નિપ્લિંગ, એડ્વર્ડ ફ્રેડ

January, 1998

નિપ્લિંગ, એડ્વર્ડ ફ્રેડ (. 20 માર્ચ 1909, પૉર્ટ લાવેકા, ટૅક્સાસ; . 17 માર્ચ 2000, અર્લિગન, વર્જિનિયા) : કીટકોના વંધ્યીકરણ પરત્વે નોંધપાત્ર ફાળો આપનાર અમેરિકાના પ્રખર કીટક-વિજ્ઞાની. માનવ તેમજ ઘેટાં અને બકરાંની ત્વચાના રોગ માટે જવાબદાર ગુંજનમાખી(blow fly)ના નર પર એક્સ કિરણોના વિકિરણથી વંધ્યીકરણ સિદ્ધ થાય છે. આ પ્રયોગ માટે તેમણે નેધરલૅન્ડ્ઝનો કારાક ટાપુ પસંદ કર્યો અને વિમાન દ્વારા આશરે 440 ચોમી. વિસ્તારમાં આવેલ 4 પેઢી સુધીની કુદરતી કીટકવસતિમાં હજારો વંધ્યીકૃત નર ગુંજનમાખીઓનું વિમોચન કર્યું. આ પ્રયોગના પરિણામે આ ક્ષેત્રમાં આવેલ બધી ગુંજનમાખીઓ નાશ પામી. પ્રયોગ વધુ સફળ થાય તે માટે તેમણેે કીટ-નાશકોનો છંટકાવ અને વંધ્યીકૃત ગુંજનમાખીઓનું વિમોચન  એવી બેવડી પદ્ધતિ અપનાવી હતી. આ સિદ્ધિ માટે તેઓ દુનિયાભરમાં પ્રશંસાપાત્ર બન્યા. અમેરિકાના પ્રેસિડેંટ દ્વારા નૈપુણ્ય સુવર્ણચંદ્રક (1958) અને રાષ્ટ્રીય વિજ્ઞાન સુવર્ણચંદ્રક તેમને એનાયત થયેલ.

નિપ્લિંગ એ. અને એમ. વિશ્વવિદ્યાલય અને આયોવા રાજ્ય વિશ્વવિદ્યાલયમાંથી સ્નાતક થયા અને કીટકવિજ્ઞાની તરીકે યુ.એસ.ના ખેતીવાડી ખાતામાં સંશોધક તરીકે 1931માં જોડાયા. ત્યાં કીટકશાસ્ત્ર અને પરજીવવિજ્ઞાનક્ષેત્રે સંશોધન કરી એમ.એસ (1932) અને પીએચ.ડી(1947)ની ઉપાધિ મેળવીને યુ.એસ.ના મિલિટરી ખાતામાં 1942માં રોગનિયંત્રણ સાથે સંકળાયેલ સંશોધન અંગેના કાર્યક્રમમાં નિયામક તરીકેની ફરજ બજાવી. ત્યારબાદ 1946 સુધી માનવ અને પશુઓને ઉપદ્રવ કરતા કીટકોના નિયંત્રણ અંગેના સંશોધનના પ્રમુખ કીટકવિજ્ઞાની તરીકે જોડાયા. 1953થી 1971 સુધી યુ.એસ.ના ખેતીવાડી ખાતાના ખેતીવાડી સંશોધન વિભાગમાં નિયામક તરીકેની ફરજ બજાવી. 1971થી 1973 સુધી ઉક્ત ખેતીવાડી ખાતાના સલાહકાર બન્યા. ત્યારબાદ 1974 સુધી માનાર્હ કોલૅબોરેટર તરીકે નિમાયા.

તેમણે કીટકોની વસતિ, તેમનો અટકાવ અને તે અંગેના વ્યવસ્થાપન (management) પર આશરે 200 જેટલા સંશોધનલેખો પ્રસિદ્ધ કર્યા છે.

તેમને નૈપુણ્ય માટેનો ઍવૉર્ડ, લશ્કરી ટાયફસ મંડળનો ઍવૉર્ડ, ખેતીવાડી ખાતા તરફથી વિશિષ્ટ કામગીરી માટેનો ઍવૉર્ડ, રૉકફેલર જાહેર સેવા ઍવૉર્ડ ઉપરાંત નૅચરલ મેડલ ઇન સાયન્સ અને સ્વતંત્ર પ્રવૃત્તિ માટેનો ઍવૉર્ડ પણ મળ્યો છે. તેઓ નૅચરલ એકૅડેમી ઑવ્ સાયન્સીઝના સભ્ય પણ હતા.

પરબતભાઈ ખી. બોરડ