નૅશનલ આર્કાઇવ્ઝ ઑવ્ ઇન્ડિયા : એશિયાનાં સૌથી મોટાં તથા શ્રેષ્ઠ સાધનસામગ્રી ધરાવતાં દફતર સંગ્રહાલયોમાંનું એક. 11 માર્ચ, 1891ના રોજ શાહી દફતર ખાતા તરીકે તે સમયની ભારતની સરકારનાં જૂના દસ્તાવેજ ઇત્યાદિનાં દફતર સાચવવા માટે તેની કૉલકાતામાં સ્થાપના થઈ હતી. તેનું કાર્યાલય 1937માં કૉલકાતાથી દિલ્હી લઈ જવામાં આવ્યું. દફતર-ભંડારમાં સરકારી દફતર ઈ. સ. 1745થી મળે છે. તેનાં ત્રણ પ્રાદેશિક સંગ્રહાલયો ભોપાલ, જયપુર અને પુદુચેરીમાં આવેલાં છે. 1947 પછી તેમાં પાંચ લાખ ફાઈલો અને ગ્રંથો, 1,03,625 બાંધેલા અંકો અને 51,13,000 બાંધ્યા વગરના દસ્તાવેજો (unbound documents), 11,500 હસ્તપ્રતો, સર્વે ઑવ્ ઇન્ડિયામાંથી મળેલા નકશા, આશરે 40 લાખ પૃષ્ઠોની માઇક્રોફિલ્મો વગેરેનો સંગ્રહ કરવામાં આવ્યો છે. તેમાં ફારસી, સંસ્કૃત, અરબી, હિંદી, બંગાળી, ઊડિયા, મરાઠી, તમિળ, તેલુગુ, પંજાબી, બર્મી, ચીની, સિયામી અને તિબેટી ભાષાના 1765થી 1873 સુધીની વિવિધ બાબતોને લગતા પત્રોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. નૅશનલ આર્કાઇવ્ઝના પુસ્તકાલયમાં આધુનિક ભારતીય ઇતિહાસ અને તેના સહાયક વિષયોના દસ લાખથી વધારે ગ્રંથો રાખવામાં આવ્યા છે. તેમાં યુનાઇટેડ સ્ટેટ્સ, ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, હોલૅન્ડ અને ડેન્માર્ક પાસેથી મેળવેલ ભારત માટેની ઉપયોગી સામગ્રીની માઇક્રોફિલ્મો, કેટલાક ગવર્નર જનરલો તથા નામાંકિત નેતાઓનું ખાનગી દફતર વગેરેનો સંગ્રહ કરવામાં આવ્યો છે. તેમાં 1947થી આર્કાઇવ્ઝ મૅનેજમેન્ટનો એક વર્ષનો ડિપ્લોમા અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. તેના તરફથી અંગ્રેજી તથા ભારતીય ભાષાઓમાં પુસ્તકો, આધારસામગ્રી અને દફતરવિજ્ઞાન વિશેનું એક સામયિક પ્રગટ કરવામાં આવે છે.
આ ખાતા દ્વારા નવું દફતર ઉમેરવામાં આવે છે તથા તે વિવિધ સરકારી સંસ્થાઓને તથા સંશોધકોને જરૂરિયાત પ્રમાણે વાંચવા આપવામાં આવે છે. ખાનગી સંસ્થાઓ તથા વ્યક્તિઓને દફતર સાચવવા માટે ટૅકનિકલ સહાય આપવામાં આવે છે. દર વરસે ‘દફતર ભંડાર સપ્તાહ’ ઊજવીને લોકોમાં દફતર સાચવવા વિશેની જાગૃતિ પેદા કરવામાં આવે છે. દફતરની જાળવણી માટે તેના તરફથી રાજ્યોના દફતર-ભંડારો અને સ્વૈચ્છિક સંસ્થાઓને નાણાકીય સહાય કરવામાં આવે છે. તેના પુસ્તકાલય તથા સંશોધન-કક્ષમાં સમગ્ર દેશમાંથી તથા પરદેશથી વિવિધ વિષયના સંશોધકો અધ્યયન માટે આવે છે. તેમાં નીચેનાં કીમતી દફતરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે :
(1) કૅન્સરની સારવાર અને પ્રયોગો, ફૉલિક ઍસિડ, ટેટ્રાસાઇક્લીનની શોધ તથા માનવો અને પ્રાણીઓ પરના પ્રયોગોને લગતું ડૉ. વાય. એસ. સુબ્બારાવનું 1922થી 1955 સુધીનું દફતર, (2) મલયાળમ તથા અંગ્રેજી ભાષામાં 1919માં જલિયાંવાલા બાગમાં થયેલા હત્યાકાંડને લગતા કાગળોની ફોટો-નકલો અને 1940માં સરદાર ઉધમસિંહને લંડનમાં અપાયેલ ફાંસી અંગેનું દફતર, (3) હિંદુ તીર્થધામોમાંના પંડાઓના ચોપડાના 104 વીંટા, (4) લંડનની પબ્લિક રેકર્ડ-ઑફિસમાંથી મેળવેલ ભારતની સ્વતંત્રતાની ચળવળને લગતા બ્રિટિશ વડાપ્રધાનના કાર્યાલયના પત્રવ્યવહારની માઇક્રોફિલ્મો, (5) લંડનની બ્રિટિશ લાઇબ્રેરીમાંથી મેળવેલ સંરક્ષણની બાબતો, મસ્કત સાથેનો વેપાર તથા સત્તાની ફેરબદલીને લગતા દફતરની માઇક્રોફિલ્મો.
જયકુમાર ર. શુકલ