નીલગિરિ ટેકરીઓ : તમિળનાડુ રાજ્યમાં આવેલી દક્ષિણ ભારતની પ્રમુખ પર્વતમાળા. તે 11° 25´ ઉ. અ. અને 76° 40´ પૂ. રે. પરના ભૌગોલિક સ્થાનની આજુબાજુ વિસ્તરેલી છે. ડુંગરો અને ખીણોથી વ્યાપ્ત આ પ્રદેશનો કુલ વિસ્તાર આશરે 2,590 ચોકિમી. જેટલો છે. મબલક વર્ષા તથા ભૂમિની મોકળાશને લીધે આખોય પ્રદેશ ઘટાટોપ વનશ્રીથી છવાયેલો રહે છે. તેની ઉત્તરે 1,000-1,210 મીટરની ઊંચાઈ ધરાવતું મૈસૂરનું સપાટ મેદાન, દક્ષિણે 600 મીટરની સરેરાશ ઊંચાઈ ધરાવતું કોઇમ્બતુરનું સપાટ મેદાન, પૂર્વે માત્ર 3 કિમી.ને અંતરે આશરે 2,000 મીટર જેટલો સીધા ઢોળાવવાળો પ્રદેશ અને પશ્ચિમે કેરળ રાજ્યનો પ્રદેશ આવેલો છે. નીલગિરિ ટેકરીઓમાં ઉત્તર તરફની ટેકરીઓનાં શિખરોની ઊંચાઈ 1,830થી 2,440 મીટર વચ્ચેની, જ્યારે દક્ષિણ તરફની ટેકરીઓનાં શિખરોની ઊંચાઈ 810થી 920 મીટર વચ્ચેની છે. સમગ્ર પર્વતશૃંખલામાં દોડાબેટ્ટા શિખર 2,637 મીટરની ઊંચાઈ ધરાવે છે, અનાઇમુડી શિખરની ઊંચાઈ 2,695 મીટર જેટલી છે, જે ઉત્તર તરફની પર્વતમાળામાં આવેલું છે. આ પર્વતશ્રેણીઓની રચના જુરાસિકના ઉત્તરાર્ધકાળમાં તથા તૃતીય જીવયુગના પ્રારંભકાળમાં થયેલી છે.
નીલગિરિ ટેકરીઓના પ્રદેશમાં પૈકારા અને મોયાર આ બે મુખ્ય નદીઓ આવેલી છે. નદીઓની ખીણો આ ટેકરીઓને દખ્ખણના ઉચ્ચ મેદાની પ્રદેશથી અલગ પાડે છે; દક્ષિણે આવેલી ભવાની નદીખીણ તેને કોઇમ્બતુરના મેદાની પ્રદેશથી અલગ પાડે છે. સમગ્ર પ્રદેશ ટેકરીઓ અને ખીણોથી છવાયેલો હોવાથી ત્યાં ઘણા કુદરતી જળધોધ આવેલા છે, જે તેની રમણીયતામાં વધારો કરે છે. કુલ પ્રદેશના 50 % કરતાં પણ વધુ વિસ્તારમાં ગીચ જંગલો છે, ઊટી અને કુન્નુર તાલુકાઓમાં જંગલનું પ્રમાણ વિશેષ છે. જંગલોમાં વાઘ, હાથી, હરણ, સાબર જેવાં પ્રાણીઓ વસે છે. અહીંથી વધુ દક્ષિણ તરફ પાલઘાટ અને તેની ખીણો અને તેની પાર અન્નામલાઈ અને પાલની ટેકરીઓ આવેલી છે.
નીલગિરિ ટેકરીઓનો પ્રદેશ ઊંચાઈ પર તેમ જ અરબી સમુદ્રના કિનારાથી નજીક હોવાથી ઉનાળા-શિયાળાના તાપમાનમાં ઝાઝો તફાવત પડતો નથી. ઉનાળાનું તાપમાન 24° સે.થી 13° સે. વચ્ચેનું અને શિયાળાનું તાપમાન 3.2° સે.થી 20° સે. વચ્ચેનું રહે છે. નૈર્ઋત્યના મોસમી પવનો વરસાદ આપે છે. વાર્ષિક વરસાદનું પ્રમાણ 1,500થી 4,000 મિમી. જેટલું રહે છે.
ચા અને કૉફી આ પ્રદેશની મુખ્ય કૃષિપેદાશો છે. 1876માં કૉફી અને 1903માં ચાના ઉત્પાદનની અહીં શરૂઆત થયેલી. તે સિવાય શાકભાજી અને ફળફળાદિનું વાવેતર પણ નોંધપાત્ર પ્રમાણમાં થાય છે. 1932માં પૈકારા નદી પર બંધ બાંધવામાં આવ્યો છે. પૈકારા અને મોયાર નદીઓ પરની જળવિદ્યુત યોજનાઓને લીધે આ વિસ્તારમાં ઔદ્યોગિક એકમોના વિકાસને પ્રોત્સાહન મળ્યું છે.
ઉટાકામંડ (ઊટી) આ પ્રદેશનું મુખ્ય ગિરિમથક છે. તે આખા દેશ માટેનું પર્યટનસ્થળ પણ છે.
આ વિસ્તારમાં ઈરૂલા, કોટા, તોડા, બગાદા અને કુરુંગા જેવી જનજાતિઓનું પ્રમાણ નોંધપાત્ર છે. તે પશુપાલન તથા સ્થાનિક બગીચા ઉદ્યોગમાં મજૂરી કરે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે