંગ્રહ દર્શનીય છે. ચિત્રોના સંગ્રહમાં ગુજરાતી, મુઘલ, નેપાળી, રાજસ્થાની તથા પહાડી શૈલીની વિવિધ કલમોના સંખ્યાબંધ નમૂના નજરે પડે છે. પ્રાચીન ભીંતચિત્રોની નકલો અને મુઘલ કલાનાં ચિત્રો પણ છે. સર ઑરેલ સ્ટાઇને સ્થળતપાસોમાં પ્રાપ્ત કરેલ મધ્ય એશિયાઈ પુરાવસ્તુઓનો સંગ્રહ પણ અગત્યનો ગણાય.
દેશવિદેશના પર્યટકો માટે ભારતીય કલાવારસાનો આ સર્વગ્રાહી સંગ્રહ સચિત્ર દસ્તાવેજનું આકર્ષણ ધરાવે છે.
જ. મુ. નાણાવટી
અમિતાભ મડિયા