નાવિક, ઝીણાભાઈ દાજીભાઈ (જ. 5 જાન્યુઆરી 1906, રાંદેર, સૂરત; અ. 2000) : ગુજરાતના શ્રેષ્ઠ દોડવીર. વતન સૂરત પાસે રાંદેર. પોતાના વતન રાંદેરની શાળામાં અભ્યાસ કર્યો અને તે પછી ચિત્રકળાનો અભ્યાસ કલાભવન, વડોદરામાં કરીને ધંધાદારી રંગભૂમિમાં પડદા ચીતરનાર તરીકે જોડાયા. અહીં તેમણે સ્ટેજ મેકઅપની કળા તથા તબલાવાદનની કળા હસ્તગત કરી. સ્વાભિવ્યક્તિના હેતુથી નવરાશના સમયે તે શોખથી નમનરમ્ય દૃશ્યો ચીતરતા; એટલું જ નહિ, પણ ધાર્મિક પ્રસંગોએ પૌરાણિક કથાનકના વસ્તુને અનુલક્ષીને કૅન્વાસ પર ચિત્રાવલીઓનું પણ નિર્માણ કરતા હતા. કલાજગતમાં ડૂબેલા ઝીણાભાઈને સાહસિક પ્રવૃત્તિઓ પ્રત્યે અનન્ય આકર્ષણ હતું. 60 વર્ષ પછીની વૃદ્ધ ઉંમરે પણ લાંબું અંતર ચાલવાની, દોડવાની, સાઇકલ ચલાવવાની તથા તરવાની – એમ અનેક સાહસિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાનું ચાલુ રાખી ઊગતી પેઢીને પ્રેરણારૂપ બની રહ્યા હતા. 1949માં નર્મદાના મૂળથી મુખ સુધી 1,000 કિમી.નો નૌકાપ્રવાસ કર્યો હતો. 1953માં પર્વતારોહણની પૂર્ણ તાલીમ પ્રાપ્ત કરી હિમાલયનું 14,000 ફૂટ ઊંચું ગંગોત્રી શિખર સર કર્યું હતું. 1969માં ખંભાતના અખાતમાં મેધામ(જિ. ભરૂચ)થી સૂરત તથા દહેજથી ઘોઘા સુધી તેમજ ટ્રૉમ્બેથી ગેટ વે ઑવ્ ઇન્ડિયા સુધી 20 કિમી. અંતર તરીને કાપ્યું હતું. 1970માં પોરબંદરથી દાંડી સુધી 1,080 કિમી. સાઇકલ-રેસ પૂરી કરી, 1973માં તાપીના મૂળથી મુખ સુધી નૌકાપ્રવાસ કર્યો હતો.
1976માં પોરબંદરથી દાંડી સુધી દોડ તથા 1977માં સાબરમતી આશ્રમ, અમદાવાદથી રાજઘાટ, દિલ્હી સુધીની દોડ પૂરી કરી હતી. 1978માં ઉત્તર ગુજરાતમાં 500 કિમી. તથા દક્ષિણ ગુજરાતમાં 300 કિમી. દોડ પૂરી કરેલી. જ્યારે 1980માં સિદ્ધિની પરાકાષ્ઠા સમાન શ્રીનગર(કાશ્મીર)થી કન્યાકુમારી (તમિળનાડુ) સુધીની 7,000 કિમી. દોડ પોતાની 64 વર્ષની ઉંમરે પૂરી કરી અજોડ વિક્રમ નોંધાવ્યો હતો. સદાપ્રસન્ન, નમ્ર અને નિરભિમાની ઝીણાભાઈ નાવિક ગુજરાતનું ગૌરવ તથા ઊગતી પેઢી માટે પ્રેરણાસ્રોત રહ્યા છે.
ચિનુભાઈ શાહ