નિયોગ : ભારતીય પરંપરા મુજબ સંતાન વગરની વિધવા દિયર કે નજીકના સગા સાથે સંતાન માટે શાસ્ત્રોક્ત રીતે સંબંધ બાંધે તે, દેરવટું, અર્થાત્ વિધવા સ્ત્રીને તેના દિયર સાથે ઘર મંડાવીને જોડવી તે. નિયોગના રિવાજ વિશે ઐતિહાસિક હકીકત પૂર્વ અને પશ્ચિમના સામાજિક ઇતિહાસ દ્વારા વિસ્તારપૂર્વક કહેવાયેલી છે અને તે છેક આજે ભરવાડોમાં ચાલતા દેરવટાની વાત સાથે જોડેલી છે. નિયોગના રિવાજમાં ‘મનુસ્મૃતિ’માં સંયમ ઉપર બને તેટલો ભાર મૂકવામાં આવ્યો છે. સંતાન વગરની વિધવાએ દિયર કે પાસેના સગા સાથે સંતાન માટે શાસ્ત્રોક્ત રીતે સંબંધ રાખીને સંભોગ કરાતો. વિધવા સ્ત્રીને બીજા પુરુષ સાથે અને વિધુર પુરુષને વિધવા સાથે નિયોગ કરવાની આજ્ઞા છે. વિધવા સ્ત્રીને માટે જીવનની ત્રણ પદ્ધતિઓ બતાવે છે. (1) વૈધવ્યજીવન ગાળવું અને જિંદગી પૂરી કરવી. (2) નિયોગ દ્વારા સંતાન ઉત્પન્ન કરવાં. અને (3) નિયમ પ્રમાણે પુનર્લગ્ન. નિયોગનો રિવાજ સ્પાર્ટામાં જણાયો છે. જ્યૂ લોકોમાં વિધવા કોઈ પણ જાતની વિધિ કર્યા વગર પોતાના પતિના ભાઈની પત્ની બને. અને તેના પતિનો ભાઈ તેની સાથે પરણવાની ના પાડે તો તેના મોં ઉપર થૂંકે છે. બાઇબલના જૂના કરારમાં પણ જણાવેલું છે કે જો સ્ત્રી વિધવા થાય તો તેના પતિનો ભાઈ તેની પાસે જઈને તેનો પત્ની તરીકે સ્વીકાર કરીને પતિના ભાઈની તમામ ફરજો તેના પ્રત્યે બજાવે છે. આ પ્રથા શેક્સપિયરના નાટકમાં હૅમલેટની માનું ક્લૉડિયસ સાથે અને આઠમા હેનરીનું કૅથરિન સાથેનું લગ્ન નિયોગનો પ્રાચીન રિવાજ બતાવે છે અને ધીરે ધીરે તેમાંથી પતિના ભાઈ સાથે કાયદેસર પુનર્લગ્નમાં પરિણમે છે. આ રિવાજના મૂળમાં જોઈ શકાય છે કે પ્રાચીન કાળમાં સ્ત્રીને મિલકત તરીકે ગણવામાં આવતી અને તે લગ્ન દ્વારા પતિના કુટુંબમાં સમાઈ જતી. તે એક વ્યક્તિને પરણતી છતાં પણ સમગ્ર કુટુંબને તેણે અપનાવવું પડતું. પતિ પુત્ર મૂક્યા વગર મૃત્યુ પામે તો તેને મોટી આધ્યાત્મિક આફત ગણાતી. આથી પતિના ભાઈની ફરજ તે વિધવા સ્ત્રીમાં પુત્ર ઉત્પન્ન કરીને તેના ભાઈ માટે સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત કરવાની રહેતી. પ્રાચીન સમાજમાં દત્તક પુત્ર કરતાં નિયોગ દ્વારા ઉત્પન્ન થયેલો પુત્ર વધુ યોગ્ય ગણાતો, કારણ નિયોગથી ઉત્પન્ન થયેલા પુત્રમાં માતાનું કે તેના સગાનું લોહી રહેતું, પરંતુ દત્તક લીધેલા પુત્રમાં તો કોઈ પણ સગાનું લોહી વહેતું નહીં. મહાભારત અને પુરાણોમાં ઘણાં વીરરત્નો નિયોગથી ઉત્પન્ન થયેલાં છે. મહાભારત કહે છે કે नारी तु पत्यभावे वै देवरं वृणुते पतिम् । (XIII, 12, 19). નિ:સંતાન વિધવા પતિના ભાઈ સાથે લગ્ન કરી શકતી, પરંતુ કોઈ ત્રાહિત સાથે લગ્ન કરે અને તેને પુત્ર થાય તો તે તેના પતિની મિલકતમાંથી પુત્ર માટે કાયદા પ્રમાણે ભાગ મેળવે અને તેનો પતિ તે દબાણ દ્વારા લઈ લે, આવા દાખલા સમાજમાં બનતા તેથી સ્પષ્ટ કરેલું છે કે પૈસાનો લોભ નિયોગ માટે હોવો જોઈએ નહીં. लोभान्नास्ति नियोग: । (વસિષ્ઠ ધર્મસૂત્ર XIII, 57). માટે જ કહેવાયું છે કે નિયોગથી ઉત્પન્ન થયેલા પુત્રને કાયદેસર પુત્ર જેમ જ ગણવો.
સ્મૃતિગ્રંથો નિયોગથી માત્ર એક પુત્ર ઉત્પન્ન કરવા કહે છે, પરંતુ કુંતીએ પોતાના પતિના દબાણથી નિયોગ દ્વારા ત્રણ પુત્રો ઉત્પન્ન કર્યા, કારણ પતિ સંતાન ઉત્પન્ન કરાવી શકે તેમ ન હતો. નિયોગથી ક્ષત્રિયોમાં ઘણાં સંતાનો ઉત્પન્ન કરાતાં, રાજા બલિને 17 સંતાનો હતાં — છ પોતાની પટરાણી અને 11 બીજી શૂદ્ર પત્નીઓથી (મહાભારત, I, 127, 113). ઈ. સ. પૂ. 300 સુધી નિયોગનો રિવાજ પ્રચલિત હતો. પરંતુ ત્યારબાદ સુધારાવાદ શરૂ થતાં આ પ્રથાને નાપસંદ કરવામાં આવી; આપસ્તમ્બ, બૌધાયન અને મનુ નિયોગપદ્ધતિના વિરોધી થયા. પરંતુ વસિષ્ઠ અને ગૌતમે સ્પષ્ટ કર્યું કે નિયોગપ્રથા વિધવા સ્ત્રીની પસંદગી ઉપર રાખવી, પરંતુ પતિનો ભાઈ હોય તો ત્રાહિતને પસંદ ન કરવો. ઈ. સ. પૂ. 400થી ઈ. સ. 200 સુધીમાં નિયોગપદ્ધતિથી સંતાન ઉત્પન્ન કરવામાં મર્યાદા મુકાવા માંડી. ત્રણ પુત્રો અર્થાત્ કેટલીક પુત્રીઓ પણ જન્મે તે કાયદેસર હતું, પણ કેટલાક વિચારકોના મતે બે અને કેટલાકના મતે એક પુત્ર નિયોગ દ્વારા કાયદેસર ગણાય. સંતાનવાળી વિધવાને નિયોગની છૂટ ન હતી. પતિના મૃત્યુ પછી એક વર્ષ સુધી તેણે નિયોગ નહીં કરવાનો. આર્થિક કારણોથી નિયોગને ત્યાજ્ય ગણવો. નિયોગને ફરજ તરીકે ગણવાનો, પણ તેને ઇજારો નહીં ગણવાનો. આ પ્રથા ઈ. સ. 600 પછી બંધ થઈ. નારદ, યમ, પરાશર વગેરેએ તે મંજૂર રાખી હતી; પરંતુ બૃહસ્પતિએ આ પ્રથાનો વિરોધ કર્યો. નારદના ટીકાકાર જે આઠમા સૈકામાં થઈ ગયા, તેમણે આ પ્રથા ધર્મશાસ્ત્રમાન્ય રાખી હતી, પરંતુ પુનર્લગ્ન અને નિયોગપ્રથા બંનેને સમાજે ધિક્કારી કાઢી. કલિયુગમાં નિયોગનો નિષેધ કરેલો છે. વિધુરે વિધવા સાથે નિયોગ કરી સંતાનોત્પત્તિ કરવી જોઈએ. આ રીતે ઉત્પન્ન થયેલો પુત્ર ક્ષેત્રજ કહેવાય છે.
વીસમી સદીની શરૂઆતથી કહેવાતી પછાત જ્ઞાતિઓમાં જ્ઞાતિપંચોએ સમયે સમયે ઠરાવો કરીને આ પ્રથાનો વિરોધ કર્યો અને ક્યારેક દંડની પણ જોગવાઈઓ કરી. જોકે આજે પણ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત (બક્ષીપંચ) જ્ઞાતિઓમાં આ રિવાજ છે. બક્ષીપંચના અહેવાલમાં તેના ઉલ્લેખો છે.
પ્રિયબાળાબહેન શાહ