નિકલસન, જૅક (જ. 22 એપ્રિલ 1937, નેપ્ચૂન સિટી, ન્યૂ જર્સી, યુ.એસ.એ.) : હૉલિવૂડનો જાણીતો અભિનેતા, ફિલ્મસર્જક અને પટકથાલેખક. મૂળ નામ જોન જોસેફ નિકલસન. ‘બી’ કક્ષાની ફિલ્મોથી પોતાની કારકિર્દી શરૂ કરનાર આ તેજસ્વી અભિનેતાએ સિત્તેરના દાયકામાં પોતાની અભિનયપ્રતિભાનો પરિચય કરાવ્યો. નાનપણમાં તેના પિતા કુટુંબ છોડીને ચાલ્યા જવાથી તેનો ઉછેર માતા દ્વારા થયો. સત્તર વર્ષની ઉંમરે તે બહેનને મળવા કૅલિફૉર્નિયા આવ્યો જ્યાં તેની ફિલ્મી કારકિર્દીનો પ્રારંભ થયો. એમ.જી.એમ. કંપનીના કાર્ટૂન-વિભાગમાં તેને પટાવાળાનું કામ મળ્યું. ત્યારબાદ તેણે મંચ ઉપર કામ કરવાનું શરૂ કર્યું. તેની પહેલી ફિલ્મ ‘ધ ક્રાય બેબી કિલર’ 1958માં આવી. તે એક મામૂલી ‘બી’ કક્ષાની ફિલ્મ હતી. આવી કેટલીક ફિલ્મોનું તેણે લેખનકાર્ય પણ કર્યું હતું. વર્ષોની નિરાશા અને નિષ્ફળતા બાદ 1969ની ફિલ્મ ‘ઈઝી રાઇડર’માં તેનું નસીબ ચમકી ઊઠ્યું. ફિલ્મના મુખ્ય અભિનેતા રિપ ટૉર્નના સ્થાને તેને લેવાનું નક્કી થયું. આ ફિલ્મ માટે તેને પ્રથમ ઑસ્કાર નૉમિનેશન પ્રાપ્ત થયું. ત્યારપછીનાં વર્ષોમાં તેની કારકિર્દીમાં ચડતીનો સમય આવ્યો. પોતાની પ્રતિભા દ્વારા તે સુપર સ્ટાર સાબિત થયો. ‘ફાઇવ ઈઝી પીસીઝ’ (1970), ‘ધ લાસ્ટ ડિટેલ’ (1973), ‘ચાયનાટાઉન’ (1974) આદિ ફિલ્મોના અભિનય માટે ઑસ્કાર માટે તેના નામની ભલામણ થઈ. શ્રેષ્ઠ અભિનેતાનો ઑસ્કાર પુરસ્કાર તેને 1975ની ફિલ્મ ‘વન ફ્લ્યૂ ઓવર ધ કકૂઝ નેસ્ટ’ માટે મળ્યો. 1971થી તેણે કેટલીક ફિલ્મોનું દિગ્દર્શન પણ સંભાળ્યું.
તેનાં નોંધપાત્ર ચલચિત્રો : 1958 : ધ ક્રાય બેબી કિલર, 1969 : ઈઝી રાઇડર, 1970 : ફાઇવ ઈઝી પીસીઝ, 1971 : કાર્નલ નૉલેજ, 1973 : ધ લાસ્ટ ડિટેલ, 1974 : ચાઇનાટાઉન, 1975 : વન ફલ્યૂ ઓવર ધ કકૂઝ નેસ્ટ, 1983 : ટર્મ્સ ઑવ્ એન્ડિયરમેન્ટ, 1985 : પ્રિઝિઝ ઑનર, 1987 : વિચિઝ ઑવ્ ઇસ્ટવિક, 1989 : બૅટમૅન, 1992 : અ ફ્યૂ ગુડ મૅન, 1994 : વુલ્ફ, 2001 : ધ પ્લેજ, 2002 : એબાઉટ શ્મિટ, 2006 : ધ ડિપાર્ટેડ (દિગ્દર્શક માર્ટિન સ્કોર્સીસ), 2003 : એન્ગર મૅનેજમેન્ટ (આ ફિલ્મમાં સાઇકિયાટ્રિસ્ટ થૅરપિસ્ટની તેમણે ભજવેલી ભૂમિકા બદલ તેમને એકૅડેમી ઍવૉર્ડ મળ્યો હતો.), સમથિન્ગ્ઝ ગોટ્ટા ગીવ, 2007 : ધ બકેટ લિસ્ટ (દિગ્દર્શક રોબ રાઇનર), 2015 : સેટરડે નાઇટ લાઇવ.
પીયૂષ વ્યાસ