નીતિકથા

January, 1998

નીતિકથા : ગદ્ય કે પદ્યમાં લખાયેલી ટૂંકી બોધકથા (fable). એમાં મુખ્યત્વે માનવેતર સૃષ્ટિ એટલે કે પશુ, છોડ કે એવી કોઈ વસ્તુ પાત્ર રૂપે હોય છે. અને તે મનુષ્યની માફક જ વર્તે છે. ગદ્ય કે પદ્ય સ્વરૂપે લખાયેલી બોધકથાઓનું ઘણી વાર કોઈ કહેવત સાથે સમાપન થતું હોય છે.

આ કથાઓ 2000 ઉપરાંત વર્ષોથી લોકમાનસ પર છવાયેલી રહી છે. એની લોકપ્રિયતાનું કારણ એમાંથી નીતરતો સ્પષ્ટ બોધ અને સરલતા. દૃષ્ટાન્ત રૂપે શિયાળ અને દ્રાક્ષની વિખ્યાત બોધકથામાં શિયાળ ઊંચી વેલ પરની દ્રાક્ષને પહોંચી શકતું નથી એટલે ખાટી કહીને વર્ણવે છે અને દ્રાક્ષ ખાવાનું માંડી વાળે છે. મનુષ્ય જે નથી પામી શકતો એને માટે ઘણી વાર અણગમો કે તિરસ્કાર દર્શાવે છે. એટલે જ દ્રાક્ષ ખાટી છે એવો રૂઢિપ્રયોગ પ્રચલિત થયો છે.

લગભગ પ્રત્યેક પ્રાચીન પ્રજાએે મનુષ્યનાં ગુણલક્ષણો ધરાવતાં પ્રાણીઓની કથાઓ નિરૂપી છે. ફેબલના આ કથાપ્રકારનો ઉદભવ ગ્રીસમાં થયો હોવાનું મનાય છે. મોટા ભાગની ગ્રીક કથાઓ ઈસપ(ઈ. સ. પૂ. 600)ના નામે નોંધાઈ છે. એની કથાઓમાં બોધ અને વિનોદ બંને વણાયા છે. એમાંની કેટલીક કથાનાં મૂળ ભારતીય કથાઓમાં છે.

ભારતીય બોધકથાઓ મહદંશે મૃત્યુ પછીના પુનર્જીવનની માન્યતા પર રચાઈ છે. પ્રાણીઓ તરીકે પુનર્જન્મ પામેલાં એ કથાપાત્રો વિધવિધ ઉપદેશ કે બોધ આપે છે. એમાં ‘પંચતંત્ર’ તથા ‘હિતોપદેશ’ની કથાઓ સૌથી વિશેષ પ્રખ્યાત છે.

સદીઓ પર્યંત ઘણી ભાષાઓમાં ઘણા લેખકોએ પ્રાચીન બોધકથાઓનું પુન:કથન કર્યું છે. સોળમી સદીના ફ્રેન્ચ કવિ ઝ્યાં દ લા ફૉન્તેન એમાં પ્રસિદ્ધ છે. ઈસપની કથાઓ એમણે પદ્યસ્વરૂપે વિસ્તારથી વર્ણવી છે. માનવીય ક્ષતિઓની હાંસી સાથે એમાં ક્યારેક સમાજ પર કટાક્ષ પણ આવે છે.

લા ફૉન્તેનનું અનુકરણ ઘણા લેખકોએ કર્યું છે. અઢારમી સદીના પ્રારંભના રશિયન કવિ ઈવાન ક્રિલોવ એવા એક સફળ કથાકાર છે. લા ફૉન્તેનની કથાઓના અનુવાદ સાથે એમણે કેટલીક મૌલિક કૃતિઓ પણ આપી છે. પુખ્ત વયના વાચકો માટે લખાયેલી એ કથાઓ બાળકને પણ પ્રિય નીવડી છે.

વર્તમાન સમયમાં પણ આ સ્વરૂપનું લેખકોને આકર્ષણ રહ્યું છે, અને પોતપોતાની નવતર શૈલીથી આ પ્રકાર ખેડાતો રહ્યો છે. કિપ્લિંગનો ‘જસ્ટ સો સ્ટોરીઝ’ (1903)નો સંગ્રહ આ સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન ગણાય છે. જેમ્સ થર્બરની રમૂજલક્ષી કૃતિ ‘ફેબલ્સ ઑવ્ અવર ટાઇમ’ (1940) તથા જ્યૉર્જ ઑરવેલની અત્યંત જાણીતી રાજકીય કટાક્ષકથા ‘ઍનિમલ ફાર્મ’ (1945) પણ આ સાહિત્યપ્રકારના ઉલ્લેખનીય નમૂના છે.

જયા જયમલ ઠાકોર