નિમ્ન-બિટૂમિનસ કોલસો (sub-bituminous coal)

January, 1998

નિમ્ન-બિટૂમિનસ કોલસો (sub-bituminous coal) : કોલસામાંના કાર્બન અને બાષ્પશીલ દ્રવ્યોની માત્રા મુજબ કરેલા વર્ગીકરણ પૈકી બિટૂમિનસ કોલસાનો એક પેટાપ્રકાર, જે લિગ્નાઇટ અને બિટૂમિનસ પ્રકારોની વચગાળાની કક્ષામાં મુકાય છે (જુઓ : કોલસો). તેમાં કાર્બનનું પ્રમાણ પિટ અને લિગ્નાઇટ કરતાં વધુ પણ બિટૂમિનસ, નિમ્ન-ઍન્થ્રેસાઇટ તથા ઍન્થ્રેસાઇટ કરતાં ઓછું હોય છે; જ્યારે બાષ્પશીલ દ્રવ્યોનું પ્રમાણ પિટ અને લિગ્નાઇટ કરતાં ઓછું પણ બિટૂમિનસ, નિમ્ન-ઍન્થ્રેસાઇટ તથા ઍન્થ્રેસાઇટ કરતાં વધુ હોય છે. નિમ્ન બિટૂમિનસ કોલસાના પણ તેમના ઉષ્મામૂલ્ય મુજબ ત્રણ પેટાપ્રકારો પાડેલા છે :

                           પ્રકાર                      ઉષ્મામૂલ્ય (Btu)

        નિમ્ન-બિટૂમિનસ કોલસો A પ્રકાર   13,000થી 11,000

        નિમ્ન-બિટૂમિનસ કોલસો B પ્રકાર   11,000થી 9,500

        નિમ્ન-બિટૂમિનસ કોલસો C પ્રકાર   9,500થી 8,300.

આ ત્રણેય પ્રકારો ભેજવાળા તો હોય છે, પરંતુ ખનિજદ્રવ્યવિહીન હોય છે.

ગિરીશભાઈ પંડ્યા