નિદ્રા (આયુર્વેદ) : નિદ્રા એ સ્વાભાવિક પ્રક્રિયા છે. ત્રણ ઉપસ્તંભમાં નિદ્રાની ગણતરી કરવામાં આવી છે. ત્રણેય દોષો શરીરના સ્તંભ છે. તેના ઉપર જીવન ટકી રહે છે. ત્રણ ઉપસ્તમ્ભ આહાર, નિદ્રા અને બ્રહ્મચર્ય ત્રણ સ્તંભવાળા શરીરને ટેકારૂપ છે. બ્રહ્મચર્યનો અર્થ ઇન્દ્રિયનિગ્રહ એવો થાય છે. મહર્ષિ સુશ્રુતે નિદ્રાને વૈષ્ણવી શક્તિ અથવા વિષ્ણુની માયા માની છે. આને પાપ્મા પણ કહી છે. વિષ્ણુને પાલક દેવ કહ્યા છે. નિદ્રા પણ પ્રાણીમાત્રની પાલક છે.
નિદ્રા ક્યારે આવે છે ? જ્યારે મન ક્લાન્ત એટલે થાકી જાય, કર્મેન્દ્રિયોને પણ થાક ચડે અને જ્ઞાનેન્દ્રિયો પોતાના વિષયમાંથી નિવૃત્ત થાય ત્યારે નિદ્રા આવે છે (ચરક).
મનમાં (મસ્તિષ્ક અથવા મસ્તુલુંગમાં) અનેક કેન્દ્ર હોય છે. નિદ્રાનું પણ એક કેન્દ્ર છે. ઇન્દ્રિયોના કેન્દ્રથી અલગ કેન્દ્રમાં જ્યારે મન સ્થાનસંશ્રય કરે ત્યારે નિદ્રા આવે છે એમ ચક્રપાણિ કહે છે. સુશ્રુત કહે છે : ‘હૃદય ચેતનાનું સ્થાન છે, જ્યારે ચેતનાનું સ્થાન તમોગુણથી અભિભૂત થાય ત્યારે નિદ્રા ઉત્પન્ન થાય છે.’
નિદ્રાના ગુણો : યોગ્ય પ્રમાણમાં નિદ્રા લેવાથી સુખ, પુષ્ટિ, બલ, વૃષતા, જ્ઞાન અને જીવનની વૃદ્ધિ થાય છે. એટલે જીવન માટે યુક્ત નિદ્રા અને અવબોધ (જાગૃતિ) આવશ્યક છે. વિધિપૂર્વક નિદ્રા ન લેવાથી વિપરીત અસર થાય છે. જેમ કે દિવાસ્વપ્ન અથવા અતિનિદ્રાથી કફપ્રકોપ અને તમોગુણની વૃદ્ધિ થાય છે. રાત્રિજાગરણથી રુક્ષતા અને વાતપ્રકોપ થાય છે. સંક્ષેપમાં અકાલનિદ્રા, અતિનિદ્રા કે અનિદ્રાને કાલરાત્રિ કહી છે. યુક્તનિદ્રા યોગી અને મનુષ્ય બન્નેને સુખાયુ, સત્યા બુદ્ધિ અને સિદ્ધિ આપે છે.
નિદ્રાવિકૃતિ મુખ્યત્વે 2 પ્રકારની છે : (1) અનિદ્રા અને નિદ્રાધિક્ય અથવા અતિનિદ્રા. પણ બીજી બે વિકૃતિનું વર્ણન પણ મળે છે – વિક્ષિપ્ત નિદ્રા એટલે કટકે કટકે ઊંઘ આવવી, અકાલ નિદ્રા એટલે યોગ્ય સમયે ઊંઘ ન આવે પણ અયોગ્ય સમયે નિદ્રા આવવી. આ ઉપરાંત સ્વપ્નમય નિદ્રાનું પણ વર્ણન મળે છે.
આયુર્વેદમાં નિદ્રાના નીચે પ્રમાણે ભેદ બતાવ્યા છે : (1) તમોભવા, (2) શ્લેષ્મસમુદભવા, (3) મન:શરીરશ્રમસંભવા, (4) આગન્તુકી, (5) વ્યાધ્યનુવર્તિની અને (6) રાત્રિસ્વભાવપ્રભવા નિદ્રા.
રાત્રિસ્વભાવપ્રભવા નિદ્રાને ભૂતધાત્રી એટલે પ્રાણીમાત્રનું ધારણ અને પોષણ કરનારી માની છે. તમોભવા નિદ્રા તમોગુણી અને આળસુ વ્યક્તિને આવે છે અને તેને પાપનું મૂળ માની છે. બીજા બધા પ્રકારની નિદ્રા વ્યાધિસ્વરૂપ છે.
સુશ્રુતે નિદ્રાના ત્રણ ભેદ માન્યા છે : (1) તામસી, (2) સ્વાભાવિકી અને (3) વૈકારિકી.
સ્વાભાવિકી નિદ્રા : સામાન્ય રીતે રાત્રે જ નિદ્રા આવે છે. પણ કર્મઠ વ્યક્તિ કામ કરતાં થાકે ત્યારે સ્વાભાવિક રીતે જ ઊંઘી જાય.
તામસી નિદ્રા : સંજ્ઞાવહ સ્ત્રીતસમાં તમ:પ્રધાના શ્લેષ્મા આક્રમણ કરે ત્યારે તામસી નિદ્રા ઉત્પન્ન થાય છે. મૃત્યુ સમયે આવી આગન્તુકી નિદ્રા થાય. તેમાંથી ઊઠી શકાતું નથી. એટલે આ પ્રકારની નિદ્રાને ‘અનવબોધિની નિદ્રા’ પણ કહેવાય છે.
વૈકારિકી નિદ્રા : આ નિદ્રા રોગાવસ્થામાં ઉત્પન્ન થાય છે. ચરક-સુશ્રુત બંનેમાં નામભેદ સિવાય વર્ણન સમાન છે; જેમ કે, રાત્રિસ્વભાવપ્રભવા નિદ્રા અને મન:શરીરશ્રમસંભવા નિદ્રા સુશ્રુતોક્ત સ્વાભાવિકી નિદ્રાને મળતી છે. તમોભવા નિદ્રા સુશ્રુતોક્ત ‘તામસી’ નિદ્રાને મળતી છે. બાકીની બધા પ્રકારની નિદ્રા ‘વૈકારિકી નિદ્રા’ના પ્રકારો છે.
દિવાસ્વપ્ન : સામાન્ય રીતે દિવાસ્વપ્ન એટલે દિવસે ઊંઘવું નિષિદ્ધ છે; પણ ગ્રીષ્મ ઋતુમાં બપોરે થોડો સમય નિદ્રા નિષિદ્ધ નથી. રાત્રે જેટલો સમય જાગરણ કર્યું હોય તેનાથી અર્ધો સમય બપોરે નિદ્રા લેવી નિષિદ્ધ નથી.
દિવાસ્વપ્ન કોને જરૂરી છે : યોગ્ય પુરુષો : (1) ગીત, અધ્યયન, ભારહરણ, મુસાફરી વગેરેથી કૃશ વ્યક્તિ, (2) કૃશ, ક્ષીણ કે બીજા કારણથી કૃશ વ્યક્તિ, (3) વૃદ્ધ, (4) બાળક, (5) કેટલાક રોગો જેમ કે અજીર્ણ, ક્ષત, ક્ષતક્ષીણ, તૃષ્ણા, અતિસાર, તમકશ્વાસ અને અભિઘાતથી વાતપ્રકોપ થયો હોય, (6) ક્રોધ, શોક વગેરેમાં માનસિક શાંતિ માટે, (7) દિવાસ્વપ્નની ટેવ હોય તેવાને દિવાસ્વપ્ન નિષિદ્ધ નથી. આ ઉપરાંત માનસ-શારીર રોગો જેમ કે હૃદ્રોગ વગેરેમાં પણ નિષિદ્ધ નથી.
દિવાસ્વપ્નનિષેધ : દિવાસ્વપ્નથી મુખ્યત્વે કફનો પ્રકોપ થાય છે અને થોડા પ્રમાણમાં ગૌણ રૂપે પિત્ત પ્રકોપ પણ થાય છે. તેથી મેદસ્વી પુરુષો, સ્નિગ્ધ આહારભોજી, કફપ્રકૃતિ પુરુષો, કફજન્ય રોગો, દૂષીવિષથી પીડિત લોકોને દિવાસ્વપ્ન નિષિદ્ધ છે. આવા લોકો જો દિવાસ્વપ્ન કરે તો હલીમક, શિર:શૂલ, સ્તૈમિત્ય, અંગગૌરવ, અગ્નિમાન્દ્ય, હૃદયોપલેપ, અરુચિ, પીનસ, ત્વગ્રોગો થવાનો સંભવ રહે છે. દૂષી-વિષપીડિતને દૂષીવિષમાં વૃદ્ધિ થાય છે.
સ્વપ્નદર્શન : જ્યારે માણસ ગાઢ નિદ્રામાં ન હોય ત્યારે સ્વપ્ન આવે છે. સ્વપ્ન સફલ અને અફલ બન્ને પ્રકારનાં હોય છે. જો પ્રબલ ત્રિદોષના પ્રકોપથી મનોવહ સ્રોતો પૂર્ણ હોય તો દારુણ સ્વપ્ન આવે છે.
સ્વપ્નના પ્રકારો : દૃષ્ટ, શ્રુત, અનુભૂત, પ્રાર્થિત, કલ્પિત, ભાવિક એટલે ભવિષ્યમાં શુભાશુભ ફલ આપનાર અને દોષપ્રકોપથી આવતાં સ્વપ્ન. આમાંથી દૃષ્ટ, શ્રુત, અનુભૂત પ્રાર્થિત અને કલ્પિત સ્વપ્ન અફલ હોય છે. પ્રથમ રાત્રિએ આવેલ સ્વપ્ન અલ્પફલદાયક છે. સ્વપ્ન પછી જો ઊંઘ ન આવે તો મહાફલદાયક છે. અકલ્યાણકારક સ્વપ્ન પછી તરત જ સૌમ્ય કે શુભ સ્વપ્ન આવે તો શુભફલદાયક છે.
નિદ્રાવિપર્યયની ચિકિત્સા : (1) નિદાનપરિવર્જન : જે કારણથી રોગ થયો હોય તે કારણ દૂર કરવું.
નિદ્રાનાશમાં અભ્યંગ, ઉત્સાદન, સ્નાન, દૂધ-દહીં, સ્નેહ સાથે શાલિચાવલનું સેવન, મન:સુખ, મદ્યપાન કરાવવું. મનોનુકૂલ ગંધ, શબ્દ, ગીત વગેરેનું સેવન, આમળા જેવાં શીત દ્રવ્યોનો શિર પર લેપ, સુખશય્યા, સુખદાયક સ્થાન, યોગ્ય સમયે નિદ્રા અને ઊઠવાની ટેવ પાડવી. છતાં ઊંઘ ન આવે તો નિદ્રાપ્રદ ઔષધિ જેવી કે પારસિક થવાની, જટામાંસી, શતાવરી, પિપ્પલીમૂલ વગેરેનો પ્રયોગ કરવો. નિદ્રોદયરસ વગેરે પણ થોડો સમય આપી શકાય.
અતિનિદ્રાચિકિત્સા : કાયવિરેચન, શિરોવિરેચન, ભય-ચિન્તા વગેરે ઉત્પન્ન કરવાં. ધૂમ્રપાન, વ્યાયામ, રક્તમોક્ષણ, ઉપવાસ, અસુખશય્યા, આસન અને સત્વગુણની વૃદ્ધિ કરવી, તમોગુણનો નાશ કરવો અને કાળ, વિકાર, પ્રકૃતિ અને કાળ પ્રમાણે વાયુની વૃદ્ધિ કરવી જરૂરી છે. અગ્નિતુંડી જેવાં દ્રવ્યો આપી શકાય.
ચં. પ્ર. શુક્લ