નીઓક્લાસિક સ્થાપત્ય : અઢારમી સદીમાં યુરોપમાં પ્રચલિત બનેલ પ્રાચીન ગ્રીસ અને રોમના શાસ્ત્રીય સ્થાપત્ય તેમજ સોળમી સદીના ઇટાલિયન રેનેસાંસ સ્થાપત્ય પર આધારિત સ્થાપત્યની સિદ્ધાંતનિષ્ઠ શૈલી. તેની શરૂઆત ગેબ્રિયલ તથા અન્ય સ્થપતિઓ દ્વારા કરાઈ અને બ્યુલી તથા લેડોઉક્સ જેવા સ્થપતિઓએ તે શૈલીમાં અંત સુધી કામ કરેલું. 1750માં સ્થાપત્યમાં રોમન તથા ગ્રીક સ્થાપત્યની શાસ્ત્રીયતાને ફરીથી લાવવાનો આ પ્રયત્ન હતો. પ્રાચીન સ્થાપત્યનાં પ્રવેશમંડપ અને પરસાળ જેવી ઇમારતરચનાનાં અંગો ફરીથી ઉપયોગમાં લેવાયાં. તે ઉપરાંત આ શૈલીમાં બિનજરૂરી કોતરણી કે શિલ્પકામને બદલે મકાનનાં પ્રમાણમાપ, સરળતા તથા ભૌમિતિક આકારની પૂર્ણતા મહત્ત્વનાં બન્યાં. આ શૈલીમાં બનાવાયેલ ઇમારતોમાં 1785માં પૅરિસમાં સી.એન.લેડોઉક્સ દ્વારા બનાવાયેલ બૅરિયર દ લા વિલે, 1753માં પૅરિસમાં જ જે. એ. ગેબ્રિયલ દ્વારા બનવાયેલ પેલૅસ દ લા કૉન્કર્ડ તથા લંડનનું 1762માં સ્થપતિ રૉબર્ટ ઍડમ દ્વારા બનાવાયેલ લૅન્સડાઉન હાઉસ મુખ્ય છે. જોકે આ પ્રકારે ભૂતકાળને વર્તમાનમાં પ્રયોજતી શૈલી અસાંદર્ભિક બની રહેતાં લાંબા સમય સુધી ટકી શકી નહિ.
હેમંત વાળા