નીલમ (sapphire) : કોરંડમ(A12O3)નો નીલરંગી, પારદર્શક કે પારભાસક સ્વરૂપે મળતો પૂર્ણસ્ફટિકમય રત્નપ્રકાર. તેની કઠિનતા 9 છે અને વિશિષ્ટ ઘનતા 1.76–1.77 છે. કઠિનતામાં હીરાથી તરત જ નીચે તેનો ક્રમ આવતો હોઈ દૃઢતા અને ટકાઉપણાનો વિશિષ્ટ ગુણધર્મ ધરાવે છે. કોરંડમની લાલ રંગની પારદર્શક જાત માણેક (ruby) તરીકે અને નીલ રંગની પારદર્શક જાત નીલમ (sapphire) તરીકે રત્નોમાં ખૂબ જ જાણીતી છે અને તેથી ઝવેરાતમાં તેનો ઉપયોગ થાય છે.
માણેક તરીકે ઓળખાતા મધ્યમથી ઘેરા લાલ રંગના પ્રકારને બાદ કરતાં કોરંડમના બધા જ રત્નપ્રકારો નીલમના નામથી ઓળખાય છે, જોકે નીલમ એ કોરંડમનો નીલરંગી પ્રકાર હોવા છતાં અન્ય રંગવાળાં (રંગવિહીન, પીળો, ગુલાબી, કેસરી, ઉદો, લીલો, કથ્થાઈ અને કાળો) રત્નો પણ નીલમને નામે વપરાય છે. નીલમનાં વિવિધ નામ પણ તેમના રંગ પરથી જ પડેલાં છે: જેવાં કે નીલ રંગ માટે નીલમ, લાલ રંગ માટે અસલી માણેક કે ઓરિયેન્ટલ માણેક, પીળા રંગ માટે ઓરિયેન્ટલ ટોપાઝ, લીલા રંગ માટે ઓરિયેન્ટલ એમરલ્ડ, પર્પલ રંગ માટે ઓરિયેન્ટલ ઍમિથિસ્ટ. નીલમના પારદર્શક પ્રકાર ઉપરાંત પારભાસક પ્રકારોમાંથી ઘુમ્મટ જેવો આકાર થાય એવા પાસા પાડીને (પ્રકાશમાં રાખવાથી ષટ્તારક આકૃતિ દેખાય એવી રીતે કાપીને) ઉપયોગમાં લેવાય છે. આ માટે પણ નીલમ જાણીતું બનેલું છે. આ તારકદૃશ્ય તેમાં પાસા પાડેલા હોવાથી તેમજ તેમાં રહેલા ચમકવાળા, ઝીણા આગંતુક સોય આકારના રૂટાઈલમાંથી થતા પરાવર્તનને પરિણામે દેખાય છે. આ રૂટાઈલ સોયો ખાસ કરીને જ્યારે નીલમના તળભાગમાં ત્રણ દિશાકીય સ્થિતિમાં ગોઠવાયેલી હોય ત્યારે સ્પષ્ટ તારકદૃશ્ય ઉત્પન્ન કરે છે; એટલું જ નહિ, આ તારકશ્ય નીલમમાં રહેલ સૂક્ષ્મ નલિકા આકારનાં છિદ્રઅસ્તિત્વ કે જે સ્ફટિકની પ્રિઝમ તલસપાટીને સમાંતર હોય ત્યારે ઉત્પન્ન થાય છે. નીલમને ઊર્ધ્વ સ્ફટિકઅક્ષની દિશામાંથી નિહાળતાં તારકદૃશ્ય દેખાય છે.
નીલમપ્રાપ્તિ માટેનાં દુનિયાભરમાં જાણીતાં સ્થાનો મ્યાનમાર (બ્રહ્મદેશ), થાઈલૅન્ડ અને શ્રીલંકા છે, જ્યાંથી તેના સ્ફટિકો કાંપમય નિક્ષેપોમાંથી મળી રહે છે. આ ઉપરાંત ક્યારેક તે કાશ્મીર, ચીન, યુરલ પર્વતપ્રદેશ અને માલાગાસીમાંથી પણ મળે છે. મ્યાનમારમાં, ખાસ કરીને મોગોક જિલ્લા(રૂબી ખાણપ્રદેશ)માં માણેકમય ચૂનાખડકમાં, ખડકના એક આવશ્યક ઘટક તરીકે તેનું નોંધપાત્ર પ્રમાણ છે, જે પારદર્શક પ્રકારમાં સ્ફટિકીકરણ પામેલું હોય છે અને અન્ય રંગની જાતો પણ મળી રહે છે. થાઈલૅન્ડ અને શ્રીલંકા પણ નીલમના ઠીક ઠીક પ્રમાણવાળાં ઉદભવસ્થાનો છે. શ્રીલંકાના રત્નાપુર જિલ્લામાં અંતિમ ટર્શ્યરી અને પશ્ચાત્ ટર્શ્યરી નિક્ષેપોમાં રત્નયુક્ત રેતી અને ગ્રૅવલમાં સપાટીથી 30 મીટરની ઊંડાઈમાંથી સારાં પાણીદાર અને રંગીન નીલમ મળી રહે છે. શ્રીલંકાના, રત્નો ધરાવતા નદીજન્ય આ ગ્રૅવલે સદીઓથી કીમતી અને અર્ધકીમતી રત્નોનાં ખાણકેન્દ્રોને નિભાવ્યાં છે અને તેની દુનિયાનાં આગળ પડતાં રત્નક્ષેત્રોમાં ગણના થતી આવી છે, જ્યાંથી નીલમ ઉપરાંત પોખરાજ, સ્પાઈનેલ, ઝિરકોન, ઍક્વામરીન, ક્રાઈસોબેરિલ (ઍલેક્ઝાન્ડ્રાઇટ અને કૅટ્સ આઈ), ટુર્મેલિન (રૂબેલાઇટ અને ઇન્ડિકોલાઇટ), ગાર્નેટ (પાયરોપ અને આલ્મેન્ડાઇન), ચન્દ્રમણિ, ઍમેઝોન સ્ટોન, ઍમિથિસ્ટ અને રૉક-ક્રિસ્ટલ પણ મળી રહે છે. મધ્ય શ્રીલંકાના અત્યારે અસ્તિત્વ ધરાવતા રત્નસ્તરોની છેલ્લામાં છેલ્લી વયનો નિર્દેશ પ્લાયોસીન અને પ્લાયસ્ટોસીન સમયનાં ખરીવાળાં, સૂંઢવાળાં અને અન્ય સસ્તન પ્રાણીઓના અસ્તિત્વ દ્વારા થાય છે; પરંતુ કાંપના ગ્રૅવલમાં સમાયેલાં રત્નો ઘણા લાંબા ભૂસ્તરીય કાળના ખવાણની પેદાશ હોવાનું દર્શાવે છે. મૂળભૂત ખડકો કે જેમાંથી તે ઘસારો અને ખવાણ દ્વારા પ્રાપ્ત થયેલાં છે તે ઘણુંખરું, કદાચ મધ્ય શ્રીલંકાના ઊંચાણવાળા પ્રદેશોના આર્કિયન નાઈસ અને ખોન્ડેલાઇટ ખડકોને ભેદતા પેગ્મેટાઇટ ખડકો હતા, કારણ કે કેટલીક જગાએ નીલમ, ઝિરકોન, ચંદ્રમણિ અને ગાર્નેટની પ્રાપ્તિ પેગ્મેટાઇટના મૂળ આધારદ્રવ્યમાં જોવા મળેલી છે. ઑસ્ટ્રેલિયા પણ વધુ ઘેરા નીલ રંગનાં પારદર્શક નીલમ (તેમજ પારદર્શક સોનેરી પ્રકાર અને કાળા તારક પ્રકાર) માટે જાણીતું બનેલું છે. યુ.એસ.ના મૉન્ટાનામાં બેઝિક અગ્નિકૃત ડાઈક અંતર્ભેદનોમાંથી આછાથી મધ્યમ નીલરંગી નીલમ મેળવવામાં આવે છે. ટાન્ઝાનિયા પણ આછા રંગવાળાં નીલમ માટે મહત્વનું સ્થાન બની રહ્યું છે. મોટા ભાગના રત્નપ્રકારનાં નીલમની પ્રાપ્તિ કાંપનિક્ષેપમાંથી કે પછી અશુદ્ધ ચૂનાખડકમાં થયેલાં અગ્નિકૃત અંતર્ભેદનોને કારણે પરિણમેલા આરસપહાણમાંથી થાય છે.
1882માં પ્રથમ વાર નીલમ મળી આવ્યું ત્યારથી કાશ્મીર ભારતમાં નીલમ માટેનું મુખ્ય પ્રાપ્તિસ્થાન રહ્યું છે. કિસ્ત્વાર જિલ્લાના પડાર વિસ્તારના સૂક્ષ્મ દાણાદાર, ફેલ્સ્પારના અધિક પ્રમાણવાળા નાઈસ ખડકોના એક મૂળ ઘટક તરીકે સારી એવી ઊંચાઈ પર તે મળે છે. 4,500થી 6,000 મીટરની ઊંચાઈએ સલ્ખલા શ્રેણીના આરસપહાણમાં રહેલા ઍક્ટિનોલાઇટ શિસ્ટના વીક્ષાકાર જથ્થાઓને છેદતાં કેઓલિનીકરણ પામેલા કેટલાક પેગ્મેટાઇટમાં પણ પારદર્શક પૂર્ણસ્ફટિકમય રત્નપ્રકાર મળી આવે છે. આ ઉપરાંત, ટેકરીઓના ઢોળાવની તળેટીના ઢાળનિક્ષેપોમાંથી પણ નીલમ મેળવવામાં આવતાં હતાં. વર્ષો પહેલાં આ સ્થાનમાંથી પૂર્ણ ચળકાટવાળાં તેમજ અતિશુદ્ધ નીલમ મેળવવામાં આવેલાં છે. તે પૈકી કેટલાંક તો 12 સેમી. સુધીની લંબાઈવાળાં પણ હતાં. પરંતુ રત્ન તરીકે મૂલ્યવાન મોટાં પૂર્ણસ્ફટિક પ્રકારનાં નીલમ 1908થી અપ્રાપ્ય બન્યાં છે. જોકે તે પછીથી મિનરલ સર્વે ઑવ્ કાશ્મીર દ્વારા કરવામાં આવેલી શોધખોળથી પૂર્ણસ્ફટિકમય પારદર્શક કોરંડમનો મોટો જથ્થો હોવાનું જાણવા મળેલું છે. પરંતુ અહીંથી મેળવવામાં આવતો જથ્થો ‘ખડક-નીલમ’ તરીકે ઓળખાતા, રત્ન તરીકે મૂલ્યવિહીન તેમજ અપઘર્ષક, ઘડિયાળનાં રત્નો વગેરે પૂરતો મર્યાદિત રહ્યો છે.
ક્યારેક નીલરંગી નીલમ જ્યારે જરાક જાંબલી-નીલ ઝાંયવાળું, મધ્યમથી આછા ઘેરા રંગમાં મળે ત્યારે તેનું મૂલ્ય અનેકગણું વધી જાય છે. આ પ્રકારને ‘cornflower blue’ પ્રકાર કહે છે. કાશ્મીરનાં નીલમ આનાથી નીચલા પ્રકારમાં મુકાય છે, કારણ કે તેમાં આગંતુક ખનિજ ભળેલાં હોઈ તેની પારદર્શકતા ઘટી જાય છે. ટૂંકમાં, નીલરંગી નીલમનું મહત્વ તેના અન્ય કોઈ પણ રંગ કરતાં વધી જાય છે. તારકદૃશ્યવાળાં રત્નો કરતાં તદ્દન પારદર્શક નીલમની ઘણી માંગ રહે છે. નીલમનો રંગ નીલવાદળી જ હોવો જોઈએ, જ્યારે વર્નેઈલ જ્યોત-ગલન (Verneuil flame-fusion) પ્રક્રિયા દ્વારા આછા રંગવાળાં નીલમમાં કૃત્રિમ રીતે નીલ તેમજ અન્ય રંગ વિકસાવી શકાય ખરા, પરંતુ હજી સુધી પ્રયોગાત્મક ધોરણે આવો પ્રયાસ કરવાની પ્રક્રિયા (પ્રદાવક ગલનથી કે ઉષ્ણજળજન્ય પ્રક્રિયાથી અવેજીમાં કૃત્રિમ રત્ન બનાવવાની પ્રક્રિયા) વિકસાવવામાં આવી નથી.
ગિરીશભાઈ પંડ્યા