નિકારાગુઆ : ઉત્તર અને દક્ષિણ અમેરિકી ખંડોને જોડતી સંયોગી ભૂમિનો સૌથી મોટો દેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 10° 43’થી 15° 00’ ઉ.અ. અને 83° 10’થી 87° 40’ પ.રે. વચ્ચે વિસ્તરેલો છે. ક્ષેત્રફળ : 1,30,373 ચોકિમી.. તેની ઉત્તરે હૉન્ડુરાસ અને દક્ષિણે કૉસ્ટારીકાના દેશો તથા પૂર્વમાં કૅરિબિયન સમુદ્ર અને પશ્ચિમે પૅસિફિક મહાસાગર આવેલા છે. આ દેશને કુલ 910 કિમી. લંબાઈનો દરિયાકિનારો છે.
પ્રાકૃતિક રચના : આ દેશનો ઉત્તર તથા પશ્ચિમ ભાગ પર્વતો અને ઉચ્ચપ્રદેશથી બનેલો છે. ઉત્તરે હૉન્ડુરાસની સરહદ નજીકના ભૂપૃષ્ઠની સરેરાશ ઊંચાઈ 1,700 મીટરની છે, દક્ષિણ તરફ જતાં ઊંચાઈ ઘટતી જાય છે. દેશનું વધુમાં વધુ ઊંચાઈ (2,438 મીટર) ધરાવતું સ્થળ મધ્યભાગમાં આવેલું છે. પૅસિફિક-તટ નજીક અસંખ્ય જ્વાળામુખીઓ આવેલા છે, તૈ પૈકી કેટલાક સક્રિય છે. અહીંની મોટાભાગની નદીઓનો જળપરિવાહ પૂર્વતરફી છે. કોકો અથવા સેગોવિયા, રિયો દ મૅટાગેલ્પા અને સાન હવાન અહીંની મુખ્ય નદીઓ છે, તે કૅરિબિયન સમુદ્રને મળે છે. તેમણે પાથરેલા કાંપથી પૂર્વ કિનારાનું મેદાન રચાયેલું છે. સમુદ્રકિનારા નજીકનો તેનો કેટલોક ભાગ પંકભૂમિવાળો બની રહેલો છે. પૅસિફિક કિનારા નજીક ‘નિકારાગુઆ’ તથા ‘માનાગુઆ’ સરોવરો તેમજ સાન હવાન નદીખીણનો પ્રદેશ આવેલાં છે.
પ્રાકૃતિક રચનાની દૃષ્ટિએ દેશના ત્રણ કુદરતી વિભાગો પડે છે : (1) પૅસિફિક વિસ્તાર : પૅસિફિક તટ પર 910 મીટર સુધીની ઊંચાઈ ધરાવતા પર્વત છે. કિનારાથી ભૂમિભાગ તરફ ઉત્તરે હૉન્ડુરાસથી દક્ષિણે કૉસ્ટારિકા સુધી નીચાણવાળો વિભાગ છે. જ્વાળામુખીઓ તથા નિકારાગુઆ-માનાગુઆ સરોવરો અહીં આવેલાં છે. દેશનાં મોટાં શહેરો અને વિશાળ ખેતરો પણ અહીં જ છે. (2) મધ્યનો ઊંચાણવાળો વિસ્તાર : આ દેશનો ઊંચામાં ઊંચો અને ઠંડામાં ઠંડો વિસ્તાર ગણાય છે. અહીંની કૉર્ડિલેરા ઇસાબેલા પર્વતમાળામાં આવેલું સર્વોચ્ચ શિખર (અનામી) 2,438 મીટરની ઊંચાઈ ધરાવે છે. પર્વતશૃંખલાઓ વચ્ચે ખીણો તથા ઢોળાવો પર જંગલો છવાયેલાં છે. (3) કૅરિબિયન વિસ્તાર : દેશના પૂર્વ ભાગમાં આવેલો આ પ્રદેશ લગભગ સપાટ મેદાનોવાળો છે. વચ્ચે વચ્ચે ઊંચાણવાળા ભાગો પણ આવેલા છે. પશ્ચિમ તરફ જતાં તે ઊંચા ઢોળાવોનો વિભાગ રચે છે. મધ્યના ઉચ્ચપ્રદેશીય વિસ્તારમાંથી નીકળતી નદીઓ આ મેદાનોમાં થઈને વહે છે. નદીઓની આજુબાજુ ખેતીયોગ્ય જમીનો તૈયાર થયેલી છે. અહીં વરસાદનિર્મિત જંગલો ઊગી નીકળેલાં છે, તેના ઉત્તર ભાગોમાં તાડ અને દેવદારનાં વૃક્ષો સહિત ઘાસનો પ્રદેશ છે. દૂરતટીય નાના નાના સંખ્યાબંધ ટાપુઓ આવેલા છે.
આબોહવા : આ દેશની આબોહવા અયનવૃત્તીય છે, તેમ છતાં ભૂપૃષ્ઠભેદે તેમાં તફાવત જોવા મળે છે. કિનારા નજીકના પ્રદેશોની આબોહવા ગરમ અને ભેજવાળી રહે છે. પહાડી ક્ષેત્રોમાં તે નરમ બને છે. મેદાનોમાં અને પહાડી ક્ષેત્રોમાં વર્ષભરનું સરેરાશ તાપમાન અનુક્રમે 27° સે. અને 18° સે. જેટલું અનુભવાય છે. પૂર્વનાં કેટલાંક સ્થળો પર ઈશાનકોણી વ્યાપારી પવનો 5,000 મિમી. સુધીનો વરસાદ આપે છે. પૅસિફિક વિસ્તારમાં, મધ્ય ઉચ્ચપ્રદેશીય વિસ્તારમાં અને કૅરિબિયન વિસ્તારમાં વાર્ષિક વરસાદનું પ્રમાણ અનુક્રમે 1,500 મિમી., 2,500 મિમી. અને 4,200 મિમી. જેટલું રહે છે.
જંગલો–દરિયાઈ સંપત્તિ : દેશનો લગભગ 50 % વિસ્તાર જંગલોથી છવાયેલો છે. જંગલોમાંથી વ્યાપારી ધોરણે લાકડાં મેળવાય છે, આ પૈકી મેહૉગનીનું લાકડું શ્રેષ્ઠ ગણાય છે. સાન હવાન હેલ નૉર્ટે, બ્લુફિલ્ડ તથા પ્યુર્ટો કાબેસાસ બંદરો પરથી લાકડાંની નિકાસ કરવામાં આવે છે. કૅરિબિયન સમુદ્રકાંઠેથી શ્રિંપ માછલી પકડવામાં આવે છે, નજીકમાં સ્થાપવામાં આવેલાં કારખાનાંઓમાં તેને વાતશૂન્ય ડબ્બાઓમાં પૅક કરી યુ.એસ. તથા સંયોગી ભૂમિના અન્ય દેશોમાં તે માટેનું બજાર ઉપલબ્ધ હોઈ ત્યાં મોકલવામાં આવે છે.
ખેતી–પશુપાલન : નિકારાગુઆ ખેતીપ્રધાન દેશ ગણાય છે. તેની આશરે 12% ભૂમિ ખેતી હેઠળ છે. દેશની લગભગ 67% વસ્તી સ્વાવલંબી ખેતી અને બાગાયતી ખેતપ્રવૃત્તિ દ્વારા રોજી મેળવે છે. કૉફી અને કપાસ અહીંની નિકાસપાત્ર મુખ્ય પેદાશો છે. મકાઈ અને વાલ જેવા ખાદ્ય કૃષિપાકો ઉગાડવા સરકારી પ્રોત્સાહન મળે છે. આ ઉપરાંત કેળાં, કોકો, શેરડી, ડાંગર અને તલ જેવા વ્યાપારી પાકો પણ લેવાય છે. મેદાનોમાં તેમજ દક્ષિણના પહાડી પ્રદેશોમાં પશુપાલનકેન્દ્રો વિકસ્યાં છે. અહીંથી જીવતાં ઢોર, ઠારેલું માંસ તથા ચામડાંની દરિયાઈ માર્ગે નિકાસ કરવામાં આવે છે.
કુદરતી સંપત્તિ–ઉદ્યોગો : જ્વાળામુખીની ભસ્મ ભળવાથી અહીંની જમીનો ફળદ્રુપ બનેલી છે, જે દેશ માટે કુદરતી સંપત્તિ બની રહી છે. સોનું અહીંની મુખ્ય ખનિજસંપત્તિ છે, તે દેશના ઈશાન અને પશ્ચિમ ભાગોમાંથી મળે છે. અમુક પ્રમાણમાં તાંબા અને ચાંદીનાં ખનિજો પણ મળે છે. વિયેજો તથા ટ્યુમા નદીઓ પરની જળવિદ્યુત યોજનાઓ દેશની આંશિક વીજ-જરૂરિયાતો પૂરી પાડે છે.
દેશમાં ઔદ્યોગિક ક્ષેત્રે ઝાઝો વિકાસ સધાયો નથી, તેમ છતાં અહીં મુખ્યત્વે સુતરાઉ કાપડ, કપડાં, પીણાં, ખાંડ, પગરખાં, સિમેન્ટ, સિગારેટ, લાકડાં, રસાયણો, વપરાશી ચીજવસ્તુઓ, પ્રક્રમિત ખાદ્યપદાર્થો પેદા કરવા માટેના મધ્યમ અને નાના પાયાના એકમો વિકસ્યા છે. દેશના 50% ઉદ્યોગો પાટનગર માનાગુઆમાં કેન્દ્રિત થયેલા છે. દેશની 33% કંપનીઓ સરકાર હસ્તક છે; બાકીની 67% ખાનગી ક્ષેત્ર હેઠળ છે અને તે પૈકીની ચોથા ભાગની કંપનીઓ વિદેશી માલિકીની છે.
છૂટક અને જથ્થાબંધ પેદાશોનું બજાર અહીં વિશેષ વિકસ્યું છે. બૅંકિંગ, વીમાકીય સેવાઓ, મિલકતો, પરિવહન, માહિતીપ્રસારણ તેમજ ઉપભોક્તા ચીજવસ્તુઓની વ્યાવસાયિક પ્રવૃત્તિઓ અહીં ચાલે છે. દેશના મુખ્ય વેપારી સહભાગીઓમાં મેક્સિકો, રશિયા, યુ.એસ., જાપાન, જર્મની, નેધરલૅન્ડ્ઝ અને બેલ્જિયમ જેવા દેશોનો સમાવેશ થાય છે. નિકારાગુઆ પાંચ રાષ્ટ્રોના બનેલા મધ્ય અમેરિકી સહિયારા બજારનું સભ્ય પણ છે.
પરિવહન : આ દેશમાં આશરે 344 કિમી.ના રેલમાર્ગો તથા 20,333 કિમી. લંબાઈના સડકમાર્ગો છે. પાટનગર માનાગુઆ પાન અમેરિકન ધોરી માર્ગ દ્વારા પડોશી દેશો સાથે તેમજ રેલમાર્ગો દ્વારા અહીંના મુખ્ય બંદર કોકરિન્ટો સાથે સંકળાયેલું છે. 60% વિદેશવ્યાપાર આ બંદરેથી થાય છે. રેલમાર્ગ મુખ્યત્વે પૅસિફિક વિસ્તારમાં છે. ગીચ વસ્તીવાળા પ્રદેશમાં જ્યાં યાંત્રિક પરિવહન-સેવા ઉપલબ્ધ નથી, ત્યાં બળદગાડાં કે ખચ્ચરોનો ઉપયોગ થાય છે. અહીંથી કપાસ, કૉફી, ખાંડ, કેળાં, લાકડાં અને માંસની નિકાસ તથા રસાયણો, યંત્રસામગ્રી, ધાતુપેદાશો અને ઇંધનતેલની આયાત થાય છે. તેના પાટનગર માનાગુઆ ખાતે ઑગસ્ટો સાન્ડિનો નામે એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આવેલું છે.
સંદેશાવ્યવહાર–માહિતીપ્રસારણ : આ દેશમાં બહુ જ ઓછાં દૈનિકપત્રો બહાર પડે છે, જેમાં La Presna અને El Nuevo Diario જાણીતાં છે. પોસ્ટ, ટેલિફોન, ટેલિગ્રાફ સેવાઓ માત્ર શહેરો અને નગરો પૂરતી ઉપલબ્ધ છે અને તે સરકાર હસ્તક છે, જ્યારે રેડિયો-દૂરદર્શન સેવાઓ જાહેર ક્ષેત્ર હસ્તક છે.
વસ્તી–વસાહતો : 2020ની વસ્તીગણતરી મુજબ દેશની વસ્તી લગભગ 62 લાખ જેટલી છે. શહેરી વસ્તી 60% અને ગ્રામીણ વસ્તી 40% છે. વસ્તીગીચતા દર ચોકિમી.એ આશરે 30 વ્યક્તિઓની છે. અહીં 77% મેસ્ટીઝો, 7% શ્વેત, 9% અશ્વેત અને 4% ઇન્ડિયન જાતિની વસ્તી છે. વસ્તીનું કેન્દ્રીકરણ પૅસિફિકનાં મેદાનોમાં, જ્વાળામુખીઓના ઢોળાવો પર તથા સરોવરો નજીક થયેલું છે. દેશની 25% વસ્તી માનાગુઆ સરોવર પરના પાટનગર માનાગુઆમાં વસે છે. માનાગુઆ, લેયૉન, ગ્રેનેડા, મસાયા, ચિનાનડેગા, મૅટાગેલ્પા, એસ્તેલી અને જીનોટેપ મુખ્ય મોટાં શહેરો તથા રિવાસ, દીરિયામ્બા અને બ્લુફિલ્ડ મુખ્ય નગરો છે.
અહીં 6થી 12 વર્ષનાં બાળકો માટે શિક્ષણ ફરજિયાત છે. 1980 પછી સરકારે શિક્ષણનો પ્રસાર વધાર્યો છે. દેશમાં ત્રણ યુનિવર્સિટીઓ દ્વારા ઉચ્ચ શિક્ષણ અપાય છે. નિકારાગુઆ નૅશનલ યુનિવર્સિટી (1812) અહીંની જૂનામાં જૂની અને મોટી યુનિવર્સિટી છે.
લોકોની જીવનશૈલી સ્પૅનિશ-અમેરિકી લોકો જેવી છે. તેઓ રોમન કૅથલિક ધર્મ પાળે છે અને સ્પૅનિશ ભાષા બોલે છે. ઇન્ડિયન જાતિસમૂહો તેમની પોતાની ભાષાનો ઉપયોગ કરે છે. દેશની ત્રીજા ભાગની પ્રજા ગરીબ ખેડૂતોની છે. તેઓ ખેતરોમાં કામ કરે છે. કૅરિબિયન ઇન્ડિયનો અને અશ્વેતો માછીમારીનું, લાકડાં કાપવાનું, ખેતરો કે ખાણોમાં મજૂરીનું કામ કરી જીવનનિર્વાહ કરે છે. મોટાભાગની ગરીબ પ્રજા તાડપત્રીઓનાં, માટીનાં નળિયાંની છતવાળાં ઘરોમાં રહે છે.
ઇતિહાસ : ઈ. સ. 1500 અગાઉની નિકારાગુઆના ઇતિહાસની કોઈ માહિતી ઉપલબ્ધ નથી. 16મી સદીના પ્રારંભમાં સ્પેનના સાહસિકો પૅસિફિક વિસ્તારમાં આવ્યા ત્યારે તેમણે ઇન્ડિયન રજવાડાં, કિલ્લેબંધીવાળાં નગરો અને બજારો જોયેલાં. ત્યારે ઉચ્ચ વર્ગના લોકો ગુલામો રાખતા. સ્પૅનિયાર્ડોએ અહીંની નિકારાઓ જાતિ પરથી આ પ્રદેશને ‘નિકારાગુઆ’ નામ આપ્યું. ત્યારપછી સ્પૅનિશો-ઇન્ડિયનોના સંબંધથી મિશ્રપ્રજા અને પરંપરા ઊભી થતી ગઈ.
1502માં અહીં ક્રિસ્ટૉફર કોલંબસ આવેલો, તેણે આ વિસ્તાર પર સ્પેનનો દાવો કરેલો. 1522 અને 1524માં આવેલાં બે સ્પૅનિશ અભિયાનોએ અહીંના ઘણા લોકોને રોમન કૅથલિક બનાવેલા. 1570માં પૅસિફિક વિસ્તાર સ્પેનના તાબા હેઠળ આવેલો.
1600–1700ના ગાળામાં અંગ્રેજોએ કૅરિબિયન વિસ્તાર પર કબજો કરી દીધેલો અને ઇન્ડિયનો પર પોતાનું વર્ચસ જમાવી દીધેલું; પરંતુ 17મી સદીની મધ્યમાં યુ.એસ. સાથે થયેલા કરારો હેઠળ અહીંનો વિસ્તાર ખાલી કરી દીધો. આ અગાઉ 1821માં મધ્ય અમેરિકી દેશોએ સ્વાતંત્ર્ય મેળવવાની જાહેરાત કરી, 1823માં તેમાં ભંગાણ પડ્યું. તેમાંથી મધ્ય-અમેરિકી દેશોનાં જોડાણની વ્યવસ્થા ઊભી થઈ. આ જોડાણમાં પણ ભાગલા પડ્યા. 1838માં નિકારાગુઆ તેમાંથી છૂટું પડ્યું. તે પછી અહીંના રૂઢિચુસ્તો અને ઉદ્દામવાદીઓ વચ્ચે ઝઘડા થયા. ઉદ્દામવાદીઓએ નિકારાગુઆની સત્તા મેળવવા માટે જે અમેરિકી સાહસિક વિલિયમ વૉકરની સહાય લીધી, તેણે પોતે જ 1855માં હુમલો કરી સત્તા કબજે કરી લીધી. આથી 1857માં બંને પક્ષો એક થયા અને વૉકરને હાંકી કાઢ્યો.
આ ગાળા દરમિયાન પૅસિફિક-ઍટલૅન્ટિક મહાસાગરોને જોડવા માટે નિકારાગુઆ સરોવરમાં થઈને સંયોગી ભૂમિની આરપાર નહેર બનાવી આપવાનું અને તે બદલ કેટલાક હક્કો મળે એવું યુ.એસ. તરફથી સૂચન આવેલું. 1901માં અહીંની તત્કાલીન સરકારે આ સૂચિત નહેર માટે યુ.એસ.ના હક્કો પર મર્યાદાઓ મૂકી. યુ.એસ.ને તે માન્ય ન હોવાથી અહીંની સરકારે યુ.એસ.ના કોઈ હરીફ દેશને નહેરના હક્કો આપવાની ધમકી આપી તેમજ યુ.એસ.ની ઘણી પેઢીઓના નિકારાગુઆમાં કામ કરવાના કરારો રદ કરવાની જાહેરાત કરી. 1909માં અહીંના પ્રમુખ વિરુદ્ધ બળવો થયો, યુ.એસ. સરકારે બળવાખોરીની તરફેણ કરી. પ્રમુખને સત્તા છોડવી પડી. 1911માં યુ.એસ.ની બૅંકોએ નિકારાગુઆને ધિરાણ કરવા માંડ્યું. દેવું ભરપાઈ ન થાય ત્યાં સુધી (1925) અહીં યુ.એસ.નું વર્ચસ જળવાઈ રહ્યું, જે વધુ 1933 સુધી ચાલુ રહ્યું. અહીં ફરીથી બળવો થયો. યુ.એસ.ની લશ્કરી ટુકડીઓને નિકારાગુઆ છોડી જવાની ફરજ પડી. 1937થી 1979 સુધી અહીં સોમોઝા અને તેના કુટુંબનું આધિપત્ય રહ્યું. રાજકીય સ્થિરતા આવી. 1968–1980 દરમિયાન યુ.એસ.ની સહાયથી અહીં 257 કિમી. લાંબો માર્ગ બંધાયો. દેશની આર્થિક સ્થિતિમાં સુધારો થતો ગયો.
1972માં થયેલા ભીષણ ભૂકંપથી માનાગુઆ શહેર તારાજ થઈ ગયું. 5,000 માણસો મરણ પામ્યા. આ શહેર ફરીને ઊભું કરવામાં આવ્યું. સોમોઝાએ સત્તાનાં કેટલાંક સૂત્રો પ્રજાને સોંપ્યાં ખરાં, પણ આખરી સત્તા પોતાની પાસે રાખી. 1974માં તે છ વર્ષ માટે પ્રમુખ તરીકે ફરીથી ચૂંટાઈ આવ્યો; તેમ છતાં 1980 સુધીના સમય દરમિયાન તેની વિરુદ્ધ ચળવળો થતી રહી. પરિણામે 1978માં આંતરવિગ્રહ ફાટી નીકળ્યો. 1979માં બળવાખોરો સફળ થયા. સોમોઝાને સત્તા અને દેશ છોડવાં પડ્યાં. 1980માં પરાગ્વેમાં સોમોઝાની હત્યા કરવામાં આવી.
(રાજકીય) : ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાની સંયોગી ભૂમિ પર આવેલો આ મોટો દેશ આછી અને વીખરાયેલી વસ્તી ધરાવે છે. રાજકીય દૃષ્ટિએ તે 15 સપ્ટેમ્બર, 1821ના રોજ સ્વતંત્ર થયો હતો. તે પ્રજાસત્તાક સરકાર ધરાવે છે. રાજ્ય અને સરકારના વડા ડેનિયલ ઑર્ટેગા સાવેદ્રા છે. મુખ્યત્વે સ્પૅનિશ અને અંગ્રેજી ભાષાઓનો વપરાશ કરવામાં આવે છે. તેનું આર્થિક ચલણ કોરડોબા નામનું છે. માનાગુઆ તેની રાજધાનીનું શહેર છે. સમોમા વંશે ત્યાં 1933થી 1979 સુધી શાસન કર્યું. 1978થી ભ્રષ્ટાચાર વિરુદ્ધ તીવ્ર વિરોધ ઊભો થયો, જેમાં સમાજના તમામ વર્ગો જોડાયા હતા. પરિણામે ટૂંકો ગાળો ધરાવતો આંતરવિગ્રહ ચાલ્યો, જેને અંતે 1979માં માર્કસવાદી સેન્ડિનિસ્ટા ગેરીલાઓ સત્તા પર આવ્યા.
1984માં થયેલી ચૂંટણીઓમાં પણ ‘સેન્ડિનિસ્ટા નૅશનલ લિબરેશન ફ્રંટ’ નામના પક્ષની સરકાર રચાઈ. ત્યારબાદ 1990, 1996 અને 2001માં મુક્ત ચૂંટણીઓ યોજાઈ. જેમાં ઉપરોક્ત પક્ષનો પરાજય થયો હતો. 2006ની ચૂંટણીઓમાં પૂર્વ પ્રમુખ ડેનિયલ ઑર્ટેગા સાવેદ્રા ફરીથી પ્રમુખ બન્યા છે. નિકારાગુઆમાં સરકારે સત્તાનાં સૂત્રો સંભાળ્યાં, દેશના આર્થિક વિકાસ તરફ લક્ષ કેન્દ્રિત કર્યું. ખેતપેદાશોની નિકાસ, નાણાકીય બાબતો, વીમો, ખાણકાર્ય સરકારે પોતાને હસ્તક રાખ્યાં, કેટલાંક જાહેર અને ખાનગી સાહસોને મિશ્ર માલિકી હેઠળ રાખ્યાં અને દેશના વિકાસને પ્રોત્સાહન આપ્યું. છેલ્લે છેલ્લે 1980-90ના દસકા દરમિયાન નવી આર્થિક નીતિઓની ઘોષણા પણ કરવામાં આવી છે.
નિકારાગુઆ (નહેર) : કૅરિબિયન સમુદ્રને પૅસિફિક મહાસાગર સાથે જળમાર્ગથી સાંકળી લેવા માટે નિકારાગુઆમાંથી પસાર કરવાની સૂચિત નહેર. આ જળમાર્ગનો પ્રથમ પ્રસ્તાવ 1826માં મૂકવામાં આવેલો. પ્રસ્તાવમાં કૅરિબિયન સમુદ્રથી શરૂ કરી સાન હવાન નદીની ખીણને સાંકળી લઈ, નિકારાગુઆ સરોવરમાં જોડી, ત્યાંથી સરોવર અને પૅસિફિક મહાસાગર વચ્ચે રહેલી સાંકડી સંયોગી ભૂમિમાં પસાર કરવાની એક યોજના રજૂ કરવામાં આવેલી. જોકે યુનાઇટેડ સ્ટેટ્સની સંસદે આ યોજનાને પનામાની તરફેણમાં નકારી કાઢેલી, તેમ છતાં નિકારાગુઆનો વિકલ્પ 1916થી બ્રાયન ચામોરો સંધિ અનુસાર ઊભો રાખેલો, જે માટે નીચેની શરતો મૂકેલી : નિકારાગુઆએ યુનાઇટેડ સ્ટેટ્સને 30 લાખ ડૉલરના બદલામાં આ પ્રમાણેની સગવડો આપવી – (1) 99 વર્ષના પટે કૉર્ન ટાપુનો ભોગવટો, (2) ફૉન્સેકાના અખાત પર નૌકાથાણું બાંધવાનો અધિકાર, (3) નિકારાગુઆ નહેર બાંધવાનો એકહથ્થું અધિકાર. પરંતુ આ સંધિ 1970માં રદ કરવામાં આવી.
નિકારાગુઆ (સરોવર) : મધ્ય અમેરિકાના નૈર્ઋત્ય નિકારાગુઆમાં આવેલું સરોવર. તે 160 કિમી.થી વધુ લંબાઈવાળું, સ્થાનભેદે જુદી જુદી પહોળાઈવાળું પરંતુ સરેરાશ 72 કિમી. પહોળાઈ ધરાવતું તેમજ 61 મીટરની ઊંડાઈવાળું સ્વચ્છ જળનું સરોવર છે. આ સરોવર એક કાળે પૅસિફિક મહાસાગરના ફાંટાસ્વરૂપે અસ્તિત્વ ધરાવતું હતું. તેમાં હજી પણ શાર્ક જેવાં મહાસાગરમાં હોઈ શકે એવાં પ્રાણીઓના કેટલાક પ્રકારો મળે છે.
બીજલ પરમાર
ગિરીશભાઈ પંડ્યા