નિરાંત (1770–1845 વચ્ચે હયાત) : ગુજરાતનો જ્ઞાનમાર્ગી સંતકવિ. દેથાણનો વતની. જ્ઞાતિએ ગોહેલ રજપૂત. પિતા ઉમેદસિંહ અને માતા હેતાબા. બાલ્યકાળથી જ ભક્તિના સંસ્કારો મળેલા. નિરાંત આરંભકાળમાં રણછોડભક્ત હતો. તેનાં બે પદોમાં વલ્લભકુળનો નિર્દેશ હોવાથી કેટલોક સમય વૈષ્ણવધર્મી હશે એવું પણ મનાય છે. નિરાંતની મુખ્ય દાર્શનિક ભૂમિકા અદ્વૈત વેદાંતીની છે. એનું કાવ્યસર્જન મોટેભાગે પદસ્વરૂપમાં મળે છે.
નિરાંતે સાખીઓ, કુંડલિયા, ઝૂલણા નામથી ઓળખાવેલાં પદો; ધોળ, છપ્પા અને કાફીઓ લખ્યાં છે. ગોપીઓની પ્રેમલક્ષણા ભક્તિનાં ઘણાં પદો તેણે લખ્યાં છે. તેણે લખેલા હરિદાસ, રવિરામ તથા મંછારામ ઉપરના પત્રો વેદાંતવિષયક જિજ્ઞાસા પ્રગટ કરે છે.
નિરાંતની બે દીર્ઘકૃતિઓ પણ મળે છે : ‘યોગસાંખ્યદર્શનનો સલોકો’ અને ‘અવતારખંડન’. નિરાંતનાં બે તિથિકાવ્યો પણ ઉલ્લેખનીય છે. આ ઉપરાંત સવૈયા તથા હિંદીમાં કુંડળિયા, સાખી, કવિત, રેખતા જેવા પ્રકારની લઘુરચનાઓ પણ આ કવિએ કરી છે. નિરાંતનાં કાવ્યોનું એક સંપાદન 1959માં ગોપાળરામ દ્વારા થયું છે.
તેમનું અવસાન ઈ. સ. 1852માં (સં. 1908ના ભાદરવા સુદ આઠમના રોજ) થયું હોવાનું તેમના સંપ્રદાયમાં મનાય છે પણ તેનો આધાર સ્પષ્ટ નથી.
નલિની દેસાઈ