નિલંબ (suspensor) : બીજધારી વનસ્પતિઓમાં ભ્રૂણવિકાસ દરમિયાન ભ્રૂણને કાર્બનિક પોષકતત્વો ધરાવતી ભ્રૂણપોષ નામની પેશી તરફ ધકેલતી રચના. તે નાશવંત હોય છે અને પૂર્વભ્રૂણ(proembryo)ના ભાવિ ભ્રૂણમૂળ તરફના છેડે જોવા મળે છે. તેનો વિકાસ ભ્રૂણ કરતાં અત્યંત ઝડપી હોય છે. ભ્રૂણ ગોળાકાર કે હૃદયાકાર બને ત્યાં સુધીમાં તેનો મહત્તમ વિકાસ થઈ જાય છે. પુખ્ત બીજમાં નિલંબના માત્ર અવશેષો જ જોવા મળે છે. તેના ભ્રૂણ સાથેના પોષણકીય સંબંધને લીધે તે કદ, આકાર અને કોષની સંખ્યાની બાબતમાં ઘણું વૈવિધ્ય ધરાવે છે.
બીજધારી વનસ્પતિઓમાં નિલંબનો વિકાસ નીચે મુજબ જોવા મળે છે :

આકૃતિ 1 : Capsella bursa-pastorisના ભ્રૂણવિકાસની એક અવસ્થા
અનાવૃત બીજધારી વનસ્પતિઓ : (1) સાયકસમાં નિલંબના કોષો લંબાઈમાં સતત વૃદ્ધિ પામી ખૂબ લાંબો કુંતલાકાર નિલંબ બનાવે છે. તેની 5.0 સેમી. જેટલી લંબાઈ હોય છે. જુદા જુદા ભ્રૂણના નિલંબ પરસ્પર જોડાઈ જઈ સંયુક્ત કુંતલાકાર રચના બનાવે છે.
(2) પાઇનસમાં પ્રાથમિક નિલંબ અને દ્વિતીયક નિલંબની રચના ઉત્પન્ન થાય છે. બંને નિલંબ લંબાઈમાં વૃદ્ધિ પામી કુંતલાકારે અમળાય છે.
(3) ટેક્સસમાં નિલંબ ભ્રૂણનિર્માણ કરતા અગ્રસ્થ કોષને સ્ત્રીજન્યુધાનીની બહાર ભ્રૂણપોષમાં ધકેલે છે.
(4) જિંકોમાં પૂર્વભ્રૂણના કોષો વૃદ્ધિ પામી માંસલ નિલંબ બનાવે છે.
(5) એફિડ્રામાં દરેક પૂર્વભ્રૂણીય કોષ લંબાઈને નિલંબ બનાવે છે. તેને અગ્ર છેડે ભ્રૂણકોષો હોય છે.
(6) નીટમમાં ફલિતાંડનું દરેક કોષકેન્દ્ર જાતે જ કોષદીવાલથી આવરાઈને વિભાજાય છે અને લાંબો નલિકાકાર નિલંબ બનાવે છે. તેને અગ્ર છેડે ભ્રૂણકોષ હોય છે.

આકૃતિ 2 : Asperula(રૂબિયેસી)નાં નિલંબ-ચૂષકાંગો
દ્વિદળી વનસ્પતિઓ : (1) બ્રેસિકેસી કુળની Capsella bursa-pastorisમાં ચતુષ્કોષીય પૂર્વભ્રૂણ પર આવેલો નિલંબ 6થી 10 કોષોનો બનેલો હોય છે. તેનો અંડકછિદ્ર તરફ આવેલો સૌથી ઉપરનો કોષ ફૂલીને પુટિકામય (vecicular) બને છે અને ચૂષકાંગ (haustorium) તરીકે કાર્ય કરે છે; જ્યારે સૌથી નીચેનો કોષ અધોવર્ધ (hypophysis) તરીકે કાર્ય કરે છે.
(2) કેર્યૉફાઇલેસી કુળની Sagina procumbensમાં નિલંબની ઉત્પત્તિ અગ્રસ્થ કોષ દ્વારા થાય છે. તે ટૂંકો અને દ્વિકોષીય હોય છે.

આકૃતિ 3 : ડેન્ડ્રૉબિયમ મોબીલમાં નિલંબના ચૂષકાંગના વિકાસની અવસ્થાઓ
એકદળી વનસ્પતિઓ : (1) એલીસ્મેસી કુળની Sagittaria Sagittifoliaમાં નિલંબનો વિકાસ saginaની જેમ જ થાય છે. તે ઉપરાઉપરી ગોઠવાયેલ 3થી 6 કોષોનો બનેલો હોય છે.
નિલંબનાં રૂપાંતરો : લૉરેન્થેસી કુળની કેટલીક પ્રજાતિઓમાં ભ્રૂણપુટ બંને છેડે વૃદ્ધિ સાધે છે. નીચેના છેડે સ્થૂલકોણક પેશીના કોષો ગાદી બનાવે છે; પરંતુ ઉપરનો છેડો પરાગવાહિનીમાં વિકાસ પામે છે. ભ્રૂણપુટની ટોચે આવેલા અંડકોષનું ફલન પરાગવાહિનીમાં થાય છે. કોષોની બે હરોળ ધરાવતો નિલંબ ખૂબ લાંબો હોય છે. તે અગ્રસ્થ કોષોને બીજાશયમાં પહોંચાડે છે.
રૂબિયેસી કુળની કેટલીક જાતિઓમાં પરિપક્વતાએ અંડકછિદ્ર તરફના નિલંબના કોષોમાંથી પાર્શ્વીય બહિરુદભેદો ઉત્પન્ન થાય છે; તે ભ્રૂણપોષના કોષો વચ્ચે દાખલ થાય છે. તેના અગ્ર છેડા ફૂલેલા દડા જેવા હોય છે.
લૉઇડના મત પ્રમાણે નિલંબનું કાર્ય માત્ર ભ્રૂણને ભ્રૂણપોષ તરફ ખોરાક માટે ધકેલવાનું જ નથી; તે હંગામી ભ્રૂણીય મૂળ તરીકે પણ વર્તે છે. આવૃત બીજધારીઓમાં નિલંબચૂષકો વધુ પ્રમાણમાં મળી આવતા નથી. તે પોષકતત્વોના શોષણ સાથે સક્રિય રીતે સંકળાયેલા હોય છે અને ભ્રૂણને ખોરાક પહોંચાડે છે.

આકૃતિ 4 : એરુંડિના ગ્રામીનીફોલીઆના નિલંબની નલિકાઓનું ઝૂમખું
ઑર્કિડેસી, પોડોસ્ટેમેસી અને ટ્રેપેસી કુળમાં ભ્રૂણપોષ હોતો નથી. ભ્રૂણ ખૂબ વિકસિત નિલંબચૂષક ધરાવે છે. ઑર્કિડેસી કુળમાં નિલંબો વિવિધતાઓ દર્શાવે છે. સ્વામી(1949)એ ઑર્કિડેમી કુળના નિલંબને પાંચ પ્રકારમાં વર્ગીકૃત કર્યા છે :
(1) નિલંબ એકકોષીય મોટો કોથળી જેવો, શંકુઆકાર કે નલિકાકાર કે ડિંભ જેવો બને છે; દા. ત., ડેન્ડ્રૉબિયમ.
(2) હેબેનેરિયામાં શરૂઆતમાં નિલંબ 5થી 10 કોષોની હરોળનો બનેલો હોય છે. તે અંડકછિદ્રથી આગળ વૃદ્ધિ પામે છે અને જરાયુ સુધી પહોંચી ચૂષકની શાખાઓ ઉત્પન્ન કરી જરાયુમાં પ્રવેશે છે.
(3) એપિડેન્ડ્રમ અને એરુંડિનામાં નિલંબ દ્રાક્ષના ઝૂમખા જેવો બને છે.
(4) વૅન્ડામાં આરંભિક નિલંબકોષ ત્રણ આયામવિભાજનો પામી આઠ કોષો ઉત્પન્ન કરે છે, જે લાંબા બની ભ્રૂણના કોષોને ચારે તરફથી આવરી લે છે.

આકૃતિ 5 : હેલોરહેજીડેસીના સહાયક કોષો સાથે સામ્ય દર્શાવતાં નિલંબ-ચૂષકાંગો
ફૅલીનૉપ્સિસમાં નિલંબકોષો ઉપર અને નીચેની તરફ બહિરુદભેદો ઉત્પન્ન કરે છે. ઉપરના બહિરુદભેદો અંડકછિદ્રમાંથી બહાર નીકળે છે અને નીચેના બહિરુદભેદો શાખિત બની ભ્રૂણને ઘેરી વળે છે.

આકૃતિ 6(અ) : Pisum Sativumમાં બહુકોષકેન્દ્રી મોટા કોષોનો બનેલો નિલંબ
(5) ઇલોફિયામાં યુગ્મન જ વિભાજિત થઈ 6થી 10 કોષોનો અનિયમિત પુંજ બનાવે છે. તે પૈકી અંડકછિદ્રીય છેડે આવેલા કેટલાક કોષો લંબાઈને નલિકાકાર રચના બનાવે છે. તેમનાં કોષકેન્દ્રો ખૂબ મોટાં હોય છે અને કોષરસ તૈલી અને કણિકામય દ્રવ્ય ધરાવે છે.

આકૃતિ 6(આ) : Pisum sativumમાં ચાર બહુકોષકેન્દ્રી કોષો ધરાવતો નિલંબ
પોડોસ્ટેમેસી કુળમાં નિલંબમાંથી પાતળી દીવાલવાળી કવકતંતુ જેવી ઘણી ચૂષક શાખાઓ ઉત્પન્ન થાય છે. તે બે અંડાવરણો વચ્ચે વૃદ્ધિ પામે છે અને ભ્રૂણ કરતાં ઘણી મોટી હોય છે. અથવા તે મોટો અશાખિત બહુકોષકેન્દ્રી ચૂષકકોષ ધરાવે છે.

આકૃતિ 7 : Cicer arietinumમાં દ્વિપંક્તિક નિલંબ
ક્રેઝ્યુલેસી, ફ્યુમારિયેસી, હેલોરહેજીડેસી, ફેબેસી અને ટ્રોપિયોલેસીમાં પણ નિલંબચૂષકો જોવા મળે છે. હેલોરહેજીડેસીમાં નિલંબચૂષકો સહાયક કોષો જેવા દેખાય છે.

આકૃતિ 8 : Cytisus laburnumમાં દ્રાક્ષના ઝૂમખા જેવો નિલંબ
ક્રેઝ્યુલેસી કુળની સિડમ પ્રજાતિમાં નિલંબચૂષકો પુષ્કળ પ્રમાણમાં શાખિત બની અંડાવરણોમાં પ્રવેશે છે, એટલું જ નહિ, પરંતુ અંડકની બહાર નીકળે છે.

આકૃતિ 9 : Ononis fruticosaમાં એક સ્પષ્ટ કોષકેન્દ્ર અને ઘણા મંડકણો ધરાવતા સાત મોટા, એક પંક્તિમાં ગોઠવાયેલા કોષોનો બનેલો નિલંબ
ફેબેસી કુળના માઇમોઝોઈડી ઉપકુળમાં નિલંબ ગેરહાજર હોય છે; અથવા 3થી 4 કોષોનો બનેલો હોય છે. વટાણા(Pisum sativum)માં નિલંબકોષોની બે જોડ હોય છે. આ કોષો ખૂબ લાંબા બને છે અને શ્રેણીબદ્ધ મુક્તકોષકેન્દ્રી વિભાજનો પામી બહુકોષકેન્દ્રી બને છે.

આકૃતિ 10 : Phaseolus multiflorusમાં મોટો જાડો નિલંબ
Lupinus pilosusમાં નિલંબ મોટા અને ચપટા બની ગયેલા કોષો ધરાવે છે.
તેના ઉપરના થોડાક કોષો વિકાસ દરમિયાન અલગ થઈ જાય છે.
Cicer arietinumમાં નિલંબ દ્વિપંક્તિક (biseriate) હોય છે.

આકૃતિ 11 : Lupinus pilosus ભ્રૂણપુટનો ઉપરનો ભાગ
L. luteusમાં નિલંબકોષો દ્વિકોષકેન્દ્રી હોય છે.
Cytisus laburnumમાં નિલંબ દ્રાક્ષના ઝૂમખા જેવો લાગે છે. Ononis fruiticosaમાં નિલંબ એક હરોળમાં ગોઠવાયેલા 7 મોટા કોષોનો બનેલો હોય છે. પ્રત્યેક કોષ એક મોટું કોષકેન્દ્ર અને પુષ્કળ પ્રમાણમાં મંડકણો ધરાવે છે.
Phaseolas multiflorusમાં નિલંબ ખૂબ મોટો અને જાડો હોય છે.

આકૃતિ 12 : L. luteusમાં નિલંબના દ્વિકોષકેન્દ્રીય કોષો
- subcarnosusમાં નિલંબ ખૂબ મોટો હોય છે અને લગભગ 20 જોડ કોષોનો બનેલો હોય છે.

આકૃતિ 12 : L. luteusમાં નિલંબના દ્વિકોષકેન્દ્રીય કોષો
વિનોદકુમાર ગણપતલાલ ભાવસાર