નાવિક, ઠાકોરભાઈ ડાહ્યાભાઈ (જ. 6 જાન્યુઆરી, 1945) : ગુજરાતી તરણવીર. ઝીણાભાઈ નાવિક પછી સૌથી વધારે તરણસિદ્ધિ પ્રાપ્ત કરનાર ઠાકોરભાઈનો જન્મ દક્ષિણ ગુજરાતની તરણકુશળ નાવિક જ્ઞાતિમાં થયો હતો. નાની વયે જ તરણમાં કૌશલ્ય હાંસલ કરીને કપરી તરણસ્પર્ધાઓમાં ભાગ લેવા માંડ્યા. સૂરતમાં રહી સાગરતરણનાં સાહસોમાં રસ લેવા લાગ્યા. પરિણામે સંખ્યાબંધ તરણસ્પર્ધાઓમાં ભાગ લઈ પારિતોષિકો મેળવ્યાં.
તેમના માર્ગદર્શક જગદીશભાઈ નાવિકે તેમને આ કાર્યમાં પૂરી સહાય કરી. ઠાકોરભાઈની નીચે મુજબની સિદ્ધિઓ નોંધપાત્ર છે :
રાજ્યકક્ષાએ : (1) 1967 : મેહધામથી ભરૂચ. 29 કિમી.. પ્રથમ. (2) 1971 : મેહધામથી ભરૂચ. 29 કિમી.. દ્વિતીય. (3) 1969 : હજીરાથી સૂરત 29 કિમી.. પ્રથમ. (4) 1971 : હજીરાથી સૂરત. 29 કિમી.. પ્રથમ. (5) સૂરત મહાનગરપાલિકા પ્રાયોજિત 1200 મી. તરણસ્પર્ધાઓમાં બે વાર પ્રથમ, એક વાર દ્વિતીય અને એક વાર તૃતીય સ્થાને આવી સુવર્ણચંદ્રકો મેળવ્યા. (6) 1970 : વડોદરા મહાનગરપાલિકા પ્રાયોજિત 1500 મી. ફ્રી સ્ટાઇલ સ્પર્ધામાં પ્રથમ. (7) રાજ્ય તરણ મંડળ પ્રાયોજિત તરણસ્પર્ધાઓમાં 1967થી 1972ની 100, 200, 400 અને 1500 મી.ની તરણસ્પર્ધામાં પ્રથમ કે દ્વિતીય રહ્યા. 100 તથા 200 મી. બટરફલાય તથા 100 × 4 મી. વ્યક્તિગત મીડલ રીલે રેસમાં પ્રથમ રહ્યા.
રાષ્ટ્રીય કક્ષાએ : (1) 1965 : ભાડભૂતથી ભરૂચ, 19 સાગર કિમી. સ્પર્ધામાં તૃતીય. (2) 1966 : સૂરતની તાપી નદીમાં હાથપગે બેડી બાંધી સતત 10 કલાક તરણ. (3) કાનપુર, તિરુવનંતપુરમ્, દિલ્હી અને બૅંગાલુરુની રાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ગુજરાતના પ્રતિનિધિ રહ્યા. (4) 1972માં ગુજરાત રાજ્ય યુવક બોર્ડ પ્રાયોજિત 5મી અખિલ ભારત વીર સાવરકર સાગરતરણ સ્પર્ધામાં તા. 24–2–1972ના દિવસે ચોરવાડથી વેરાવળ, 18 સાગરમાઈલમાં દેશભરના 22 પુરુષો અને 3 મહિલાઓમાં ઠાકોરભાઈ 8 કલાક 6 મિનિટનો સમય લઈ બીજા આવ્યા. મુંબઈના ધનવીર ધીરુભાઈ ખટાઉ 7 ક. 17 મિ. સાથે પ્રથમ હતા. બંનેને ચંદ્રકો અર્પણ કરાયા હતા. એ પહેલાંના વર્ષે ઠાકોરભાઈને 10 ક. 33 મિ.નો સમય લાગ્યો હતો.
વિવિધ તરણસિદ્ધિઓથી પ્રોત્સાહિત થઈને ઠાકોરભાઈએ તેમની સ્પર્ધાઓનો વ્યાપ વિસ્તાર્યો. ભારત–શ્રીલંકા વચ્ચેની પાલ્ક સામુદ્રધુની તથા ઇંગ્લિશ ચૅનલ તરવાનો પ્રયાસ કર્યો હતો.
બંસીધર શુક્લ