નૂતન (જ. 4 જૂન 1936, મુંબઈ; અ. 21 ફેબ્રુઆરી 1991) : હિંદી ચલચિત્રજગતનાં અગ્રણી અભિનેત્રી. તેમનામાં પાત્રને આત્મસાત્ કરવાની ગજબની આવડત હતી. તેમનાં માતા શોભના સમર્થ તેમના જમાનામાં જાણીતાં અભિનેત્રી હતાં. નૂતનને અભિનેત્રી બનાવવા માટે તેમણે પોતે 1951માં ‘હમારી બેટી’ નામના ચલચિત્રનું નિર્માણ કર્યું. ખ્યાતનામ અભિનેતા મોતીલાલ સાથે મળીને તેમણે તેનું દિગ્દર્શન પણ કર્યું.

નૂતન
નૂતન સારાં ગાયિકા પણ હતાં. સંગીત અને ગીતની સમજ તેમના અભિનયની સમજ સાથે દૂધમાં સાકરની જેમ ભળી ગઈ હતી. નૂતન નૈસર્ગિક અભિનેત્રી હતાં. અભિનયની કોઈ રીતસરની તાલીમ તેમણે લીધી નહોતી.
નૂતનને છ વાર ‘ફિલ્મફૅર’ પારિતોષિકો મળ્યાં હતાં. પ્રારંભનાં ‘નગીના’, ‘હમલોગ’, ‘પરબત’, ‘હંગામા’, ‘શિકવા’, ‘લૈલામજનૂં’ વગેરે ચલચિત્રોમાં કામ કરવા સાથે સીમા(1955)માં પ્રથમ વાર ફિલ્મફૅર પારિતોષિક મેળવ્યું હતું. ‘પેઇંગ ગેસ્ટ’ (1957), ‘અનાડી’ (1959), ‘સુજાતા’ (1959), ‘છબીલી’ (1960), ‘છલિયા’ (1960), ‘બંદિની’ (1963), ‘ખાનદાન’ (1965), ‘મિલન’ (1967), ‘સરસ્વતીચંદ્ર’ (1968), ‘સૌદાગર’ (1973), ‘મૈં તુલસી તેરે આંગન કી’ (1978), ‘મેરી જંગ’ (1985), ‘કર્મા’ (1986) નૂતનનાં યાદગાર ચલચિત્રો છે. ‘મયૂરી’ અને ‘છબીલી’ ચલચિત્રોમાં તેમણે ગીતો પણ ગાયાં છે. ‘પેઇંગ ગેસ્ટ’ અને ‘તેરે ઘરકે સામને’ આ બે ચલચિત્રોમાં દેવ આનંદ સાથે કરેલા અભિનયને કારણે તેમને ખૂબ લોકપ્રિયતા મળી હતી. 1959માં નૌકાદળના લેફ્ટનન્ટ કમાન્ડર રણજિત બહલ સાથે તેમનાં લગ્ન થયાં હતાં. અભિનેત્રી તરીકે નૂતનની છબી અંત સુધી સ્વચ્છ રહી હતી. ‘કાલીગંજ કી બહૂ’ની પડકારરૂપ ભૂમિકામાં તથા ‘મુજરિમ હાજિર’ શીર્ષક હેઠળની દૂરદર્શન શ્રેણીમાં નૂતને અભિનય કર્યો હતો.
હરસુખ થાનકી