નાશિક : મહારાષ્ટ્ર રાજ્યના 36 જિલ્લાઓ પૈકીનો એક, તે જ નામ ધરાવતું જિલ્લામથક અને મહત્ત્વનું શહેર. આ જિલ્લો રાજ્યની વાયવ્ય દિશામાં દખ્ખણના મેદાની વિસ્તારમાં સહ્યાદ્રિ પર્વતમાળાના પૂર્વ ઢોળાવ પર 19° 36´ થી 20° 52´ ઉ. અ. અને 73° 16´ થી 74° 56´ પૂ. રે. વચ્ચે આવેલો છે. તેનું ક્ષેત્રફળ 15,539 ચોકિમી. છે, જે રાજ્યના કુલ વિસ્તારના 5.08% જેટલું થાય છે. તેની વાયવ્યમાં ગુજરાતના ડાંગ તથા વલસાડ જિલ્લા, ઉત્તરે રાજ્યનો ધુળે જિલ્લો, ઈશાનમાં જલગાંવ જિલ્લો, પૂર્વમાં જલગાંવ અને ઔરંગાબાદ જિલ્લો, દક્ષિણે અહમદનગર જિલ્લો, પશ્ચિમે થાણે જિલ્લો તથા સહ્યાદ્રિ ટેકરીઓ આવેલાં છે. જિલ્લાના મધ્યભાગમાં સાતપુડા ટેકરીઓ વિસ્તરેલી છે. જિલ્લામાંથી ગોદાવરી અને ગિરના નદીઓ પસાર થાય છે. આ નદીઓએ અહીં પહોળા ખીણપ્રદેશો અને ફળદ્રૂપ જમીનો તૈયાર કર્યાં છે. નૈર્ઋત્ય ભાગમાં કળસુબાઈ સરોવર છે. 2011 મુજબ જિલ્લાની કુલ વસ્તી 61,09,052 છે. નાશિક ઉપરાંત જિલ્લામાં માલેગાંવ, યેવલા, મનમાડ, નંદગાંવ, સતના હિંડોરી અને સુરગંગા નગરો છે.
જિલ્લાનો વાર્ષિક સરેરાશ વરસાદ 1,030 મિમી. છે. મહત્તમ તાપમાન 46.7° સે. અને લઘુતમ તાપમાન 10° સે. નોંધાયેલું છે.
જિલ્લાના 3,446 ચોકિમી. વિસ્તારમાં જંગલો આવેલાં છે, તે પૈકી 2,920 ચોકિમી. જેટલાં રક્ષિત તથા 246 ચોકિમી. જેટલાં અનામત જંગલો છે. આ જંગલોમાં મુખ્યત્વે સાગ, બાવળ, આંબા, વાંસ, અંજન અને થોડાં ચંદનનાં વૃક્ષો થાય છે. વાઘ, જંગલી ભુંડ, રીંછ, ચિત્તળ, સાબર, નીલગાય તથા છીંકારાં અહીંનાં મુખ્ય પ્રાણીઓ છે.
ખેતી : જિલ્લાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. તેમાં 72% લોકો રોકાયેલા છે. કુલ ખેતીલાયક જમીનમાંથી 63% જમીનમાં ખેડાણ થાય છે તે પૈકી આશરે 80% જમીન પર બાજરી, જુવાર, ડાંગર, ઘઉં તથા બરછટ અનાજનું વાવેતર થાય છે. અમુક ભાગમાં સિંચાઈ દ્વારા પણ ખેતી થાય છે. આ ઉપરાંત ડુંગળી, મગફળી, કપાસ, કઠોળ તથા દ્રાક્ષનું ઉત્પાદન સારા પ્રમાણમાં થાય છે. મહારાષ્ટ્ર રાજ્યમાં ડુંગળી અને દ્રાક્ષનું જે કુલ ઉત્પાદન થાય છે તે પૈકી આ જિલ્લામાંનું આ બે પાકોનું ઉત્પાદન અનુક્રમે 36% અને 26% જેટલું હોય છે.
ઉદ્યોગો : ઔદ્યોગિક વિકાસની બાબતમાં આ જિલ્લાએ આઝાદી પછી હરણફાળ ભરી છે. યેવલા અને માલેગાંવ ખાતે હાથસાળનો ઉદ્યોગ વિકસ્યો છે, ઓઝર ખાતે મિગ લડાયક વિમાન બનાવતું હિંદુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડનું કારખાનું તથા તેની નજીકમાં કિર્લોસ્કર કંપનીનું ટ્રૅક્ટર બનાવતું કારખાનું છે. નાશિક નગરના પરામાં કેન્દ્ર-સરકારનું ચલણી નોટો છાપતું કારખાનું ગવર્નમેન્ટ સિક્યુરિટી પ્રેસ છે. પિંપળગાંવ ખાતે હળવાં પીણાં બનાવતું કારખાનું છે. નાશિક, મનમાડ તથા માલેગાંવ ખાતે ઔદ્યોગિક વસાહતો સ્થાપવામાં આવી છે, જ્યાં નાનીમોટી અનેક ચીજવસ્તુઓનું ઉત્પાદન થાય છે. દાભાડી, રાવળગાંવ તથા નિફાડમાં સહકારી ખાંડ-કારખાનાં આવેલાં છે. શહેરની આજુબાજુના વિસ્તારમાં મોતવાણે ઇલેક્ટ્રિકલ ઇન્ડિયા, સિયાટ ટાયર્સ, કૉસમૉસ ઇન્ડિયા રબર વર્ક્સ, મેકાવૉશ, એશિયન ડીહાઇડ્રેશન લિમિટેડ જેવાં સમગ્ર દેશમાં જાણીતાં બનેલાં કારખાનાંઓ છે. દેવલાલી ખાતે બ્રિટિશ શાસનકાળથી ભારતીય લશ્કરનાં તાલીમકેન્દ્રો છે. તોપખાનાની તાલીમના મુખ્ય કેન્દ્ર તરીકે તે જાણીતું છે. જિલ્લામાં બીડીઉદ્યોગનો પણ સારો વિકાસ થયેલો છે.
પરિવહન : જિલ્લામાં 258 કિમી. લંબાઈના રેલમાર્ગો છે. મનમાડ અહીંનું મહત્વનું રેલ-જંકશન છે. મુંબઈ-નાગપુર, મુંબઈ-હાવડા તથા મુંબઈ-પઠાણકોટ જેવી અગત્યની ગાડીઓ આ જિલ્લામાંથી પસાર થાય છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં-3 અને 4 આ જિલ્લામાંથી પસાર થાય છે.
શહેર : ભૌગોલિક સ્થાન : 19° 59’ ઉ. અ. 73° 48’ પૂ. રે.. નાશિક તીર્થક્ષેત્ર તરીકે જાણીતું બનેલું છે. ભારતની મોટી અને પાંચ પવિત્ર ગણાતી નદીઓમાંની એક એવી ગોદાવરીના તીરે તે વસેલું છે. આ નગર પ્રાચીન કાળથી પશ્ચિમ કાશી તરીકે ઓળખાતું આવ્યું છે. તે ઋષિઓની તપોભૂમિ તથા સામાન્ય માનવીની મોક્ષભૂમિ ગણાય છે. આ નગરનાં પ્રમુખ તીર્થસ્થાનોમાં અહીંથી 22 કિમી. અંતરે આવેલું ત્ર્યંબકેશ્વરનું પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ, રામકુંડ, રામગયાતીર્થ, લક્ષ્મણકુંડ, બદરિકાસંગમ, બ્રહ્મતીર્થ, અરુણા સંગમતીર્થ તથા અસ્થિવિલયતીર્થનો સમાવેશ થાય છે. આ ઉપરાંત કપાલેશ્વર મંદિર, સુંદરનારાયણ મંદિર, રામેશ્વર મંદિર, ગંગામંદિર, રામમંદિર તથા સીતાગુફા શ્રદ્ધાળુઓ માટેનાં પવિત્ર સ્થાનો છે. આ નગરમાં કેટલાક સંત પુરુષોના મઠ, આશ્રમો અને અખાડાઓ આવેલા છે. સિંહસ્થ વર્ષમાં આ નગરમાં આખા વર્ષ માટે મોટો મેળો ભરાય છે. આ પર્વ દરમિયાન ગોદાવરી નદીમાં સ્નાન કરવાથી ગંગાસ્નાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે એવું ભાવિક શ્રદ્ધાળુઓ માને છે. નગરથી આશરે 13 કિમી. અંતરે ચક્રતીર્થ નામનું જે સ્થાન છે ત્યાં કુંભયાત્રાનું આયોજન થતું હોય છે. નગરથી આશરે દોઢ કિમી. અંતરે તપોવન-ભૂમિ છે. જ્યાં પ્રાચીન કાળમાં ઋષિમુનિઓએ તપશ્ચર્યા કરી હતી એવી આખ્યાયિકા છે. આ જ સ્થળે 1817માં લક્ષ્મણ-મંદિર બાંધવામાં આવેલું છે, તેની પડખે જે અગિયાર ગુફાઓ છે તે લક્ષ્મણગુફા નામથી ઓળખાય છે. આ ગુફાઓ જૈન ધર્મના અનુયાયીઓેએ કંડારેલી હોવાની પણ માન્યતા છે. કપિલા અને ગોદાવરીના સંગમસ્થાને તપોવન છે. નગરની નૈર્ઋત્ય દિશામાં અંજનગિરિ પર્વતશ્રેણીમાં ત્રણ શંકુ આકારના ડુંગરો છે, તે ત્રિરશ્મિ નામથી ઓળખાય છે. વચ્ચેના ડુંગરમાં કંડારાયેલી ગુફાઓ ઈ. સ. પૂ. 100 વર્ષ જેટલી જૂની છે. આ ગુફાઓમાં કેટલાક પ્રાચીન શિલાલેખો પણ છે. આ બધી ગુફાઓ બૌદ્ધ શિલ્પકલાના સુંદર નમૂનાઓ છે. ગુફાઓની મૂર્તિઓની સાચી પરખ ન થવાથી તે પાંડવોની હશે એવા ખ્યાલથી તેમને પાંડવગુફાઓ તરીકે ઓળખાવવામાં આવે છે. નગરની ઉત્તરે આશરે 8 કિમી. અંતરે ગજપંથ નામની ટેકરી છે. ત્યાં જૈન સ્થાપત્યકલાના નમૂનાઓ છે. તેમાં 11મી સદીની ભગવાન પાર્શ્વનાથની મૂર્તિ છે. છત્રપતિ શિવાજી તથા સ્વામી રામદાસે આ નગરની યાત્રા કરી હતી એવા નક્કર પુરાવા સાંપડ્યા છે.
સ્વાતંત્ર્યવીર સાવરકરે 1904માં આ જ નગરમાં ‘અભિનવ ભારત’ નામની ક્રાંતિકારી સંસ્થાની સ્થાપના કરી હતી, જેને લીધે આ નગર એ ક્રાંતિકારીઓ માટે પણ પવિત્ર ભૂમિ બની હતી.
સ્વાધીનતા પૂર્વેથી આ નગર કેળવણી માટે જાણીતું બનેલું છે અને એે પછીથી પણ તેણે શિક્ષણક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે. સ્વાધીનતાસંગ્રામના એક અગ્રણી સેનાની ડૉ. બાળકૃષ્ણ શિવરામ મુંજે- (1872–1948)એ 1937માં અહીં ભોંસલે મિલિટરી સ્કૂલની સ્થાપના કરી હતી. આ નગરમાં ‘બૉયઝ ટાઉન’ નામની જાણીતી પબ્લિક સ્કૂલ છે, જ્યાં બાળકોના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ અપાય છે. આ ઉપરાંત યશવંતરાવ બળવંતરાવ ચવાણ(1914–84)ના નામ સાથે જોડાયેલ મહારાષ્ટ્રમાં સ્થાપવામાં આવેલ ઓપન યુનિવર્સિટીનું મુખ્ય મથક પણ આ નગરમાં જ આવેલું છે. નગરમાં બધી જ વિદ્યાશાખાઓનું શિક્ષણ આપતી ઉચ્ચ શિક્ષણસંસ્થાઓ છે, જેમાં જાણીતી એચ. પી. ટી. કૉલેજ જૂનામાં જૂની કૉલેજ છે. આ નગરની વસ્તી આશરે 15,62,769 (2011) છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે