નિકાસ શાખ બાંયધરી કૉર્પોરેશન (Export Credit and Guarantee Corporation of India)
January, 1998
નિકાસ શાખ બાંયધરી કૉર્પોરેશન (Export Credit and Guarantee Corporation of India) : નિકાસકારોને તેમની નિકાસોના બદલામાં વિદેશોમાંથી થનાર ચુકવણીઓમાં રહેલા જોખમ માટે વીમા દ્વારા રક્ષણ પૂરું પાડતું કૉર્પોરેશન. માલની નિકાસ જે દેશમાં કરવામાં આવી હોય તેમાં રાજકીય અશાંતિ સર્જાય, સરકાર વિદેશી ચુકવણી પર પ્રતિબંધ ફરમાવે, વિદેશી આયાતકાર નાદારી નોંધાવે વગેરે કારણોથી નિકાસોની ચુકવણી ન થવાનું જોખમ ઊભું થઈ શકે. આ જોખમની સામે નિકાસકાર આ કૉર્પોરેશન પાસેથી વીમો ખરીદીને જોખમથી મુક્ત થઈ શકે છે. ભારત સરકારે જુલાઈ, 1964માં પાંચ કરોડ રૂપિયાની સત્તાવાર મૂડીથી નિકાસ જોખમ વીમા કૉર્પોરેશન(Export Risk Insurance Corporation)ની સ્થાપના કરી હતી. 1983માં તેનું રૂપાંતર કરી નિકાસ શાખ બાંયધરી કૉર્પોરેશન અસ્તિત્વમાં આવ્યું. તેની સત્તાવાર મૂડી રૂ. 5,000 કરોડની છે અને ભરપાઈ થયેલી મૂડી રૂ. 1,200 કરોડ છે. તેનો વહીવટી અંકુશ ઉદ્યોગ-મંત્રાલય પાસે છે અને 13 સભ્યોથી વધુ નહિ એવું સંચાલકમંડળ તેનો રોજિંદો વહીવટ કરે છે. તેના ઉદ્દેશો : (1) નિકાસલક્ષી ઉદ્યોગોને પ્રોત્સાહન પૂરું પાડવું; (2) વીમા કંપની અને વેપારી બૅન્કો પાસેથી જે સેવાસહાય ન મળે તે બધા જ પ્રકારની સેવાસહાય આપવી; (3) નિકાસલક્ષી ઉદ્યોગોને હળવી શરતોએ ધિરાણ પૂરું પાડવું; (4) વેપારી બૅંકોને નિકાસકાર વતી બાંયધરી આપવી; અને (5) રાજકીય અને વેપારી વલણોથી નિકાસકારોને નુકસાન થાય તે માટેની ખાસ પ્રકારની વીમા-પૉલિસીથી રક્ષણ આપવું. આવા અનેક ઉદ્દેશો દ્વારા નિકાસ વેપાર વિકસાવવા માટે આ કૉર્પોરેશનની સ્થાપના કરવામાં આવી હતી.
જશવંત મથુરદાસ શાહ