નિકોલસન બેન [Nicholson Ben]

January, 1998

નિકોલસન, બેન [Nicholson, Ben] (10 એપ્રિલ 1894, બકીંગહામશાયર, યુ.કે.; . 6 ફેબ્રુઆરી 1982, લંડન, યુ.કે.) : બ્રિટિશ અગ્રણી અમૂર્તવાદી આધુનિક (modern abstractionist) ચિત્રકાર અને શિલ્પી. તેઓ ઓગણીસમી સદીના પ્રસિદ્ધ ચિત્રકાર સર વિલિયમ નિકોલસનના પુત્ર હતા. લંડન ખાતે સ્લેડ સ્કૂલ ઑફ ફાઇન આર્ટમાં તેમણે 1910થી 1911 સુધી કલાનું શિક્ષણ ગ્રહણ કર્યું. કારકિર્દીના આરંભે તેમણે રંગમંચ માટે પિછવાઈ અને પોસ્ટર્સ આલેખ્યાં. પ્રથમ વિશ્વયુદ્ધ વેળા રણમોરચે જવાની ફરજમાંથી બ્રિટિશ સરકારે તેમને મુક્તિ આપી, કારણ કે તેઓ અસ્થમાથી પીડાતા હતા. 1920 પછી બેન ચિત્રકાર પાબ્લો પિકાસો અને ઘનવાદ(ક્યૂબિઝમ)ના પ્રભાવ હેઠળ આવ્યા, બેનનાં ચિત્રોમાં ઘનવાદી વલણ સ્પષ્ટ થયું. 1923માં બેને આદિમતાવાદી (Primitive) ચિત્રકાર રૂસોની ચિત્રશૈલી આત્મસાત્ કરી તે શૈલીમાં પ્રકૃતિના વિવિધ ઘટકો અને માનવીનું આલેખન કરવું શરૂ કર્યું. 1926માં બેન કલાકારજૂથ ‘સેવન ઍન્ડ ફાઇવ’ સોસાયટીના ચૅરમૅન બન્યા.

1930થી બેન શિલ્પીઓ હેન્રી મૂર અને બાર્બરા હેપવર્થના પ્રભાવ હેઠળ આવ્યા અને એ બે શિલ્પીઓની આદિમતાવાદી શૈલી બેને સર્જેલાં શિલ્પોમાં પણ પ્રગટી. 1930માં જ અમૂર્ત ચિત્રકાર પિથે મોન્દ્રિયાં(Mondrian)નાં ભૌમિતિક આકારોથી રચેલાં અમૂર્ત ચિત્રોનો પ્રભાવ પણ બેનની કલા પર પડ્યો. પરિણામે બેનનાં નવાં ચિત્રો પણ ભૌમિતિક-અમૂર્ત સર્જાયાં. માછીમાર અને ચિત્રકાર આલ્ફ્રેડ વાલીસ તથા ચિત્રકાર ક્રિસ્ટોફર વૂડની આદિમતાવાદી અને બાળસહજ ચિત્રકલાનો પણ પ્રભાવ બેને ઝીલ્યો. આ વિવિધ પ્રભાવો ઝીલીને બેનની કલામાં પ્રૌઢિ પ્રગટી અને તેમની નિજી અમૂર્ત શૈલીનો આવિષ્કાર થયો. 1933-34માં બેને પૅરિસ ‘ઍબ્સ્ટ્રૅક્શન – ક્રિયેશન ગ્રૂપ’નાં પ્રદર્શનોમાં પોતાનાં ચિત્રો અને શિલ્પો રજૂ કર્યાં. 1943માં તેઓ સેંટ આઇવ્ઝ સોસાયટી ઑફ આર્ટિસ્ટમાં જોડાયા પછી તેમણે બ્રિટનમાં અનેક જાહેર ઠેકાણે મ્યુરલો ચીતર્યાં અને જાહેર સ્થળોએ તેમનાં રચેલાં શિલ્પો કાયમી ધોરણે મુકાયાં. આ નમૂનાઓમાં તેમની પરિપક્વ શૈલીનો પરચો જોવા મળે છે, જેમાં અમૂર્ત, બાળસહજ તેમજ આદિમતાવાદી કલા તરફનો ઝોક સ્પષ્ટ થાય છે. તેમનાં બીજાં ચિત્રો અને શિલ્પો ટેટ ગૅલરી (લંડન), આર્ટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ શિકાગો ઉપરાંત સંગ્રહોમાં સંગ્રહ થયાં છે.

તેમણે ત્રણ વાર લગ્ન કર્યાં હતાં. પ્રથમ પત્ની વિનીફ્રેડ રૉબટર્સ ચિત્રકાર હતાં. તેમના મૃત્યુ પછી તેમણે બીજું લગ્ન ચિત્રકાર અને શિલ્પી બાર્બરા હેપવર્થ સાથે કર્યું. તેમના મૃત્યુ પછી તેમણે ત્રીજું લગ્ન ફેલિસિટેસ વોગ્લર સાથે કર્યું જેઓ ફોટોગ્રાફર હતાં.

અમિતાભ મડિયા