નૅશનલ ઇન્વાઇરૉન્મેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, નાગપુર (NEERI)
January, 1998
નૅશનલ ઇન્વાઇરૉન્મેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, નાગપુર (NEERI) : પ્રદૂષણ-નિયંત્રણ અને પર્યાવરણ-વ્યવસ્થાપનને લગતા સંશોધન માટે સુવિધા અને માર્ગદર્શન પૂરું પાડતી રાષ્ટ્રીય સંશોધન-સંસ્થા.
ઇતિહાસ : શરૂઆતમાં સેન્ટ્રલ પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના નામથી નાગપુર ખાતે કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચના ઉપક્રમે સ્થાપવામાં આવેલ આ સંશોધનશાળા(1974)નો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણ ઇજનેરીને નડતા વિવિધ પ્રશ્નોનો ઉકેલ લાવવાનો છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ તેને માન્યતા આપી છે અને તેથી સામૂહિક પાણી પુરવઠા અંગેની તેમજ ગંદા પાણીનો નિકાલ અને હવાનું પ્રદૂષણ નિયંત્રિત કરવાની વિવિધ યોજનાઓની કામગીરી WHO(World Health Organisation)ના સહકારથી આ સંસ્થા કરે છે. સંસ્થા યુએનઇપી (UNEP = United Nations Environment Programme), ડબ્લ્યુએચઓ (WHO = World Health Organisation), યુનેસ્કો (UNESCO = United Nations Educational, Scientific and Cultural Organisation), આઇઆરસી (IRC = International Red Cross), ઈપીએ (EPA = Educational Priority Area), એઆઇટી (AIT = Asian Institute of Technology), એસપીસીએ (SPCA = Society for the Prevention of Cruelty to Animals) જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સંકળાયેલી છે.
ઉદ્દેશ અને કાર્યો : હવાના અને પાણીના પ્રદૂષણનું નિયંત્રણ, એ સંદર્ભે ગંદા પાણીના અને ઔદ્યોગિક કચરાના નિકાલની વ્યવસ્થા, પર્યાવરણ-ઇજનેરી, સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ વગેરે વિષયોને લગતી બાબતોનું સંશોધન તથા તે અંગે લાગતાવળગતાને માર્ગદર્શન આપવાની કામગીરીનો આ સંસ્થાનાં વિવિધ કાર્યોમાં સમાવેશ થાય છે. આ બધા માટે સંસ્થામાં અલગ અલગ વિભાગો છે, જેની જવાબદારી જે તે વિષયના નિષ્ણાતો સંભાળે છે. સંસ્થામાં પર્યાવરણને લગતાં પ્રાયોગિક સંશોધનો ઉપરાંત તાલીમ આદિની વ્યવસ્થા છે. પુસ્તકાલય, અને એક્સટેન્શન સેન્ટર જેવા વિભાગોયે છે.
સિદ્ધિઓ : ફટકડીનો વપરાશ ઓછો થઈ શકે તે માટે સંસ્થાએ દેશી કાચો માલ વાપરીને એક નવો પદાર્થ શોધી કાઢ્યો છે. એવી જ રીતે નાલગોંડા ટૅકનિકના નામથી ઓળખાતા સંશોધનથી પાણીમાં રહેલા વધુ પડતા ફ્લોરાઇડને દૂર કરવામાં સફળતા મેળવી છે. પાણીમાંથી અશુદ્ધિ દૂર કરવા ક્લોરિન/આયોડિનની ગોળીઓ બનાવીને તથા અન્ય વિવિધ પ્રકારનાં સંશોધન મારફત પ્રજાના આરોગ્ય માટે ઉપયોગી એવી કામગીરી સંસ્થાએ કરી છે. દેશનાં 50 શહેરોના વેસ્ટ મૅનેજમેન્ટનો અભ્યાસ કરી સંસ્થાએ એક મૅન્યુઅલ તૈયાર કર્યું છે. ગ્રામીણ પાણી પુરવઠા યોજના હેઠળ 11 રાજ્યોનાં 67 ગામડાંઓ માટે પાણી પુરવઠાની યોજનાઓ તેણે તૈયાર કરી છે. શહેરોમાં વધતા જતા પ્રદૂષણને અટકાવવા સંસ્થાએ વિવિધ ઉપાયો સૂચવ્યા છે. દેશનાં વિવિધ શહેરોમાંથી હવા-પ્રદૂષણ અંગેની વિગતો મેળવી તેનું વિશ્લેષણ કર્યું છે.
ખાસ સવલતો : સંસ્થા તાંત્રિક સલાહ-સૂચન અને માર્ગદર્શન આપે છે. સંસ્થામાં તાલીમ-કાર્યક્રમોનું આયોજન થાય છે તેમ તેનાં વિસ્તરણ-કેન્દ્રો મારફત પણ પર્યાવરણ–આરોગ્ય અંગેનાં સમજણ-માર્ગદર્શન જનસમાજમાં પહોંચાડવામાં આવે છે. સંસ્થા પાસે વિવિધ પ્રકારની ચકાસણી કરવા માટે અદ્યતન અને આધુનિક સાધનો છે. સંસ્થાની પોતાની કાર્યશાળા છે, જેમાં જરૂરિયાત પ્રમાણે વિવિધ ઇજનેરી સેવાઓ અપાય છે. સંસ્થાનો પોતાનો પાઇલટ પ્લાન્ટ છે, જેમાં વિવિધ પ્રયોગો દ્વારા પ્રાપ્ત કરેલાં પરિણામો કે સિદ્ધિઓને વ્યાપારિક ધોરણે સાર્વજનિક ઉપયોગ માટે સુલભ કરવામાં આવે છે.
પુસ્તકાલય અને માહિતીકેન્દ્ર : સંસ્થાના પુસ્તકાલયમાં 25,000થી વધુ પુસ્તકો છે, જે 288 જેટલા વિવિધ વિષયોને આવરી લે છે. સંસ્થામાં માઇક્રોફિલ્મો, રિપ્રિન્ટો વગેરે અંગે ઉત્તમ વ્યવસ્થા છે. સંસ્થા, પોતાને સંલગ્ન એવા વિષયોની ચર્ચાવિચારણા માટે, પરિસંવાદો અને પરિષદોનું પણ આયોજન કરે છે અને વિવિધ ગ્રંથ-પ્રકાશનો પણ અવારનવાર કરે છે.
જયંત કાળે