નીલ, લૂઈ / લૂઇસ (Neel, Louis) [જ. 22 નવેમ્બર 1904, લીઓં (Lyons), ફ્રાન્સ; અ. 17 નવેમ્બર 2000, Brive-La-Gaillarde] : ઘન પદાર્થના ચુંબકીય ગુણધર્મો ઉપરના તેમના પાયાના અભ્યાસ માટે, સ્વીડિશ ખગોળભૌતિકશાસ્ત્રી હૅન્સ આલ્ફવેન(Hannes Alfven)ની સાથે, 1970ની સાલ માટેના ભૌતિકશાસ્ત્રના નોબેલ પારિતોષિકના સંયુક્ત વિજેતા. તેમની શોધખોળનું મુખ્ય પ્રદાન ઘન અવસ્થા ભૌતિકશાસ્ત્ર(solid state physics)માં છે, જેનો ઉપયોગ ઘણાબધા અનુયોગ(applications)માં વિશેષત: તો કમ્પ્યૂટરના સુધારાવધારા સાથેના ‘મેમરી’ સંગ્રાહકના એકમમાં થાય છે.
ફ્રાન્સની સ્ટ્રાસબર્ગ (Strassbourg) તથા ગ્રેનોબ્લ (Grenoble) યુનિવર્સિટીમાં નીલ પ્રાધ્યાપક હતા. 1930ના આરંભે તેમણે ચુંબકત્વના જુદા જુદા પ્રકારનો, અણુસ્તરે અભ્યાસ કર્યો, તે સામાન્ય પ્રકારના લોહચુંબકત્વ (ferromagnetism) કરતાં જુદા જ પ્રકારનો હતો. તેમાં નિમ્ન તાપમાને ઇલેક્ટ્રૉન એક જ દિશામાં ગોઠવાઈ જતા હોય છે. તેમણે શોધી કાઢ્યું કે કેટલાક પદાર્થમાં, પરમાણુના એકાંતરે આવેલા સમૂહ (alternate groups) તેમના ઇલેક્ટ્રૉનને વિરુદ્ધ દિશામાં ગોઠવતા હોય છે અને સમગ્ર ચુંબકીય અસરનું શિથિલીકરણ (neutralisation) કરે છે. આવા ચુંબકીય ગુણધર્મને પ્રતિલોહચુંબકત્વ (antiferromagnetism) કહે છે.
જે પદાર્થમાં વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલા ઇલેક્ટ્રૉન હોય, પરંતુ વ્યક્તિગત (individual) અસમાન ચુંબકીય ક્ષેત્રોને કારણે અમુક મૂલ્યનું ચોખ્ખું (net) ચુંબકીય ક્ષેત્ર ધરાવતા હોય, તેમને વર્ણવવા માટે નીલે લોહચુંબકત્વ નામનું સૂચન કર્યું. બારીક કણસ્વરૂપે મળતા લોહચુંબક ઉપરના તેમના અભ્યાસ દ્વારા લાવા, બેસાલ્ટ ખડક (basalt) અને ઈંટના સ્તરની અસાધારણ ચુંબકીય ‘મેમરી’ની સમજૂતી આપી તેની દ્વારા પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા તેમજ દિશામાં, ભૂતકાળમાં થયેલા ફેરફારો અંગેની માહિતી પ્રાપ્ત થઈ. ગ્રેનોબ્લની ‘પૉલિટૅકનિક ઇન્સ્સ્ટિટ્યૂટ (Institute Polytechnique) તેમજ સેન્ટર ઑવ્ ન્યૂક્લિયર સ્ટડીઝના નિયામકપદે પણ તેઓ રહ્યા. મુખ્યત્વે તો તેમના યોગદાનને કારણે તકનીકી આયોગ માટેની, કોઈ પણ નમૂના(specification)ને અનુરૂપ, લોહચુંબકીય વસ્તુ બનાવી શકાય છે. કૃત્રિમ (synthetic) ફેરાઇટમાંથી બનાવવામાં આવતી ઘણી બધી નવી વસ્તુઓએ આજે સૂક્ષ્મતરંગ (microwave) ઇલેક્ટ્રૉનિક્સના ક્ષેત્રે એક મહાન ક્રાંતિ સર્જી છે.
એરચ મા. બલસારા