નિરપેક્ષ સદભાવ વીમા વ્યવસ્થા : વીમાના કરાર અંતર્ગત જોખમનું ચોક્કસ પ્રીમિયમ ગણવા માટે જરૂરી હોય તેવી બધી વિગતો વીમો લેનાર વ્યક્તિએ નિ:સંકોચ આપવી પડે તેવી અપેક્ષા રાખવાનો વીમો ઉતારનાર વ્યક્તિને અધિકાર આપતો વીમાવ્યવહારનો પાયાનો સિદ્ધાંત.
વીમાકરારનો આ સિદ્ધાંત વીમાકરારને બીજા સામાન્ય વેપારી કરારથી જુદો પાડે છે. સામાન્ય વેપારીકરારમાં ‘ખરીદનાર સાવધ રહે’નો સિદ્ધાંત લાગુ પડે છે. પરંતુ વીમાકરારમાં આ સિદ્ધાંત લાગુ પડતો નથી. વીમાકરારને સંપૂર્ણ ભરોસા(uberrima fides utmost good faith)નો સિદ્ધાંત લાગુ પડે છે. આ સિદ્ધાંત અનુસાર કરારના બંને પક્ષકારોએ કરારને લગતી બધી જ મહત્વની હકીકત સંપૂર્ણપણે અને સ્પષ્ટ રીતે એકબીજાને જણાવવાની હોય છે. આ સિદ્ધાંતમાં ‘મહત્વની હકીકત’ શબ્દો વિશિષ્ટ અર્થમાં વપરાયેલ છે. જે હકીકતથી વીમો ઉતારનાર અથવા વીમો લેનાર કરાર અંગેનો પોતાનો નિર્ણય બદલે તેને મહત્વની હકીકત કહેવામાં આવે છે.
દરિયાઈ વીમામાં આ સિદ્ધાંત ખાસ મહત્વનો છે. દરિયાઈ વીમામાં ઘણી વાર એવું બને છે કે વીમાવસ્તુ-માલ એક બંદરે પડેલો હોય અને તેનો વીમો બીજા કોઈ બંદરેથી લેવામાં આવતો હોય. આવા સંજોગોમાં વીમા કંપની જાતતપાસ કરી શકતી નથી. વીમો લેનાર જે માહિતી આપે તેના પર ભરોસો રાખીને જોખમના સ્વીકાર અંગે અને પ્રીમિયમના દર અંગે વીમા કંપની નિર્ણય લે છે. આથી આ સિદ્ધાંતનું સંપૂર્ણ પાલન થાય તે માટે વીમો ઉતારનારે વિગત માગી હોય અથવા ન માગી હોય છતાં વીમો લેનાર કશું પણ છુપાવે નહિ એ ખૂબ જ મહત્ત્વનું છે. આથી દરિયાઈ વીમાના કાયદામાં આને માટે સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે. કાયદાની કલમ 18ની જોગવાઈ અનુસાર વીમાકરાર અંગે નિર્ણય લેવાઈ જાય તે પહેલાં વીમો લેનારે એને ખબર હોય તેવી દરેક મહત્વની બાબત જાહેર કરી દેવી જોઈએ. આમ, દરિયાઈ વીમામાં વીમો લેનારની જવાબદારી સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવી છે. વળી મહત્વની બાબત કોને કહેવી તે અંગે પણ કાયદામાં બહુ સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે. પ્રીમિયમનો દર નક્કી કરવા અંગેના અથવા જોખમ સ્વીકારવું કે નહિ તે અંગેના વીમો ઉતારનારના નિર્ણયને અસર કરે તેવી બધી બાબતો મહત્વની ગણાય છે. વીમો લેનારે વિગતો છુપાવી છે અથવા ખોટી આપી છે તેવું પાછળથી માલૂમ પડે તો વીમો ઉતારનાર વીમા પૉલિસીને રદ કરી શકે છે. અને વીમાનો દાવો ચૂકવવાના તેના ઇન્કારને કોર્ટ અનુમોદન આપે છે.
જશવંત મથુરદાસ શાહ