નીતિમંજરી : નીતિ એટલે જીવન જીવવાની રીત, એટલે જેમાં નીતિ રૂપી મંજરી મહોરી ઊઠી છે તેવો ગ્રંથ. વિજયનગરના મહારાજ્યમાં થઈ ગયેલા સાયણાચાર્ય ઋગ્વેદ વગેરેના અર્થો સમજાવતાં ભાષ્યોના લેખક તરીકે જાણીતા છે. તેમણે રચેલા ઋગ્વેદના ભાષ્યમાંથી જુદી જુદી વાર્તાઓ કે પ્રસંગો ઉપરથી વેશ્યા અથવા ગણિકાથી દૂર રહેવા ઉપદેશ આપતું 200 જેટલાં મુક્તકોનું બનેલું કાવ્ય દ્યા દ્વિવેદ નામના કવિએ રચ્યું છે. આ કાવ્ય ‘નીતિમંજરી’ 1494માં રચાયું છે.
200 શ્લોકોનું બનેલું ‘નીતિમંજરી’ ઉપદેશ-કાવ્ય છે, કારણ કે તેમાં કવિનો મુખ્ય ઝોક ગણિકાઓથી દૂર રહેવાનો ઉપદેશ આપવા તરફ છે. 9મી સદીમાં દામોદર ગુપ્તે રચેલા ‘કુટ્ટનીમત’ અથવા ‘શંભલીમત’ એ મહાકાવ્ય તથા 10મી સદીમાં આચાર્ય ક્ષેમેન્દ્રે લખેલાં ‘કલાવિલાસ’ તથા ‘ચારુચર્યાશતક’ જેવાં કાવ્યોની અસર ઝીલીને ‘નીતિમંજરી’ કાવ્ય રચાયું ગણાય છે.
પ્ર. ઉ. શાસ્ત્રી